ગૌરવ:અમદાવાદના શોભનાબેન પોઝિટિવિટી-મક્કમ મનોબળને શસ્ત્રો બનાવી પોતાને દિવ્યાંગ મલ્ટીટેલેન્ટેડ પર્સનાલિટી તરીકે ઓળખાવે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષની ઉંમરે પોલિયોનો ભોગ બન્યા પણ હંમેશા મન મક્કમ રાખ્યું
  • લોકોને મદદ ​​​​​​​કરવા શોભનાબેન છેલ્લા પાંચ વર્ષથી નિ:શુલ્ક કાઉન્સિલીંગ સેવા આપી રહ્યા છે

‘અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો’ કહેવતને શોભનાબેને સાર્થક કરી છે. પોલિયોની બિમારીને કારણે જીવનભર તેમને સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. આપમેળે ચાલી શકવા પણ સક્ષમ નહોતા ત્યારે પરિવારના લોકોએ તેમનો ઉછેર એક સામાન્ય બાળકની જેમ જ કર્યો હતો. પરિણામે શોભનાબેને એમ.એ.વીથ સાયકોલોજી, ડિપ્લોમા ઈન કાઉન્સેલીંગ સાયકોલોજી સુધીનો અભ્યાસ કર્યો. પોઝિટિવિટી અને મક્કમ મનોબળને શસ્ત્રો બનાવી જીવનમાં આવતી દરેક ચેલેન્જિસનો સામનો કરી આજે શોભનાબેન વિવિધ પ્રવૃતિઓ દ્વારા લોકોને પ્રેરણા આપે છે.

તેઓએ 1992થી 1999 સુધી વ્યસન મુકિત સલાહ કેન્દ્રમાં સલાહકાર તરીકે પણ કામગીરી બજાવી છે. જીવન ખૂબ સરળ છે અને દરેક મુશ્કેલીઓનો સામનો મક્કમતાથી કરવો આ વિચારને લોકો સુધી પહોંચાડવા સમાજસેવાના ભાવ સાથે તેમણે ક્રેયોન ફાઉન્ડેશનની સ્થાપના કરી. જે અંતર્ગત ટી.બીના દર્દીઓને મફત પ્રોટીન કિટ, નાના ગરીબ બાળકોને સ્કૂલેબેગ અને શ્રમજીવી મહિલાઓના મફત હિમોગ્લોબિનના ટેસ્ટ કરીને આયર્નની દવાઓનું વિતરણ કર્યું. અનુબંધનું ઐક્ય (પારિવારીક પુસ્તક) અને પારેવા(દિવ્યાંગ કાવ્ય સંગ્રહ) લખી શોભનાબેને અન્ય લોકોને પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો છે. લોકોને મદદ કરવા શોભનાબેન છેલ્લાં પાંચેક વર્ષથી નિ:શૂલ્ક કાઉન્સેલિંગ સેવા આપી રહ્યા છે.

લોકડાઉનના કપરા સમયે જ્યારે લોકો ઈમોશનલ ચેલેન્જિસમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પણ શોભનાબેને પરંપરાગત વાનગીઓ શેર થાય તેવું પ્લેટફોર્મ તૈયાર કર્યું. ‘પાકશાસ્ત્ર: પ્રેમની પરિભાષાનું’ જે એક સોશિયલ મીડિયા પેજ છે જેમાં કુલ 2000 સભ્યો છે. જેનો હેતુ મહિલાઓને રોજબરોજના કામમાંથી જ ખુશી મેળવવા પ્રોત્સાહન આપવાનો છે. સામાન્ય વ્યક્તિ કરી શકે તે દરેક કામ કરવા તેઓ સક્ષમ છે તેથી તેઓ પોતાને દિવ્યાંગ મલ્ટિટેલેન્ટેડ પર્સનાલિટી તરીકે ઓળખાવે છે.

દરેક પળે જિંદગીને ભરપૂર જીવો
જિંદગીને ભરપૂર જીવવાનો સતત સંદેશો આપતી રહીને સમાજમાં એક અલગ કાર્ય કરવું ગમે છે. હકારાત્મક અભિગમ માટે સમાજમાં જાગૃતિ આવે અને વધારે લોકો પોઝિટિવિટી મેળવે તે હેતુથી વિવિધ પ્રવૃતિઓ કરતી રહું છું. મારું માનવું છે કે દરેક દિવસને હકારાત્મક દૃષ્ટિકોણથી જોવો જરૂરી છે. પરિવાર સાથે પ્રત્યેક તહેવારને આગવા કલાત્મક અભિગમથી ઉજવવાથી પણ મને પોઝિટિવિટી મળે છે. જીવનમાં કોઈપણ મુશ્કેલીઓ આવે ત્યારે પોતાની અંદર રહેલા પ્રેરણાત્મક અવાજને સાંભળી બસ આગળ વધતા રહેવાનું છે. - શોભના સપન શાહ

અન્ય સમાચારો પણ છે...