અમદાવાદની ધરોહરનો લૂક બદલાશે:વિશ્વપ્રસિદ્ધ સિદી સૈયદની જાળી એકદમ નજીકથી જોઈ શકાય તે માટે રસ્તો બનાવાશે, 2 કરોડના ખર્ચે ડેવલપ કરાશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સિદી સૈયદની જાળી આખા જગમાં વિખ્યાત છે. દેશ-વિદેશના લોકો અને અનેક દેશના રાષ્ટ્રપતિથી લઈ મહાનુભાવો સિદી સૈયદની જાળી જોવા માટે અમદાવાદ આવી ચૂક્યા છે, ત્યારે 450 વર્ષથી વધુ જૂની સિદી સૈયદની જાળીનો પ્રવેશ દ્વાર બદલવામાં આવશે. સિદી સૈયદની જાળીને અડીને આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગાર્ડન ડેવલપ પણ કરવામાં આવશે. આમ રૂ.2 કરોડના ખર્ચે વર્લ્ડ હેરિટેજ સ્મારક સિદી સૈયદની જાળી અને તેના આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.

મહિલા અંદર સુધી જઈ શકતી નથીઃ રાજેશ દવે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન રાજેશ દવે (રાજુ દવે)એ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની ઓળખ અને વર્લ્ડ હેરિટેજ સ્મારક સિદી સૈયદની જાળીને જોવા માટે દેશ-વિદેશથી અનેક લોકો આવતા હોય છે. પ્રવાસીઓ સિદી સૈયદની જાળી જોવા આવે ત્યારે જો મસ્જિદમાં નમાજનો સમય થયો હોય તો પ્રવાસીઓને બહાર ઊભું રહેવું પડે છે. મહિલાઓ અંદર સુધી જઈ શકતી નથી, જેના કારણે સિદી સૈયદની જાળી નજીકથી જોવા મળતી નથી. આ પ્રકારની કેટલીક બાબતો ધ્યાને આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિદી સૈયદની જાળી લોકો વ્યવસ્થિત રીતે જોઈ શકે તેના માટે આસપાસના વિસ્તારને વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

‘પાછળના ભાગેથી સરખી રીતે જોઈ શકાય છે’
રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેને આગળ જણાવ્યું કે, સિદી સૈયદની જાળીને ખરેખર જોવી હોય તો પાછળના ભાગેથી સરખી રીતે જોઈ શકાય છે. સિદી સૈયદની ત્રણેય તરફથી જાળીઓ લોકો વ્યવસ્થિત જોઈ શકે તેના માટે મસ્જિદને અડીને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગાર્ડનમાંથી રસ્તો બનાવવામાં આવશે. કોર્પોરેશનનો ગાર્ડન ડેવલપ કરી પ્રવાસીઓ અમદાવાદનું હેરિટેજ કલ્ચર જોઈ શકે તે રીતે ગાર્ડનમાં આયોજન કરવામાં આવશે.

વર્લ્ડ હેરિટેજ વિભાગ દ્વારા આ ગાર્ડનમાં એક જૂની AMTS બસને લાવીને તેમાં વર્લ્ડ હેરિટેજના સ્થાપત્યો તેમજ તેને લગતી તમામ વસ્તુઓ મુકવામા આવશે. જેથી દેશ અને વિદેશના પ્રવાસીઓને સરળતાથી માહિતી મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...