વહેલાસર ચેતી જતાં બચી ગયા:અડધા અમદાવાદ પૂર્વને શેઢી કેનાલનું પાણી મંગળવાર સુધી નહીં અપાય, કેમિકલ ભેળવાયું હોવાનું તપાસમાં ખૂલ્યું

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના અડધા પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડતી શેઢી કેનાલમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું હોવાની શંકાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લા ચાર દિવસથી રાસ્કા પ્રોજેક્ટનું પાણી બંધ કરી દેવાયુ છે. શેઢી કેનાલમાં પાણીમાં કેમિકલ હોવાની વાતની જાણ થતાં AMC અને GPCB દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લાના માતર પાસે કેનાલમાં કેમિકલ નાખવામાં આવ્યું હોવાની વાત વચ્ચે પોલીસ અને GPCB ઘટનાસ્થળે પહોંચી છે.

સત્તાવાર રિપોર્ટ જાહેર કરાયો નથી
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો. વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાણીના નમૂનામાં કેમિકલ હોવાનું સામે આવ્યું છે. જો કે, સત્તાવાર રીતે આનો રિપોર્ટ જાહેર કરાયો નથી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના રિપોર્ટમાં લીલ હોવાનું અને તેના કારણે પાણીનો કલર બદલાયો છે. ખેડા જિલ્લાના માતર પાસે કેનાલમાં કેમિકલ નાખવામાં આવ્યું હોવાની વાત વચ્ચે પોલીસ અને GPCB ઘટનાસ્થળે પહોંચી છે. મંગળવાર સુધી પૂર્વ અમદાવાદને કોતરપુર વોટર વકર્સમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

AMC અને GPCBએ નમૂના લીધા
વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, શેરડી કેનાલમાં જે કેમિકલયુક્ત પાણીની શંકાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં GPCBના રિપોર્ટમાં લીલ હોવાનું સામે આવ્યું છે. કેમિકલ હોવાની શંકાને પગલે તાત્કાલિક શેઢી કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. મંગળવાર સુધી રાસ્કાની જગ્યાએ કોતરપુર વોટર વર્કસમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

હાલ પૂરતું રાસ્કાને બદલે કોતરપુર વોટર વર્કસમાંથી પાણી અપાશે
AMC દ્વારા અમદાવાદીઓ કેમિકલયુક્ત પાણી ન પીવે તેના માટે જાણ થતાં તાત્કાલિક ધોરણે શેઢી કેનાલના પાણીના દરવાજા બંધ કરી દીધા હતા. રાસ્કા પ્રોજેક્ટમાં પાણી ફિલ્ટર થઈને પૂર્વ અમદાવાદને પૂરું પાડવામાં આવે છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે અમદાવાદના 10 લાખથી વધુ લોકોને કેમિકલયુક્ત પાણી ન મળે તેના માટે રાસ્કાની જગ્યાએ હાલમાં કોતરપુર વોટર વર્કર્સમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પૂર્વના નાગરિકોને રાસ્કા પ્રોજેક્ટ બંધ હોવાના કારણે પાણીનો જથ્થો કોતરપુર વોટર વર્કસમાંથી પુરું પાડવામાં આવશે, જેના કારણે ઓછો પાણીનો સપ્લાય થશે. પરંતુ નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે તેઓ ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ કહી રહ્યા છે.

રાસ્કા પ્રોજેક્ટ બંધ રાખવામાં આવ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશન વોટર પ્રોડક્શન વિભાગ દ્વારા સત્તાવાર રીતે એવું જણાવવામાં આવ્યું છે કે, શેઢી કેનાલમાંથી અમદાવાદ શહેરને પૂરા પાડવામાં આવતા વોટર પ્લાન્ટના રો-વોટરમાં ગંદુ અને ઢોળાયેલું પાણી આવતું હોવાથી હાલમાં શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડતું રાસ્કા પ્રોજેક્ટ બંધ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...