છેતરપિંડી:અમદાવાદના ઘોડાસરના યુવક સાથે સિબા કરન્સીમાં રોકાણ કરવાના નામે 10.80 લાખ ગુમાવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

‘જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે’ આ ગુજરાતી કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. ઘોડાસરના યુવકે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી રાતોરાત નફો કમાઈ લેવાની લાલચમાં રૂપિયા 10.80 લાખ ગુમાવ્યા છે. જો કે, તેને આ રવાડે ચડાવનાર મનોજ શાહની સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી લીધી છે.

સિબા કરન્સીમાં રોકાણ કરાવ્યું હતું
બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે, ખોડાસર આવકાર હોલ નજીક મંગલમૂર્તિ ફ્લેટમાં રહેતા મિત ધર્મેશભાઇ સોનીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી મોટો નફો કમાઈ લેવાની લાલચ જાગી હતી. જેના સંપર્કમાં આવેલા મનોજ શાહ કે, જેણે સિબા નામની ક્રિપ્ટો કરન્સીના મલ્ટી લેવલ માર્કેટીંગની એક સાઇટ બનાવી છે. મનોજે મિતને પોતાના સિબા કોઇનમાં રોકાણ કરી સારું વળતર મેળવવાની લાલચ આપી હતી.

મલ્ટી લેવલ માર્કેટિંગમાં રોકાણ કરાવ્યું હતું
મનોજની વાતોમાં આવી ગયેલા મિત સોનીએ ટુકડે ટુકડે ક્રિપ્ટો કરન્સીમાં રૂપિયા 12.45 લાખનું રોકાણ કર્યું હતું. આ સ્કીમમાં મલ્ટી લેવલ માર્કેટીંગ હોવાથી મિતે પોતાના સ્વજનો અને મિત્રોના રૂપિયાનું પણ મનોજની સિબા કરન્સીમાં રોકાણ કરાવ્યું હતું. વર્ચ્યુઅલી મિતને પોતાના રૂપિયા વધતા હોય તેવું દેખાતું હતું, પરંતુ થોડા દિવસો બાદ મનોજે મિતને માત્ર 1.65 લાખ રૂપિયા પરત કરીને વેબસાઇટ બંધ કરી દીધી હતી.

સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી
મનોજે ક્રીપ્ટો કરંસીની વેબસાઇટ બંધ કરી મિતને 10.80 લાખનો ચુનો લગાવ્યો હતો. જે અંગે તેણે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.સરોદેએ તપાસ શરૂ કરી ઠગ મનોજ શાહને ઝડપી લીધો છે. હવે મનોજે ક્રિપ્ટો કરન્સીના નામે કેટલા લોકોને ચુનો લગાવ્યો છે. તેની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...