મહેંદી મર્ડર કેસ:માસૂમ શિવાંશનો જન્મ બોપલની હોસ્પિટલમાં થયો હતો, મહેંદી-સચિને હોસ્પિટલમાં પતિ-પત્ની તરીકે ઓળખ આપી હતી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવાંશના જન્મ સમયે હીનાએ પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું

રાજ્યભરમાં સનસનાટી ફેલાવી દેનારા મહેંદી હત્યાકાંડમાં નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સચિન અને મહેંદીના બાળક શિવાંશનો જન્મ બોપલની સંગીતા હોસ્પિટલમાં થયો હતો. સચિન જ એ વ્યક્તિ છે જેણે પોતાની લિવ-ઇન પાર્ટનર મહેંદીની હત્યા કરી અને પછી 10 માસના માસૂમ બાળકને રાત્રીના અંધકારમાં તરછોડી દીધો હતો. પોલીસની એક ટીમ હાલમાં સંગીતા હોસ્પિટલમાં વધુ તપાસ કરી રહી છે. પોલીસને જાણવા મળ્યું હતું કે, શિવાંશના જન્મ સમયે મહેંદીએ પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું. ગાંધીનગર પોલીસે આજે આરોપી સચિન દિક્ષિતને સાથે રાખીને પંચનામું પણ કર્યું હતું.

પોલીસે બાળકના જન્મને લગતા જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ સંગીતા હોસ્પિટલમાં ગયા વર્ષે શિવાંશનો જન્મ થયો હતો. મહેંદી અને સચિન દીક્ષિતે હોસ્પિટલમાં પોતાની ઓળખ પતિ-પત્ની તરીકે આપી હતી. સંગીતા હોસ્પિટલમાંથી પોલીસે બાળકના જન્મને લગતા જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા છે. શિવાંશના જન્મ પહેલાં 6 માસના ગર્ભાવસ્થા દરમ્યાન મહેંદી અને સચિન સંગીતા હોસ્પિટલમાં જ ચેકઅપ કરાવવા જતા હતા. તે સમયે મહેંદીએ ત્યાં પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું.

શિવાંશને ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં નિયમિત રસી અપાતી
આ ઉપરાંત શિવાંશને બોપલ ખાતે આવેલી ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં નિયમિત રસી અપાતી હતી. ડોકટરના મતે વેક્સિનેશન સમયે પણ સચિન અને મહેંદી શિવાંશના માતાપિતા તરીકે જ આવતા હતા. બાળકોના ડોક્ટર મેહુલ શાહે શિવાંશને બધી વેક્સિન આપી હતી. છેલ્લે મે 2021માં શિવાંશને આ હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં ડોક્ટરે તમામ સહયોગ આપીને વેક્સિન, વાલી અને પેમેન્ટ સહિતની વિગતો આપી હતી.

મહેંદીની ગળું દબાવી હત્યા કરી
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે મહેંદીની ગળુ દબાવી હત્યા કરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારબાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી. જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક શખ્સ જતો રહ્યો. ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી.

સચિન અને મહેંદી લિવ ઇનમાં રહેતાં હતા
ત્યાર બાદ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, છેલ્લા 2 મહિનાથી સચિન મહેંદીને લઇને વડોદરા રહેવા આવ્યો હતો. અમદાવાદની બાથરૂમ ટાઇલ્સની કંપની પોલારમાં સચિન નોકરી કરતો હતો અને મહેંદી આ જ કંપનીના ડીલરને ત્યાં નોકરી કરતી હતી, જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો અને સચિન અને મહેંદી લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. 10 મહિના પહેલાં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો હતો. બે માસ પહેલાં વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસીસ નામની બિલ્ડિંગમાં ભાડેથી રહેવા બાળકને લઇને બંને આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...