કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં નહોતી આવી, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આવતીકાલથી રાત્રે કર્ફ્યૂનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવા કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત કરાયા છે. દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તો જ ગરબા રમવા મળશે તેમ ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે.
8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત
આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 12 કલાકથી 10 ઓક્ટોબર સુધી સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.
શેરી ગરબામાં 400 લોકોની મર્યાદા
રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા અત્યારે રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીની છે, તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.
લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટ
લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
રેસ્ટોરન્ટ ક્ષમતાના 75% ચાલુ રાખી શકાશે
રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી અગાઉ ક્ષમતાના 60% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.
1.76 કરોડથી વધુ કોરોનાની રસીના બંન્ને ડોઝ અપાયા
બીજી તરફ 4.93 કરોડથી વધુ નાગરિકોને 1.76 કરોડથી વધુ કોરોનાની રસીના બંન્ને ડોઝ આપી દેવામાં આવ્યાં છે. જ્યારે 4.07 કરોડ લોકોને એક ડોઝ મળ્યો છે. બે મહિનાથી કોવિડના દૈનિક રીતે 20 જેટલા જ કેસ આવી રહ્યાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.