રાજય સરકાર દ્વારા નેશનલ ફુડ સિક્યોરીટી એકટ હેઠળ આવતાં રાશનકાર્ડ ધારકોને સમયાંતરે અનાજ સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવતી હોય છે. રાજ્યમાં કુલ 71 લાખ રીશનકાર્ડ ધારકો છે. જોકે આ પૈકી છેલ્લા 6 મહિના કે 12 મહિનાથી વધુ સમયથી જે રાશન કાર્ડ ધારકોએ પોતાને મળવાપાત્ર રાશનનો જથ્થો લીધો નથી, તેમના કાર્ડને ઓનલાઈન PDS સીસ્ટમમાં સાયલન્ટ રાશન કાર્ડ કરી દેવામાં આવ્યા છે. એટલે કે આ કાર્ડને બ્લોક કરી દેવામાં આવ્યા છે.
કેવી રીતે રાશન કાર્ડ 'સાયલન્ટ' કેટેગરીમાં મૂકી દેવાય છે?
સાયલન્ટ કરાયેલા રાશનકાર્ડ ધારકોને હાલ પૂરતું રાશન ઓનલાઈન કે ઓફલાઈન રાશન વિતરણ થઈ શકશે નહીં. સિસ્ટમમાંથી બ્લોક કરાયેલા રાશનકાર્ડ ધારકોને અનાજ મેળવવા માટે સંબંધિત કચેરી/ઝોનલ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રકારના 'સાયલન્ટ રાશન કાર્ડ'ના તમામ સભ્યોના આધાર સીડીંગની પ્રક્રિયા માટે E-KYC ફરજિયાત કરાવવાનું રહેશે. વેરિફિકેશન બાદ જ તે રાશનકાર્ડ એક્ટિવ થઈ શકશે.
સાયલન્ટ કાર્ડ ફરી એક્ટિવ કરાવવા શું છે પ્રક્રિયા?
અરજીકર્યા બાદ પણ મામલતદાર કચેરી/ઝોનલ કચેરીથી અરજી કર્યા બાદ કાર્ડ ધારકની ચકાસણી, રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોના નામ, હયાતી, આધાર કાર્ડ નંબર, બેંક ખાતા નંબર, મોબાઈલ નંબર સહિતના જરૂરી પુરાવા મેળવીને સંબંધિત મામલતદાર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને ઓનલાઈન ભલામણ કરવાની રહેશે. જિલ્લા પુરવઠા અધિકારીની મંજૂરી મળ્યાબાદ તે રાશનકાર્ડ ધારકને તે માસ દરમિયાન મળવાપાત્ર જથ્થાનું વિતરણ કરાશે.
ગાંધીનગરમાં 8000થી વધુ કાર્ડ સાયલન્ટ કેટેગરીમાં
નોંધનીય છે કે, રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-2013 હેઠળ ગાંધીનગર જિલ્લાના 8027 રેશનકાર્ડને તંત્ર દ્વારા સાયલન્ટ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. એટલે કે આવા રેશનકાર્ડ ધારકોને હાલ પુરતા તંત્ર દ્વારા બ્લોક કરી દેવાયા છે. છેલ્લા છ મહિના કે એક વર્ષથી કોઈપણ પ્રકારે રાશન નહીં લેનાર રેશનકાર્ડ ધારકોને આ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. જેઓએ હવે 31 ઓગસ્ટ સુધીમાં રેશનકાર્ડ ફરી એક્ટિવ કરાવવા માટે મામલતદાર કે ઝોનલ કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.
કયા તાલુકામાં કેટલા રેશનકાર્ડ ધારકો?
કલોલ તુલાકમાં છ મહિનામાં રાશન નહીં લેનાર 1669, બાર મહિના સુધી રાશન ન લેનાર 339 રેશનકાર્ડ ધારકોને બ્લોક કરાયા છે. આ જ રીતે ગાંધીનગરમાં અનુક્રમે 1416 અને 333, દહેગામમાં 1540 અને 498, ગાંધીનગર ઝોનલમાં 356 અને 45 મળીને કુલ 8027 રેશનકાર્ડ ધારકોને સાયલન્ટ કેટેગરીમાં મુકાયા છે, જેમાં 6432 રેશનકાર્ડ ધારકોએ 6 મહિનાથી અને 1595 કાર્ડ ધારકોએ એક વર્ષથી રાશન લીધું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.