પોલીસે નવરાત્રિ અંગે કહ્યું...:‘શેરી ગરબાના આયોજકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવે; જો ક્લબ, પાર્ટીપ્લોટ, ફાર્મહાઉસમાં ગરબા યોજાશે તો કાર્યવાહી કરીશું’

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોલીસે સોસાયટી, ફ્લેટના આગેવાનો સાથે મીટિંગો શરૂ કરી

ચાલુ વર્ષે રાજ્ય સરકારે શેરી, સોસાયટી, ફ્લેટમાં અમુક નિયંત્રણો અને કોરોનાની ગાઇડલાઇનના કડક પાલનની શરતે રાસ-ગરબા યોજવાની મંજૂરી આપી છે. જ્યારે નવરાત્રી દરમિયાન સોસાયટીઓમાં કોરોના ગાઇડલાઇનના પાલનની જવાબદારી સ્થાનિક પોલીસને સોંપાતા, પોલીસે સોસાયટીના આગેવાનો સાથે મીટિંગો શરૂ કરી દીધી છે.

રાજ્ય સરકારે નવરાત્રી યોજવા માટે મંજૂરી આપ્યા બાદ ગયા અઠવાડિયે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મીટિંગ મળી હતી, જેમાં શેરી, સોસાયટી, ફ્લેટોમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં રાસ-ગરબાના સ્થળે કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ હતી, જેમાં દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને તેમના વિસ્તારમાં આવેલી મોટી સોસાયટીઓમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવાની સૂચના આપી હતી, જેને ધ્યાને રાખીને પીઆઈઓએ તેમના વિસ્તારની સોસાયટીઓમાં મીટિંગો યોજવાનું શરૂ કરી દીધું છે, જેમાં ગરબામાં 400થી વધુ માણસો ભેગા નહીં કરવા તેમ જ ગરબામાં ભાગ લેનારા લોકોએ રસીના 2 ડોઝ લીધા હોય તેની ખાતરી કરવા સૂચના આપી હતી.

આ અંગે સેક્ટર-1ના અધિક પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અમદાવાદની એકપણ ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, હોલ કે અન્ય કોઈ પણ ખુલ્લી જગ્યાએ રાસ-ગરબા યોજવા માટે સરકારે મંજૂરી આપી નથી. આથી એવી કોઈ પણ જગ્યાએ કોઈએ રાસ-ગરબા યોજવા નહીં. તેમ છતાં પણ જો આવી જાહેર જગ્યાએ રાસ-ગરબા યોજશે તો પોલીસ કાર્યવાહી કરશે. સોસાયટી, શેરી અને ફ્લેટોમાં પણ કોરોના ગાઇડલાઇન સાથે જ રાસ-ગરબા યોજવા પોલીસે આયોજકોને અપીલ કરી છે.

તમામ DCPને ગાઇડલાઇનનું પાલન કરાવવા સૂચના
મંગળવારની ટી-મીટિંગમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે દરેક ડીસીપીને તેમના વિસ્તારની સોસાયટીઓમાં યોજાતા રાસ-ગરબામાં કોરોના ગાઇડલાઇનનું કડક પાલન કરાવવાની સૂચના આપી હતી. જોકે ટી-મીટિંગ પૂરી થયા બાદ દરેક ડીસીપીએ તેમના વિસ્તારના પીઆઈઓ સાથે મીટિંગ કરીને તેમને યોગ્ય સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...