પત્નીએ પતિની હત્યા કરી:અમદાવાદમાં પ્રેમી અને બહેનપણી સાથે મળી પતિનું ગળું કાપી હત્યા કરી, કઠવાડામાં કૂવામાં લાશ ફેંકી

અમદાવાદ24 દિવસ પહેલા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીતાએ પરપુરુષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો છે. પરિણીતાને પતિએ તેના પ્રેમી સાથે ઝડપી પાડતા પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચીને તેને મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધો હતો. મૃતકની પત્નીએ પતિ ગુમ થઈ ગયો હોય તે પ્રકારની વાત પોલીસને જણાવી હતી. પરિવારજનોએ તેના ગુમ થયાં અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.

અમરેલી રહેતા પિતા નિકોલ પોલીસને ફરિયાદ કરી
અમરેલીમાં રહેતા ગોબરભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતે ખેતી કામ કરે છે. સંતાનમાં બે દીકરા અને દીકરી છે. જેમાં સૌથી મોટો દીકરો ઉદય તેનાથી નાનો દીકરો મહેશ ઉર્ફે મયુર અને નાની દીકરી દીપુ બેન છે. મોટો દીકરો પરિવાર સાથે સુરત રહે છે અને હીરા ઘસે છે, જ્યારે નાનો દીકરો મહેશ ઉર્ફે મયુરના લગ્ન આઠ વર્ષ પહેલાં મિરલ ઉર્ફે મીરા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. છેલ્લા એકાદ વર્ષથી તેઓનો દીકરો કામ ધંધા માટે અમદાવાદ ખાતે તેના સસરાના ઘરે રહેતો હતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. તેને સંતાનમાં બે દીકરાઓ છે.

મહેશ ઉર્ફે મયુર પટેલ
મહેશ ઉર્ફે મયુર પટેલ

રાજસ્થાન ફરવા ગયા ત્યારે દીકરાએ પિતાને ફોન કરી આપવીતી કહી
આશરે દસ દિવસ પહેલા તેઓનો દીકરો મહેશ ઉર્ફે મયુર તેની પત્ની મીરલ ઉર્ફે મીરા તેમજ બે દીકરાઓ સાથે રાજસ્થાનમાં ફરવા ગયો હતો. તે વખતે તેઓના દીકરા મહેશે તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે, તેની પત્ની મીરલ રાજસ્થાનમાં બે દીકરાઓને મૂકીને અનસ ઉર્ફે લાલો મનસુરી સાથે બહાર ફરવા જતી રહી છે અને તેની પત્ની મીરલ ઉર્ફે મીરાના અનશ ઉર્ફે લાલા સાથે અનૈતિક સંબંધો હોવાનો તેને શક છે. ત્યારબાદ 2 જાન્યુઆરી 2023ના રોજ મહેશ ઉર્ફે મયુર અને તેના પરિવાર સાથે પરત અમદાવાદ ખાતે આવી અને બીજા દિવસે સવારના સમયે તેઓએ ફોન કરીને પિતાને જણાવ્યું હતું કે, તેની પત્નીના અનશ સાથે અનૈતિક સંબંધ છે અને આ સંબંધે મેં તમને જાણ કરતા મારી પત્ની મિરલ તથા તેની બહેનપણી ખુશી તથા અનસ ઉર્ફે લાલાએ તેને રાજસ્થાન ખાતે ધમકાવી દીધો હતો. આ સંબંધોની વાત બીજા કોઈ સગા-સંબંધીઓને કરીશ તો તને જાનથી મરાવી નાખીશ તે પ્રકારની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

મહેશ પટેલની પત્ની સાથેની તસવીર
મહેશ પટેલની પત્ની સાથેની તસવીર

સાસુ-સસરાએ વહુને ઘરસંસાર ન બગાડવા સમજાવી
મયુરે પિતાને પત્ની મિરલને સમજાવી ઘર સંસાર ખરાબ થતો બચાવવા માટે પણ વાત કરી હતી. જેથી ફરિયાદી ગોબર ભાઈ અને તેઓની પત્નીએ દીકરાની વહુ મિરલને વાતચીત કરીને લગ્નેતર સંબંધો ન રાખવા માટે સમજાવી હતી. 5 જાન્યુઆરી 2023ના રોજ સાંજના 7 વાગે મહેશ ઉર્ફે મયુરે પિતાને ફોન કરી તે બંને બાળકો સાથે ગામડે આવે છે અને પત્ની મિરલ ઉર્ફે મીરા ગામડે આવવાની ના પાડે છે અને તે તેના પિતાના પણ કહ્યામાં નથી તેવું જણાવી ફોન મૂકી દીધો હતી. ત્યારબાદ રાતના 9 વાગે તેઓના દીકરો મહેશ ગામડે આવવા માટે બસમાં બેસી ગયો હતો કે કેમ તે બાબતે તેને ફોન કરીને પૂછવાનો પ્રયાસ કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી તેઓએ વહુ મિરલનો સંપર્ક કરતા તેની બહેનપણી ખુશીએ ફોન ઉપાડી મહેશ ઉર્ફે મયુર ઘરે નથી તેને અનસ ઉર્ફે લાલાએ બોલાવ્યો છે તેવું જણાવ્યું હતું.

મહેશનું ગળું કાપનાર અનસ ઉર્ફે લાલો
મહેશનું ગળું કાપનાર અનસ ઉર્ફે લાલો

પિતાએ ફોન કર્યા પણ દીકરાને બદલે ખુશી ફોન ઉપાડતા શંકા ઉપજી
પિતાએ અવારનવાર દીકરાને ફોન કરતા ખુશીએ ફોન ઉપાડી તે ઘરે આવ્યો નથી અને વહુ મિરલ બે બાળકોને લઈને સુઈ ગઈ છે તેવું જણાવ્યું હતું. જે બાદ સવારના સમયે ફરીથી ફરિયાદીએ ફોન કરતા મિરલે મહેશ ઉર્ફે મયુર મોડી રાતથી અત્યાર સુધી ઘરે ન આવ્યો હોય તે પ્રકારનું જણાવતા તેઓએ અમદાવાદ ખાતે રહેતા ફોઈના દીકરા પરેશ કોલડીયા તેમજ સંજય કોલડીયા અને જીગ્નેશ કરકરને ફોન કરીને મહેશ ઉર્ફે મયુરના સસરાના ઘરે તપાસ કરવાનું જણાવ્યું હતું. જેથી તે ત્રણેય જણા તેઓના દીકરા મહેશ ઉર્ફે મયુરના સસરાની દુકાને ગયા હતા અને ત્યાં દીકરાની વહુ તેમજ અનસ ઉર્ફે લાલો અને તેના સસરા હાજર હતા. મહેશ ઉર્ફે મયુર ગઈકાલ રાતે ક્યાંક જતો રહ્યો છે અને તેઓ તેની શોધખોળ કરી રહ્યા છે તેવું જ રટણ ચાલુ રાખ્યું હતું.

પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી
પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી

પિતાએ દીકરાની શોધખોળ પછી ફરિયાદ નોંધાવી
અંતે ફરિયાદી અમરેલીથી અમદાવાદ પહોંચ્યા હતા. અને 6 જાન્યુઆરી 2023 ના રાતના સમયે તેઓ પોતાના વેવાઈના ઘરે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો કૃષ્ણનગર ખાતે ગયા હતા. તે સમયે વહુ મિરલે તેઓને જણાવ્યું હતું જે થવાનું હતું તે થઈ ગયું મહેશ પરત આવી જશે. અને તે બાદ તેઓએ દીકરાની શોધખોળ કરી તેની ભાળ ન મળતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા ગયા હતા.

સસરા ફોન કરે ત્યારે પતિનો ફોન બહેનપણી ઉપાડતી
સસરા ફોન કરે ત્યારે પતિનો ફોન બહેનપણી ઉપાડતી

અનસે ગળું ચપ્પુ મારીને મહેશને પતાવી દીધો
આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસે દીકરા મહેશની વહુ મિરલ ઉર્ફે મીરા તેમજ તેની બહેનપણી ખુશી અને અનશ ઉર્ફે લાલો મનસુરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરી હતી. જેમાં ત્રણેયએ ભેગા મળીને મહેશ ઉર્ફે મયુરને મારી નાખવા માટે કાવતરું ઘડીને અનસ ઉર્ફે લાલો તેને કઠવાડા ખાતે આવેલા ખેતરમાં લઈ ગયો હતો. અનસે જ્યાં ધારદાર ચપ્પુથી ગળાના ભાગે ઘા મારીને કઠવાડા ગામ ખાતે આવેલા રોહિત વાસના સામે ખેતરમાં આવેલા કુવામાં તેને મારીને નાખી દીધો હોવાની કબૂલાત કરી હતી. જેથી કૃષ્ણનગર પોલીસ અને પરિવારજનોએ તે જગ્યાએ જઈને તપાસ કરતાં ત્યાંથી કુવામાંથી મહેશ ઉર્ફે મયુરનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે તેઓએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે મીરા તેની બહેનપણી ખુશી અને વહુના પ્રેમી અનસ ઉર્ફે લાલો મનસુરી સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...