નવ નિર્માણ:દુનિયાના બ્લુ બીચમાં સ્થાન પામેલા શિવરાજપુર બીચને દરિયાઈ માર્ગે અન્ય વિસ્તારો સાથે જોડવાનું આયોજન, ક્રૂઝ ચલાવવા વિચારણા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પ્રવાસન નિગમની ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી, રસ્તાનું નવીનીકરણ પણ કરાશે

દ્વારકા પાસેના શિવરાજપુર બીચને દુનિયાના બ્લુ બીચમાં સ્થાન મળ્યા બાદ આ જગ્યાને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવા માટે સરકાર અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે. તેના ભાગરુપે આ બીચને જમીન માર્ગની સાથે ક્રૂઝ દ્વારા દરિયાઈ માર્ગે પણ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા શિવરાજપુર બીચને વધુ સુવિધા આપવા માટે ગુજરાત ટુરિઝમની ટીમે તાજેતરમાં જ મુલાકાત લીધી હતી. જ્યાં સર્વે કર્યા બાદ શિવરાજપુર પહોંચવા બીચ પર જવા માટેના રસ્તાના નવીનીકરણ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શિવરાજપુર બીચ પર જતા રસ્તાની સર્વેની કામગીરી હાથ ધરાઈ
ગુજરાત સરકાર દ્વારા શિવરાજપુર બીચ પર જતા રસ્તાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલના રોડ 14 મીટર પહોળા કરી પ્રવાસીઓને આવવા-જવાની સુવિધામાં વધારો કરવામાં આવશે. તે સિવાય બીજા બે એપ્રોચ રોડ પણ આગામી દિવસોમાં નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર શિવરાજપુરને જોડતો એક મુખ્ય રોડ પણ આવનારા દિવસોમાં બનાવવામાં આવશે.

દિવાળીના તહેવારમાં હજારોની સંખ્યામાં માનવ મેદની આવી હતી
યાત્રાધામ દ્વારકાથી 11 કિમી દૂર આવેલા શિવરાજપુર બીચ પર આ વર્ષે દિવાળીના તહેવારમાં હજારોની સંખ્યામાં માનવ મેદની આવી હતી. જેને લઈને ઓખા દ્વારકા હાઈવે અને શિવરાજપુર બીચ વચ્ચેના સાંકડા માર્ગને વધુ પહોળો કરવો પડશે તેવી જરુરિયાત જણાતા ગુજરાત ટુરિઝમની ટીમ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

ક્રુઝ દ્વારા શિવરાજપુર બીચને દરિયાઈ માર્ગે જોડવાનો પ્લાન
આ ઉપરાંત ભવિષ્યમાં સરકાર દ્વારા દરિયાઈ માર્ગે પણ શિવરાજ પુર બીચ પર જઈ શકાય તેવું પ્લાનિંગ સરકાર કરી રહી હોવાનું જાણવા મળે છે, સૌરાષ્ટ્રના અન્ય સ્થળોથી ક્રુઝ દ્વારા શિવરાજપુર બીચને દરિયાઈ માર્ગે જોડવાનો પ્લાન સરકાર વિચારી રહી છે.

અન્ય સમાચારો પણ છે...