દુકાનો ન ફાળવતાં વિવાદ:અમદાવાદના ઓઢવની ઈન્દિરાનગર આવાસમાં દુકાનોના પુરાવા છતાં રીડેવલપમેન્ટ સ્કીમ બાદ દુકાન ફાળવાતી નથી

અમદાવાદ13 દિવસ પહેલા
  • દુકાન ખાલી કરાવતા સમયે ઓરિજિનલ ફોટો અને સહી સિક્કા સાથે 4 લોકો પાસે દુકાનનો પત્ર
  • દુકાનની જગ્યાએ મકાન અને પૈસા આપવા માટે જણાવ્યું હોવાનો દુકાન માલિકોનો આક્ષેપ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી ઇન્દિરાનગર આવાસ યોજના ફરી એકવાર વિવાદમાં આવી છે. આવાસ યોજનાની રીડેવલપમેન્ટ સ્કીમમાં દુકાનના બદલે દુકાન અને મકાનના બદલે મકાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આવાસ યોજનામાં 4 જેટલા દુકાનના માલિકોને હજી સુધી દુકાન ફાળવવામાં આવી નથી.

આવાસ યોજના બની અન્યને દુકાનો ફાળવી દેવાયાનો આક્ષેપ
ચાર વ્યક્તિઓ પાસે તેમની દુકાન ખાલી કરાવતા સમયે ઓરિજિનલ ફોટો અને સહી સિક્કા સાથે દુકાનનો પત્ર છે. જોકે આવાસ યોજનામાં દુકાનો બની ગયા બાદ તેઓને દુકાન ફાળવવામાં આવી નથી. પરંતુ અન્ય વ્યક્તિઓને ફાળવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં તેઓનો આક્ષેપ છે કે, અમને બિલ્ડર દ્વારા દુકાનની જગ્યાએ મકાન લેવા માટે કહેવામાં આવે છે.

આવાસ યોજનાની દુકાનોની 4 લોકોને ફાળવણી નથી કરાઈ
આવાસ યોજનાની દુકાનોની 4 લોકોને ફાળવણી નથી કરાઈ

રીડેવલપમેન્ટ સ્કીમમાં 1610 મકાનો અને 52 દુકાનો બંધાઈ
ઓઢવ વિસ્તારમાં આવેલી ઇન્દિરાનગર આવાસ યોજનામાં ઇસ્કોન ગ્રુપના બિલ્ડર જે.પી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા 1610 મકાનો અને 52 દુકાનો બાંધવામાં આવી છે. રીડેવલપમેન્ટના સમયે જેની પણ દુકાનો હતી, તે માલિકો પાસે ફોટો અને સહી સિક્કા સાથે પત્ર આપવામાં આવ્યો હતો અને સ્કીમ બની ગયા બાદ તેમની પણ દુકાન હતી, તેમને દુકાન ફાળવવામાં આવી હતી. જો કે ચાર એવા વ્યક્તિઓ સામે આવ્યા છે, જેમની પાસે પોતાની દુકાનના ડોક્યુમેન્ટ હોવા છતાં પણ તેઓને દુકાન ફાળવવામાં આવી નથી. કોર્પોરેશન બિલ્ડર સહિતના લોકોની સહી સાથેના કાગળ જ્યારે વ્યક્તિ પાસે છે. છતાં પણ તેઓને ઇન્દિરાનગર આવાસ યોજનામાં દુકાનો ફાળવવામાં આવી નથી જેને લઇને હવે વિવાદ સામે આવ્યો છે.

ચારેય લોકો પાસે જરૂરી પુરાવાઓ છે
ચારેય લોકો પાસે જરૂરી પુરાવાઓ છે

દુકાનને બદલે મકાન આપવા કહેવાય છે
વિનોદભાઈ ચુનારા નામના વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે, મારી પાસે દુકાનની ઓરિજિનલ ફાઈલ છે. મને દુકાનની જગ્યાએ મકાન આપી રહ્યા છે અને થોડા પૈસા આપે છે. અમારી દુકાન તેઓએ નાપાસ કરી છે અને શું કરવા નાપાસ કરી છે એ અમને ખ્યાલ નથી. મારી પાસે તો મકાન છે, મારે દુકાનની જરૂર છે. અહીંયા 35 વર્ષથી ફુલનો ધંધો કરું છું. અમને દુકાનની જગ્યાએ બીજું એક્સ્ટ્રા મકાન આપવાની વાત કરે છે અને થોડા ખર્ચા પાણીના પૈસા આપવાનું કહે છે. અમારે મકાન નહીં પણ દુકાન જ જોઈએ.

સહી અને તસવીર સાથેની દુકાનની માલિકીનો પુરાવો
સહી અને તસવીર સાથેની દુકાનની માલિકીનો પુરાવો

20થી વધુ દુકાનો વચ્ચે અડીખમ પિલર
ઓઢવ વિસ્તારમાં એક મહિના પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઇન્દિરાનગર આવાસ યોજના મકાનો અને દુકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 52 જેટલી દુકાનોમાંથી 20થી વધુ દુકાનો વચ્ચે પિલર છે અને જેના કારણે દુકાન કોઈ કામની નથી રહી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડર પોતાનો બચાવ કરે છે કે અમને લોકોએ પહેલા માળની જગ્યાએ નીચેના માળ પર દુકાનોની માંગણી કરતા અમે તેમને નીચે દુકાન બનાવીને આપી હતી. જો કે સવાલ અહીંયા એ થાય છે કે, રિવાઇઝ પ્લાન કરી અને તેઓએ ગ્રાઉન્ડ ફ્લોર પર આ દુકાન બનાવી તો આવાસ યોજનાના મકાનોના નિયમ મુજબનું પાર્કિંગ ક્યાં? જો પહેલા માળે 20 દુકાનો ન બનાવી હોય તો પછી પહેલા માળ ઉપર શું મકાનો બનાવ્યા કે પછી શું બનાવ્યું તે અંગે પણ અધિકારીઓ પાસે જવાબ નથી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ઝોન અધિકારી પાસે રિપોર્ટ માંગ્યા
મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસિંગ પ્રોજેક્ટના અને એસ્ટેટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગુણવતસિંહ સોલંકીને આ સમગ્ર મુદ્દે જ્યારે વિવાદ સામે આવ્યો તો એક અધિકારી તરીકે તમે આ આવાસ યોજનાના મકાનોની મુલાકાત લીધી હતી કે, કેમ તે અંગે સવાલ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, મેં હજી સુધી આવાસ યોજનાની મુલાકાત લીધી નથી. તેઓએ આ મામલે જણાવ્યું હતું કે, મેં ઝોનના અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે. જોકે આ રિપોર્ટ ક્યારે આવશે તે અંગે તેઓએ કે સ્પષ્ટતા કરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...