24 વર્ષીય ટેબલ ટેનિસ ખેલાડી શાઈની ગોમ્સ બીજીવાર ડેફલિમ્પિક્સ માટેની ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. બ્રાઝિલમાં 1થી 15મી મે 2022 દરમિયાન આ ટૂર્નામેન્ટ યોજાશે. શાઈની 2017માં તુર્કીમાં ડેફલિમ્પિક્સમાં રમી ચૂકી છે. શાઇનીની માતાએ સિટી ભાસ્કરને વાત કરતા જણાવ્યુ હતુ કે ‘2015માં બલ્ગેરિયામાં યોજાયેલ ટૂર્નામેન્ટ અગાઉ દીકરીનું નામ ટ્રાયલ્સ માટે મોકલાયું હતું. પણ તેમાં તે ત્રીજા ક્રમે રહી હતી અને એ સમયે સરકાર પાસે માત્ર 2 ખેલાડીઓનું જ બજેટ હતુ, ત્યારે શાઇનીએ નક્કી કર્યુ હતુ કે તે પ્રથમ ક્રમે આવીને જશે.’
ગોલ્ડ ના જીતુ તે માટે સાથીએ જ રેકેટ છુપાવ્યું હતું
શાઈની વર્લ્ડ કપ રમવા માટે તૂર્કી ગઈ હતી. જ્યાં તેણે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શાઈનીની સાથી ખેલાડીએ સિંગલ્સના આગલા દિવસે શાઈનીનું રેકેટ બાથરૂમમાં છુપાવી દીધું હતું. આ કામ કરનાર ખેલાડીએ પછીથી પોતે મેડલ જીત્યો હતો. તેણે શાઈની સમક્ષ સ્વીકાર્યું હતું કે- તેને ડર હતો કે જો શાઈની રમશે તો પોતે ગોલ્ડ નહી જીતી શકે આ કારણે તેણે આમ કર્યું હતું.
કાનમાંના મશીનને લીધે લોકો ચીઢવતા, ધોરણ 10-12નું શિક્ષણ એક્સટર્નલ લીધુ
શાઈની ગોમ્સ સામાન્ય બાળકોની શાળામાં જ ભણતી રહી છે. તેના કાનના મશીનને લીધે શાળામાં તેના મિત્રો બનતા નહોતા, ક્લાસની છોકરીઓ તેનાથી દૂર રહેતી અને તેને ચીઢવતી. જેથી શાઈનીએ પિતાને કહી 10 અને 12મા બોર્ડની પરીક્ષા એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે જ પાસ કરી. શાઈનીએ બીસીએ કરેલું છે. તેના પિતાએ કહ્યું કે-‘દીકરી કોલેજ આવતા સુધીમાં લિપ રિડિંગમાં મહારત હાંસલ કરી ચૂકી હતી. જેથી તે ત્યાં મિત્રો બનાવવામાં પણ સફળ રહી હતી.’
નોકરી અને સપોર્ટ મામલે સરકારનો સાથ ન મળ્યો
શાઈનીના પિતાએ જણાવ્યું કે,‘વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતવા છતાં સરકાર તરફથી નાણાકીય સહાય મળી નથી. તેની રમત એવોર્ડ માટે પણ અવગણના કરવામાં આવતી રહી છે. આ ઉપરાંત દીકરીને નોકરી માટે એજી અકાઉન્ટમાં ઈન્ટરવ્યૂમાં એવું કહી દેવામાં આવ્યું કે- ડેફલિમ્પિકમાં ભાગ લેવાના સર્ટિફિકેટને અમે માન્ય રાખતા નથી. સરકાર હાલ પેરા અને ડેફ ખેલાડીઓ માટે નોકરીની વાતો કરી રહી છે, પરંતુ તેમાં વર્લ્ડ કપની સિદ્ધિને માન્ય રખાતી નથી. જેમ બાકી ખેલાડીઓને 10 થી 50 લાખ મળ્યા તેમ શાઈનીને મદદ મળે તો તે પણ મેડલ લાવી શકે છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.