એલજી હોસ્પિટલના દરવાજે પ્રસૂતિ થવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં એવી દલીલ કરાઇ હતી કે, એલ.જી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પ્રસૂતિના દુ:ખાવા સાથે આવેલી મહિલાને દાખલ કરવાનો ઇન્કાર કરી દેતા દરવાજા પર જ પ્રસૂતિ થઇ ગઇ હતી. કડકડતી ઠંડીમાં મહિલાને હોસ્પિટલની બહાર બાળકને જન્મ આપવો પડ્યો હતો.
આ અંગે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે કોર્પોરેશની ઝાટકણી કાઢતા એવી ટકોર કરી હતી કે, તમને કોઇ શરમ આવે છે? એક સગર્ભા મહિલા પીડા સાથે અડધી રાત્રે આવે અને તમે તેને ના કેવી રીતે પાડી શકો? તમે આ બધું જે કરો છો તેનાથી અમે નારાજ છીએ. તાજા જન્મેલા શિશુનું શું થયું? મહિલા જીવે છે? પ્રસૂતિ થઈ ગયા પછી તમે શું કર્યુ?
નિકુંજ મેવાડા નામના અરજદારે કરેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, કોર્પોરેશને ગયા શિયાળામાં એલ.જી હોસ્પિટલમાં પ્રસૂતિની પીડા સાથે આવેલી મહિલાને દાખલ કરવાનો ઇન્કાર કરીને કાઢી મૂકી હતી. તે જ દિવસે તારાપુરમાં પણ અન્ય મહિલાને ખાનગી હોસ્પિટલના સત્તાધીશોએ દાખલ કરવાનો ઇન્કાર કરતા તેમને પણ રસ્તા પર બાળકને જન્મ આપવો પડ્યો હતો. ખંડપીઠે એવી ઝાટકણી કાઢી હતી કે, આખી રાત જે મહિલા પ્રસૂતિની પીડા સાથે પીડાઇ હોય તે પથારી છોડીને જતી રહે તે વાર્તા બિલકુલ સાચી નથી. આ અંગે કોર્પોરેશને સીલ કવરમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. વધુ સુનાવણી 31મીએ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.