ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાની ભલામણ કરાયા બાદ ભણાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 અને 2માં અંગ્રેજી દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજીને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે શું ભલામણ કરી
1. શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે. જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ઠ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે.
2. ધોરણ 6થી 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્ય પુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.
3. ધોરણ 9થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.
4. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પઠન-પાઠનનો પ્રાર્થના કાર્યક્રમમાં સમાવેશ કરાવવામાં આવે
5. શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વકૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે
6. ધોરણ 6થી 12 માટેનું સદર સાહિત/ અધ્યયન સામગ્રી (પ્રિન્ટેડ, ઓડિયો-વિઝ્યુઅલ વગેરે) આપવામાં આવે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગીતા જ્ઞાન આપવા ભલામણ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાએ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી અનુભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાયે તે જરૂરી છે. આ જોડાણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને તે રીતે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો શાળાકીય અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. આ અનુસંઘાને પ્રથમ તબક્કે શ્રીમદ્ ભવગદ્ ગીતાનો પરિચય થાય એ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.