અમદાવાદ શહેરમાં રોડ રસ્તાને લઇને મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા અવારનવાર અધિકારીઓને ઝાટકણી કાઢતા હોય છે ત્યારે આજે મળેલી રિવ્યુ બેઠકમાં શહેરના રોડ, ડ્રેનેજ તેમજ ફૂટપાથને લઇ કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે તમામ અધિકારીઓને સવાલ કર્યો હતો કે શહેરમાં મને પાંચ એવા રોડ બતાવો કે જેમાં રોડ, ડ્રેનેજ તેમજ ફૂટપાથ એકદમ વ્યવસ્થિત હોય. જોકે કમિશનરને કરેલા આ સવાલથી એક પણ અધિકારી એવો જવાબ આપી શક્યો ન હતો કે આ રસ્તો દરેક રીતે યોગ્ય છે. શહેરના રોડ રસ્તા યોગ્ય રીતે કરવા અને તેનું વ્યવસ્થિત આયોજન કરવાની તાકીદ તેઓએ અધિકારીઓને કરી હતી.
અમદાવાદ શહેરમાં અનેક હોટલો અને રેસ્ટોરન્ટો આવેલી છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા ફૂડ સેમ્પલ લેવાની તેમજ ચેકિંગની કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને આજે મળેલી રિવ્યુ બેઠકમાં હેલ્થ એન્ડ ફુડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ પ્રમાણમાં ફુડ સેમ્પલ લેવાની તાકીદ કરવાની સાથે સાથે ‘ક્વોલિટી ફુડ સેમ્પલ' લેવા પર તેમણે ભાર મૂક્યો હતો. ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લીધા બાદ સેમ્પલ ‘ફેઈલ’ હોવાના કિસ્સામાં કેવા પગલાં લેવામાં આવે છે ? ફૂડ સેમ્પલ લીધા બાદ તેના પરિણામ આવે ત્યાં સુધી શું કાર્યવાહી કરવામાં આવે છે એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
ફુડ સેમ્પલની કામગીરી સામે વ્યાપક નારાજગી વ્યક્ત કરી
કમિશનર એમ. થેન્નારસને રીવ્યુ કમિટીની બેઠકમાં ફુડ વિભાગના અધિકારીઓ અને રોડ પ્રોજેકટ અને એન્જિનીયરિંગ વિભાગના અધિકારીઓને આડે હાથે લીધા હતા. ફુડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં દરરોજ માંડ એક- બે ફુડ સેમ્પલ લેવામાં આવતા હોવાની કામગીરી સામે વ્યાપક નારાજગી વ્યક્ત કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વધુને વધુ ફુડ સેમ્પલ લેવાની તેમણે હેલ્થ- ફુડ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી. વિવિધ જગ્યાએથી ફુડ સેમ્પલ લેવાયા પછી ટેસ્ટિંગ કરાયા બાદ ફુડ સેમ્પલ ‘ફેઈલ’ જવાના કિસ્સામાં કેવા પ્રકારના એક્શન લેવામાં આવે છે એવો કમિશનરે વેધક પ્રશ્ન કર્યો હતો.
ડ્રેનેજ વિભાગના અધિકારીઓના સૂચના
બજારમાં ભેળસેળ ધરાવતી અને અપ્રાણિત ખાદ્ય ચીજવસ્તુઓનું મોટાપાયે વેચાણ થાય છે. ત્યારે દિશામાં ફુડ વિભાગના અધિકારીઓ કોઈ જ પગલાં લેતા નથી અને શહેરીજનોને ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ પેટમાં પધરાવવી પડે છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાના નાના અને સ્લમ વિસ્તારમાં છૂટાછવાયા ડ્રેનેજ ડીશિફ્ટિંગ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવા અને યોગ્ય પદ્ધતિથી ડીશિફ્ટિંગ કરવાની મ્યુનિ. કમિશનરે ડ્રેનેજ વિભાગના અધિકારીઓના સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.