ઉત્તર ભારતના હિમાલયનાં રાજ્યોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માત્ર એટલું જ નહીં, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી રાજ્યભરના જનજીવન પર અસર થઈ છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 2 ડીગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ચાર મહાનગર એવાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 11થી 12 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં બે દિવસ ઠંડી યથાવત્ રહેવાની આગાહી છે. જ્યારે નલિયામાં 2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. 12 વર્ષ પહેલા પણ નલિયામાં 2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. છેલ્લા બે દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. શહેરમાં બુધવારે એક ડીગ્રી જેટલું તાપમાન ગગડ્યું હતું. મંગળવારે અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 13.5 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે બુધવારે શહેરનું તાપમાન 12.1 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં મોટા ભાગનાં શહેરોમાં સરેરાશ 10 ડીગ્રીથી 14 ડીગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું.
માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઇનસમાં
જ્યારે માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઈનસમાં ગયો છે. ખેતરોમાં ઘાસની જેમ બરફ પથરાઈ ગયો છે, ગાડીઓ ઉપર અને માટલામાં બરફ જામી ગયો છે. હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ધ્રૂજી ઊઠ્યા છે. તો આવા માહોલની મજા માણવા માટે પ્રવાસીઓ ઊમટી પડતાં હોટલો હાઉસફુલ થઇ ગઈ છે. માઇનસ 6 ડીગ્રીથી ગુરુશિખર પર જવું સહેલાણીઓ માટે અશક્ય બન્યું છે.
આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. પાણીના કુંડા અને સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. બે અઠવાડિયાંથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટી રહ્યા છે. ચારેબાજુ બરફ જોતાં સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે, જ્યારે હોટલો હાઉસફુલ જોવા મળી રહી છે.
જાણો ગુજરાત ક્યાં કેટલી ઠંડી?
શહેર | તાપમાન |
નલિયા | 02 ડીગ્રી |
ડીસા | 07 ડીગ્રી |
અમદાવાદ | 10 ડીગ્રી |
રાજકોટ | 11 ડીગ્રી |
ભુજ | 09 ડીગ્રી |
વડોદરા | 12 ડીગ્રી |
ગાંધીનગર | 09 ડીગ્રી |
સુરત | 15 ડીગ્રી |
વધુ ઠંડીનું કારણ વધુ વરસાદ નહીં, ઠંડીના દિવસોની સંખ્યા વધુ રહેશે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.