તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર NOC મુદ્દે સુનાવણી:7 હોસ્પિટલોમાં આગ લાગ્યા બાદ સરકારે હાઈકોર્ટમાં સ્વીકાર્યું, 90 ટકા બિલ્ડિંગ્સને BU મળી શકે એમ નથી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • એક દાખલો બતાવો જેમાં બિલ્ડર કે અધિકારીઓ સામે પગલાં લીધા હોયઃ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
  • સરકાર ગેરકાયદેસર બાંધકામને રોકે તો ભવિષ્યમાં આ મુદ્દો ઉભો ન થાયઃ હાઈકોર્ટ

ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. આજે ફરીવાર હાઈકોર્ટમાં ફાયર NOC અને BU પરમિશનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે એક દાખલો બતાવો જેમાં તમે કોઈ બિલ્ડર કે અધિકારીઓ સામે પગલાં લીધાં હોય. તેમજ સરકારે બિલ્ડીંગ યુઝ પરમિશન વિનાની 90 ટકા બિલ્ડિંગ્સને BU મળી શકે એમ જ ન હોવાનો સ્વીકાર કર્યો હતો.

આમ સરકારે 7 હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ સ્વીકાર્યું કે, 90 ટકા બિલ્ડિંગને BU મળી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, ​​​​​​એક વર્ષમાં ​અમદાવાદની શ્રેય હોસ્પિટલ, ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલ , સુરતની આયુષ હોસ્પિટલ,વડોદરાની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલ , રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ, જામનગરની જી.જી.હોસ્પિટલ,વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગી ચૂકી છે.

અરજદારઃ સરકારે કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરી નથી. સરકાર માત્રા દાવા કરે છે. વાસ્તવિકતામાં કોઈ મોટી કાર્યવાહી નથી થઈ. 3 મહિનામાં 377 લોકોને જ NOC આપી છે.
કોર્ટઃ હા એ ત્રણ મહિના નહીં પરંતુ કોર્ટના આદેશના એક મહિનામાં 377 NOC અપાઈ છે. કોર્ટે ટકોર કરવી પડી છે
અરજદાર: હજી સુધી 801 ઈમારતને જ NOC ઇસ્યુ કરી છે. હાઈ રાઈઝ બિલ્ડીંગ માટે પણ કોઈ કાર્યવાહી કરી નથી. કોર્ટના આદેશ બાદ પણ કોઈ ખાસ કાર્યવાહી કરાઈ નથી
એડવોકેટ જનરલ:મુક બિલ્ડીંગ એવી છે જ્યાં ફાયર NOC ઇસ્યુ કરી શકાય તેમ નથી. તે જૂની બિલ્ડીંગ છે. અમે નોટિસ આપી છે તેનાથી વધારે અમે તેને તોડી અને ડિમોલેશન કરી શકીએ.
કોર્ટ: તમે એવી બિલ્ડીંગના બિલ્ડર અને અધિકારીઓ સામે શુ કાર્યવાહી કરી એ જણાવો. 2011માં GUDAમાં પણ બિલ્ડર સામે તમે કોઈ પગલાં લીધા છે? તમે કેમ ખાલી કાગળની કાર્યવાહી કરો છો. કોઈ ઠોસ કાર્યવાહી કેમ નથી કરતા એ જણાવો.તમે આ બાબતને ગંભીરતાથી વિચારો.
કોર્ટ: તમે એક દાખલો બતાવો જેમાં તમે બિલ્ડર કે અધિકારીઓ સામે પગલાં લીધા હોય.તમે ખાલી કહો છો અમે કરીશું પણ કશું જ થતું નથી.આ બાબતનો નિકાલ કરવાનો પ્રયત્ન કરો. તમે કોઈ પ્રયત્ન કરતા નથી અને રાજ્યમાં મન ફાવે તેમ કન્સ્ટ્રકશન થઈ રહ્યું હોય એમ લાગે છે.
એડવોકેટ જનરલ: અમે નોટિસ આપીએ છીએ અને દંડ પણ લઈએ છીએ.અમે પ્રયત્ન કરી રહ્યા છે પણ હજી થોડો સમય લાગશે.
કોર્ટ: તમે ગેરકાયદેસર બાંધકામને રોકો તો ભવિષ્યમાં આ મુદ્દો ઉભો ન થાય. તમે ટેક્સ લેવામાં રસ ધરાવો છો કે શું. તમે કાર્યવાહી કેમ નથી કરતા. આ પ્રકારે પહેલાં પણ અમે તમને કહ્યું છે.
અરજદાર: અત્યાર સુધી કોઈ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી નથી કરી. સરકાર માત્ર કહે છે કે અમે કામ કરી રહ્યા છીએ. છેલ્લે કહે છે કે અમે હવે શું કરીએ
કોર્ટ: સરકાર સમય માંગે છે. અમે છેલ્લ 4 સપ્તાહનો સમય આપીએ છીએ જેમાં અમારે ઠોસ નિર્ણય જોઈએ. હવે આનાથી વધુ સમય નહીં મળે એટલે ધ્યાન રાખજો
એડવોકેટ જનરલ:અમે ચોક્કસ કોઈ નિર્ણય અને પ્લાન સાથે 4 સપ્તાહ પછી આવીશું.
કોર્ટ: 2030માં પણ અમારે આ ચર્ચા ન કરવી પડે એવું કરજો. હવે બહુ થયુ, હવે કોઈ પ્લાન લઈને જ હાજર થજો.
એડવોકેટ જનરલ: અમે કોઈ નિર્ણય સાથે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઉભી ના થાય એમ 2 પ્લાન સાથે હાજર થઈશું. ગેરકાયદેસર બાંધકામ સામે અમારી પાસે બે જ રસ્તા છે. એ બિલ્ડીંગને તોડી પાડીએ અથવા તેઓ માટે ઓર્ડિનન્સ પાસ કરીને નોટિસ આપી શકીએ
કોર્ટ:એ તમારે વિચારવાની બાબત છે, કારણ કે ગેરકાયદેસર બિલ્ડીંગ કેટલા હશે એ ખબર નથી.4 સપ્તાહ બાદ તમે કોંક્રિટ નિર્ણય કરીને હાજર થાવ
એડવોકેટ જનરલનું કોર્ટમાં મોટું નિવેદનઃ બિલ્ડીંગ યુઝ પરમિશન વિનાની 90 ટકા બિલ્ડિંગ્સને BU મળી શકે એમ જ નથી. BU વિનાની ઇમારતોને નોટીસો અપાશે. BUના મેળવનારની સામે કાર્યવાહી કરાશે.
કોર્ટે સરકારની ઝાટકણી કાઢીઃ આ પહેલા પણ અનિયમિત બાંધકામોને નિયમિત કરવા બાબતનો કાયદો લાવ્યા હતા તેનું શું થયું? અધિકારીઓએ પોતાનું કામ કર્યું છે અને જેમણે નથી કર્યું તેમની સામે શું પગલા લઈ રહ્યા છો? કેટલા બિલ્ડર્સ સામે કાર્યવાહી કરી?. જે લોકો હેતુ ફેર કરીને બિલ્ડીંગનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે તે બિલ્ડીંગ ઓક્યુપાય કરે ત્યારે BUના હોય તો ગટર,પાણી અને વીજળીના કનેક્શન શા માટે કાપતા નથી?

કોર્ટેએ હાલના અનિયમિત બાંધકામો બાબતે યોગ્ય રસ્તો કાઢવા અને ભવિષ્યમાં હાલ જેવી પરિસ્થિતિ ઉભી ના થાય એનો કાયમી ઉકેલ લાવવા આખરી તક તરીકે એક મહિનાનો સરકારને સમય આપ્યો.

219 બિલ્ડીંગોને નોટિસ અપાઈ
આજે ફાયર વિભાગ દ્વારા શહેરમાં 219 જેટલી બિલ્ડીંગોને ફાયર NOC ન હોવાના કારણે નોટિસ આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ચેકિંગની આ કાર્યવાહી ચાલુ રહેશે. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ ફાયર NOC ન મેળવનાર એકમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બીયુ વગરની બિલ્ડિંગ અંગે એક મહિનામાં ઉકેલ લાવો
ખંડપીઠે એડવોકેટ જનરલને ટકોર કરી હતી કે, તમારી ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને તમે સરકારને કોઇ રસ્તો બતાવો. બી.યુ પરમીશન વગરના બિલ્ડીગ્સની સમસ્યાનો ઉકેલ લાવવા અમે તમને 1 મહિનાનો સમય આપીઅે છીએ. તમે કોઇ ઉકેલ લાવી શકશો? સરકારે એવી દલીલ કરી હતી કે, અમારી પાસે બે વિકલ્પ છે. બી.યુ વગરની બિલ્ડીગ્સ તોડી પાડવાની અને આ અંગે વટહુકમ બહાર પાડીને ભવિષ્યમાં તેનો અમલ કરાવવાના વિકલ્પ છે. ખંડપીઠે એવો જવાબ આપ્યો હતો કે, લોકો પાછા હાઇકોર્ટમાં જ પડકારશે તે પણ કોઇ વ્યવહારૂ ઉકેલ નથી.

સરકાર કાયમ હાથ ઊંચા કરી દે છે: અરજદાર
અરજદાર તરફથી દલીલ કરાઇ હતી કે, સરકાર વટહુકમ દ્વારા કાયદા બનાવીને લોકોને ફાયદા કરાવી રહી છે. નવો કાયદો લાવીને સરકાર ફરીથી લોકોને ફાયદો કરાવશે પરતું સમસ્યા ત્યાં જ રહેશે. તમે એવો કાયદો ન બનાવશો કે અાપણે 2031માં પણ આ મામલાનો ઉકેલ લાવવા અહી બેસવું પડે. અરજદારે એવી દલીલ કરી હતી કે, સરકાર કાયમ હાથ ઉંચા કરી દે છે કે, અમે કઇ કરી શકીએ એમ નથી.

ઠોસ પગલાં લેવા સરકારને 4 સપ્તાહની મુદત આપી
ગેરકાયદે બાંધકામો અંગે પગલા લેવા માટે ખંડપીઠે સરકારને 4 સપ્તાહનો સમય આપતા એવી ટકોર કરી હતી કે, 4 સપ્તાહ બાદ સરકાર કોઇ પગલા અંગે જવાબ લઇને નહી આવે તો કોર્ટ યોગ્ય હુકમ કરી દેશે. અરજદારે એવી દલીલ કરી હતી કે સરકાર પાનના ગલ્લા અને નાની દુકાનો બંધ કરાવી શકે છે પણ મોટા ધંધાવાળાને રોકી શકતી નથી.

2011માં તમે જ્યાં હતા ત્યાં જ હજુ છો: હાઇકોર્ટ
​​​​​​​હાઇકોર્ટે સરકારને ટકોર કરી કે, તમે 2011માં જ્યા હતા ત્યાં જ હજુ છો. તમે ઓફિસરો પાસેથી કામ લેતા હોત તો 10 વર્ષે પણ આ સ્થિતિ ન હોત. કાયદા મુજબ તમે કયારેય કોઇ જવાબદાર અધિકારી સામે પગલા લીધા? અમને હવે ઠોસ ઉકેલ જોઇએ. હજુ બીજા 10 વર્ષ આ સ્થિતિ રહે એ નહી ચાલે. સરકારે એવી દલીલ કરી હતી કે, દરેક બિલ્ડીગ માલિકોને મળીને રેગ્યુલર કરવા માટે સમય જોઇશે.

કસૂરવાર ઓફિસરો સામે પગલાં કેમ ન લેવાયા?
ગેરકાયદે બીયુ વગરની ઈમારતો અંગે સરકારને હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, 10 વર્ષ પહેલા જયારે બિલ્ડીગને મંજુરી અપાતી હતી ત્યારે નિયમોનું પાલન કર્યા વગર બિલ્ડીંગને મંજુરી આપનાર અધિકારીઓ સામે કેમ કોઇ પગલા ન લીધા? તમે તેમની સામે પગલા લીધા હોત તો આજે સ્થિતિ જુદી હોત.
સંખ્યાબંધ કેસોમાં કસૂરવાર અધિકારીઓ સામે સરકારે પગલા લીધા નથી.

સરકારે નિર્ણય તો લેવો જ પડશે: કોર્ટ
હાઇકોર્ટે સરકારને એવો સવાલ કર્યો હતો કે આ સમસ્યા માટે તમારી પાસે બે વિકલ્પ હોય અને તેમાથી એક વિકલ્પ અમલમાં મુકી શકાય તેમ ન હોય તો બાકીના વિકલ્પ પર ચર્ચા કરવાથી કઇ કરી શકીએ નહી તેના માટે નિર્ણય લેવો પડશે.

હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી
હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં કહ્યું, માત્ર ખાનગી રહેણાક, ઉદ્યોગગૃહો અને કોમર્શિયલ બિલ્ડિંગની વિગતો પૂરતી નહીં હોય, સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફ્ટી અંગેની વિગતો પણ તમારે રજૂ કરવી પડશે. હાઈકોર્ટે વધુમાં કહ્યું, તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગને લગતી વિગતો ઘણાંબધાં સેંકડો પાનાંમાં હશે. એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું પાલન કરવાની તસદી લીધી નથી. ગેરકાયદે વપરાશકર્તાઓ પાસે ટેક્સ ઉઘરાવો છો, તો શું તમને ખબર નથી કે બિલ્ડિંગ અસ્તિત્વમાં છે અને તેની જોડે બિલ્ડિંગ વપરાશની પરમિશન નથી?