તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મોલનું રિયાલિટી ચેક:ગુજરાતમાં શોપિંગ મોલ તો ખુલ્યા, પણ 24 દિવસેય હજી કાગડા ઉડે છે, 50% દુકાનો બંધની બંધ

અમદાવાદ3 મહિનો પહેલા
  • મોલમાં બાળકો અને વૃદ્ધોના પ્રવેશ પર પ્રતિબંધ, રેસ્ટોરાં સહિતના ફૂડકોર્ટ પણ ખાલી
  • ગ્રાહકો જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જ આવે છે, લક્ઝરી આઈટમનો લેવાલ નથી
  • 4 મહિના પહેલા માણસોનું કીડીયારું ઊભરાતું તે મોલમાં અત્યારે આવતા લોકો ડરે છે
  • મોલ સંચાલકો-શોપકીપર ગાઈડલાઈનનું પાલન કરે છે પરંતુ ગ્રાહક હજી ભયભીત

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી. રાજ્ય સરકારે 8 જૂનથી અનલોક-1 લાવીને મોટા શહેરોમાં મોલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ આના 24 દિવસ બાદ પણ હજી લોકો મોલમાં જતા ડરે છે. DivyaBhaskarની ટીમે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના મોલનું રિયાલિટી ચેક કર્યું હતું. DivyaBhaskarના રિપોર્ટર્સ ચેતન પુરોહિત, આશિષ મોદી, જીગ્નેશ કોટેચા અને જીતુ પંડ્યાએ કરેલા આ રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું કે કોરોનાના ડરના કારણે મોલમાં 50 ટકાથી વધુ શોપ્સ હજી ખુલી નથી. જે શોપ ખુલી છે ત્યાં પણ દિવસના માંડ એકલ દોકલ ગ્રાહકો જ આવે છે. આ પરથી કહી શકાય કે ચાર મહિના પહેલા મોટા શહેરોના મોલમાં જ્યાં કીડિયારું ઉભરાતું હતું ત્યાં આજે કાગડા ઉડી રહ્યા છે. ગ્રાહકોની વાત જવાદો, વેપારીઓ પણ શોપ શરૂ કરતાં ડરી રહ્યા છે.

અમદાવાદઃ સેનેટાઈઝેશન-ગ્રાહકોની સુરક્ષામાં નવું કલ્ચર
કોરોના વચ્ચે લોકો સામાન્ય જનજીવન તરફ વળી રહ્યા છે. આવામાં અમદાવાદના જાણીતા મોલમાં DivyaBhaskarની ટીમે રિયાલિટી ચેક કરી પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો. આ સ્થળોએ સેનેટાઈઝેશનની પ્રક્રિયા અને ગ્રાહકોની સુરક્ષામાં ખાસ પરિવર્તન આવ્યું હોવાનું જણાયું હતું. લોકડાઉનના નિયમોના કારણે હજી તમામ દુકાનો ખુલી નથી. બધા મોલમાં ફૂટફોલ પણ ડાઉન થયો છે અને 50 ટકા ગ્રાહકો પણ ઘટ્યા છે.

હિમાલયા મોલઃ ગેમઝોન-રેસ્ટોરાં બંધ, વિકેન્ડમાં ગ્રાહકો જ નથી
શહેરના ડ્રાઈવ ઇન રોડ પર આવેલા હિમાલયા મોલમાં કોરોના-પૂર્વે વિકેન્ડમાં 4 હજાર લોકો આવતા હતા, જે સંખ્યા સાવ ઘટી ગઈ છે. મોલમાં પ્રવેશ કરતા જ તમામનું થર્મલ સ્કેનિગ કરવામાં આવે છે. તેની સાથે સેનેટાઈઝર પણ આપવામાં આવે છે. મોલમાં ગાઈડલાઈન પ્રમાણે ગેમઝોન અને રેસ્ટોરાં ચાલુ નથી થયા. મોલમાં આવેલું મેકડોનાલ્ડ્સમાં પણ ટેક અવે સર્વિસ જ ચાલુ છે. મોલના ડાયરેક્ટર પંકીલ મોદીએ જણાવ્યું હતું કે લોકડાઉન સમયે જ અમે આખો મોલ સેનેટાઈઝ કરાવ્યો હતો. અમે 10 વર્ષથી નાનાં બાળકો અને 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને હાલ પ્રવેશ આપતા નથી. સેનેટાઈઝેશનનો કોઈ ખર્ચ શોપકીપર પાસેથી લીધો નથી.

આલ્ફા વન મોલઃ આરોગ્ય સેતુ એપ હોય તેને જ પ્રવેશ
વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા આલ્ફા વન મોલમાં પાર્કિંગથી જ સેનેટાઇઝ અને સુરક્ષાની વ્યવસ્થા કરાઈ છે. વાહન પાર્ક કરો ત્યાંથી માંડીને સિક્યુરિટી ચેકિંગ સુધી ફૂટસ્ટેપ પ્લાન કર્યો છે. ત્યારબાદ મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોય તો જ મોલમાં પ્રવેશ આપવામાં આવે છે. જો આરોગ્ય સેતુમાં સસ્પેક્ટ હોય તેને મોલમાં પ્રવેશ અપાતો નથી. દરેક વ્યક્તિનું લગેજ UV મશીનમાં મૂકીને તેને સેનેટાઈઝ કરાય છે. સાથે-સાથે મોલની લિફ્ટ ઓટોમેટિક કરી દેવાઈ છે, જેથી લિફ્ટમાં કોઈને સ્પર્શ કરવો ન પડે.

સુરતઃ સપ્તાહમાં 20 હજાર ગ્રાહકોની સંખ્યા ઘટીને 2000 થઈ ગઈ
સુરત શહેરમાં પણ મોલમાં ગ્રાહકોની સંખ્યા ઘટી ગઈ છે. એક સમયે સોમવારથી શુક્રવાર સુધીમાં 10 હજાર જેટલા ગ્રાહકો અહીંના વિવિધ મોલમાં આવતા હતા. એ સંખ્યા આજે ઘટીને માંડ 1000 થઈ ગઈ છે. જ્યારે શનિ-રવિ દરમિયાન 15થી 20 હજાર ગ્રાહકો આવતા હતા તેની જગ્યાએ હવે 2000 ગ્રાહકો પણ આવતા નથી. આ સ્થિતિ ચાલુ રહેશે તો મોલમાં ધડાધડ દુકાનો ખાલી થવા લાગશે તે નક્કી છે.

રાજકોટઃ ડી-માર્ટમાં 25 મિનિટમાં ખરીદી કરી નીકળી જવાનો નિયમ
રાજકોટના કાલાવડ રોડ પરના D-માર્ટમાં જીવનજરૂરી ચીજ-વસ્તુઓ લેવા ગ્રાહકો આવે છે પરંતુ તે સિવાયની વસ્તુ હજુ ખરીદતા નથી. મોલમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થતું જોવા મળ્યું હતું. મોલમાં દરેક ડિપાર્ટમેન્ટમાં ગ્રાહકો જાતે નહીં પણ સ્ટાફ વસ્તુ આપી રહ્યો છે. એક લોટમાં 10 લોકોને જ મોલમાં પ્રવેશ અપાય છે. જેવો એક લોટ ખરીદી કરી બહાર આવે પછી બીજા 10 લોકોના લોટને અંદર પ્રવેશ અપાય છે. 25 મિનિટમાં ગ્રાહક ખરીદી કરીને બહાર નીકળી જાય તેવો નિયમ બનાવાયો છે. કેશિયર પણ PPE કીટમાં જોવા મળ્યા હતા. પાર્કિગમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું. દર બે કલાકે લિફ્ટ અને પેસેજ વિસ્તાર સેનેટાઇઝ થાય છે.

ક્રિસ્ટલ મોલઃ 40 જેટલી દુકાનો છે, મોટાભાગની હજી પણ બંધ
D-માર્ટ સાથે સંકળાયેલા ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉન ખુલ્યા બાદ ગ્રાહકોમાં નોંધપાત્ર ઘટાડો છે કારણ કે વાતાવરણ જ એવું છે. એક-બે મહિનામાં સ્થિતિ નોર્મલ થઇ જશે. પહેલાની જેમ ધંધો ફરી ધમધમતો થઇ જશે. અત્યારે મોલમાં 40 જેટલી દુકાનો છે તેમાં અમુક અગાઉથી જ બંધ છે. આવતા મહિનાથી ફરી શરૂ થઇ જશે. ગ્રાહકો અત્યારે અમારૂ કહ્યું માને છે તે સારી બાબત છે. ગ્રાહકો સામેથી સપોર્ટ કરી રહ્યા છે. અમે બધી હોસ્પિટલ અને ફાયરના નંબર રાખ્યા છે. અમને શંકાસ્પદ લાગે તો તુરંત તેનો સંપર્ક કરી શકીએ.

વડોદરાઃ મોલમાં શોપ ખુલી નથી, જે ખુલી છે ત્યાં ગ્રાહકો નથી
શહેરના ફતેગંજ ખાતે આવેલા 7 સીઝ મોલ, ગોરવા-એલેમ્બિક રોડ ઉપર આવેલા ઇનઓર્બિટ મોલ, હાઇવે ઉપર આવેલ આઇનોક્સ મોલ સહિત શહેરના મોટાભાગના શોપિંગ મોલ શરૂ થઇ ગયા છે. પરંતુ આ બધા મોલમાં મોટા ભાગની શોપ હજુ ખુલી નથી અને જે ખુલી છે ત્યાં ઘરાકી નથી. કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ મોલ સ્થિત તમામ શો રૂમ સંચાલકો દ્વારા સેનેટાઇઝેશનની સુવિધા કરાઈ છે. જો કે, કોરોનાના હાઉના કારણે આંગળીના વેઢે ગણાય તેટલા ગ્રાહકો મોલમાં જોવા મળી રહ્યા છે.

ઇવા મોલઃ શોરૂમ સંચાલકો સાથે મિટિંગો કરી, પણ ગ્રાહકો હજી દૂર
શહેરના ઈવા મોલમાં પ્રથમ દિવસથી જ બહુ ઓછી ચહલ પહલ જોવા મળી હતી. મોલ સ્થિત શો રૂમો દ્વારા પણ સેનેટાઇઝરની વ્યવસ્થા સહિત ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. ઇવા મોલના મેનેજર શેહજાદ નિઝામે જણાવ્યું હતું કે, મોલ શરૂ કરવામાં આવ્યો છે. અમારો મોલ સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. પરંતુ ગ્રાહકો આવતા ડરે છે, મોલમાં આવેલા તમામ શોરૂમના સંચાલકો સાથે ગ્રુપમિટિંગ કરાય છે. ફૂડ કોર્ટ 50 ટકા કેપિસીટી સાથે શરૂ કરવામાં આવી છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો