મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં બનેલી કિડની હોસ્પિટલ (આઈકેડીઆરસી)માં સોમવારથી નેફ્રોલોજી, પીડિયાટ્રિક નેફ્રોલોજી, ટ્રાન્સપ્લાન્ટ અને હાઈરિસ્ક પ્રેગનન્સીની ઓપીડી શરૂ કરાઈ છે. નવી હોસ્પિટલમાં દર્દીને જાણ થાય તે માટે હોસ્પિટલ તંત્રે જૂની હોસ્પિટલના મેઇન ગેટ પર તેમ જ હોસ્પિટલમાં નોટિસ લગાવી હતી, જેથી નિયમિત ફોલોઅપમાં આવતાં દર્દીને જાણ હતી, પરંતુ બહારગામથી આવતાં અને પ્રથમ વાર તપાસ માટે આવતાં કેટલાક દર્દીને જૂની કિડની હોસ્પિટલ આવ્યા બાદ ઓપીડી નવી હોસ્પિટલમાં ખસેડ્યાની જાણ થતાં નવી હોસ્પિટલમાં જવું પડ્યું હતું.
કિડનીની સારવાર માટે આવેલા એક દર્દીના સગાના જણાવ્યા મુજબ, અમે કિડની હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, પણ હોસ્પિટલમાં પહોંચતાં સિક્યોરિટીએ ઓપીડી નવી હોસ્પિટલમાં ખસેડાયાની જાણ કરી હતી. નવી હોસ્પિટલમાં સોમવારે ઓપીડી શરૂ કરાઈ ત્યારે હોસ્પિટલના બંને ગેટ ખુલ્લા રખાયા હતા, પરંતુ મંગળવારે આઈ હોસ્પિટલ પાસેનો ગેટ દર્દી-સગાં માટે બંધ કરાતાં દર્દીને હોસ્પિટલમાં પ્રવેશ માટે બીજા ગેટ પર જવાની ફરજ પડી હતી. નવી કિડની હોસ્પિટલમાં હાલમાં શિફ્ટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેમ જ દરરોજ ચારથી પાંચ ટ્ર્ક ભરીને મેડિકલ સાધનો જૂનીમાંથી નવી હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા છે. આ સાથે હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પણ તબક્કાવાર નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
નવી બિલ્ડિંગ તૈયાર કરી દેવામાં આવી પરંતુ દર્દીઓ અને સગા માટે પીવાના પાણીની સુવિધા ન હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. આ સાથે દર્દીના સગાઓનું કહેવું છે કે આ અંગે હોસ્પિટલ તંત્રએ યોગ્ય જાહેરાત કરવી જોઈએ જેથી આવનારા સગા સંબંધીઓ અને ઓપીડીના દર્દીઓને મુશ્કેલી ન પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.