અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યુ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતા પતિ-પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત આગમાં ભૂંજાઈને મોત નીપજ્યું હતું. આખો પરિવાર કડકડતી ઠંડીમાં જ્યારે ઘરમાં ભર ઊંઘમાં સૂતો હતો ત્યારે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી.
આગ લાગતાની સાથે જ ઘરના અને આસપાસના લોકોએ બૂમાબૂમ કરી હતી અને તેઓ સીધા ઉપરના માળે જ્યાં આગ લાગી ત્યાં દોડી ગયા હતા. જો કે આમ કરવામાં બહુ મોડું થઈ ગયું હતું. ઘરમાં એક નહીં પરંતુ ત્રણ-ત્રણ લોકો ભડથું થઈ ગયા હતા. મૃતક જયેશના ભાઈ મહેન્દ્ર વાઘેલાએ સમગ્ર બનાવ અંગે દિવ્યભાસ્કરને ત્યારે શું થયું તે અંગે જણાવ્યું હતું.
આગની જ્વાળા આખો પરિવાર ભરખી ગઈ
શાહપુરની ન્યુ એચ. કોલોનીના મકાનમાં લાગેલી આગમાં આખો પરિવાર હોમાઈ ગયો હતો. ત્યારે મહેન્દ્ર વાઘેલા અને અન્ય લોકોએ ભેગા મળી જ્યારે દરવાજો તોડ્યો તો આગની જાળ તેમની ઉપર આવી હતી. મકાનમાં એટલી બધી આગ ફેલાઈ ગઈ હતી કે કંઈ જ દેખાતું નહોતું જ્યારે પાણી નાખી અને ત્યારબાદ જોયું તો તેમના ભાઈ જયેશભાઈ તેમની પત્ની અને બાળક ત્યાં પથારીમાં જ મૃત હાલતમાં જોવા મળ્યા હતા.
આગને પગલે બૂમાબૂમ કરી
મૃતક જયેશભાઈના ભાઈ મહેન્દ્રભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ જ્યારે શોર્ટ સર્કિટ થઈ શોર્ટ સર્કિટ થઈ તેવી બૂમો સાંભળતા ઉભા થઈ ગયા હતા અને જોયું તો ઉપરના માળે રહેતા જયેશ ભાઈના મકાનમાં આગ લાગી હતી. જેથી અમે દોડી અને ત્યાં ગયા હતા.
અમે દોડીને ઘરનો દરવાજો ખોલ્યો
ઘરનો દરવાજો બંધ હતો જેથી અન્ય લોકોની સાથે મેં ઘરનો દરવાજો જોરથી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ઘરનો દરવાજો જેવો ખુલ્યો તો સીધી આગની ઝાળ મારી ઉપર આવી હતી. આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે કંઈ જ દેખાતું નહોતું. જેથી બાથરૂમમાંથી પાણી લઈ અને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલી વિકરાળ આગ હતી કે બુઝાવવા જતાં ત્યારે વાળ પણ બળી ગયા હતા.
પથારીમાં જ ભડથું થઈ ગયા
પાણી નાખી અને આગ ગમે તે રીતે બુઝાવી ત્યારબાદ જોયું તો મારા ભાઈ જયેશભાઈ તેમની પત્ની હંસાબેન અને બાળક પથારીમાં જ પડેલી હાલતમાં જોવા મળ્યા હતા. મૃતક જયેશભાઈ અને તેમનો પરિવાર પથારીમાં જ્યાં સૂતો હતો ત્યાં જ ગઈકાલે રાત્રે સૂતો હતો અને જોયું તો પથારીમાં જ તેઓ પડેલી હાલતમાં હતા. આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે હજી સુધી અમને પણ ખ્યાલ નથી આવ્યો.
એક જ મકાનમાં પરિવાર રહે છે
થોડી ઘણી આગ બુઝાવ્યા બાદ ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ આવી અને ત્યાં થોડી ઘણી આગ લાગી હતી. તે બુઝાવી દીધી હતી. મૃતક જયેશભાઈ તેમના ભાઈ મહેન્દ્ર ભાઈ તેમના કાકાના બે દીકરાઓ સાથે એક જ મકાનમાં રહેતા હતા. પહેલા માળે જયેશભાઈ અને બીજા માળે મહેન્દ્ર ભાઈ રહેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.