સરકારને અલ્ટિમેટમ:સાતમા પગાર પંચ મુદ્દે એસ.ટી નિગમના કર્મચારીઓની ચીમકી, 30 કલાકમાં નિર્ણય નહીં લેવાય તો માસ સીએલ પર ઉતરશે

અમદાવાદએક મહિનો પહેલા
એસટી નિગમના કર્મચારીઓએ સરકારને ચીમકી ઉચ્ચારી
  • ગીતામંદિર એસટી બસ સ્ટેન્ટ ખાતે કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો

દિવાળીના તહેવાર સમયે જ રાજ્યના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય તો નવાઈ નહીં, કારણ કે, ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓએ હવે સરકારના વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. એસ.ટી. નિગમના ત્રણ સંગઠનોએ સરકારને 30 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 30 કલાકમાં નિગમના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 20મી ઓક્ટોબરે મધ્યરાત્રીથી જ તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે તે નિર્ણય યથાવત્ રાખવાની જાહેરાત કરી છે. તેની સાથે સાથે આજે અમદાવાદમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ટ ખાતે કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

40 હજાર કર્મચારીઓ માસ સીએલ પર જવાની તૈયારીમાં
એસ.ટી. નિગમના સંગઠનોએ દાવો કર્યો હતો કે, ગઈ કાલે જ્યારે પોતાની માંગને લઈને નાણાંમંત્રીને મળવા ગયા હતાં. ત્યારે નાણાંમંત્રીએ તેમને કહ્યું હતું કે, સરકાર દ્વારા જેટલું આપવામાં આવે છે એટલું લઈ લેવું જોઈએ વધારે માંગવું ના જોઈએ. જેને લઈને નિગમના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી નિગમના 40 હજાર કર્મચારીઓ માસ સીએલ પર જવાની તૈયારી દર્શાવી છે. હાલ વિવિધ સરકારી કર્મચારીઓને ફિક્સ પગાર અંતર્ગત 19 હજાર 950 ચૂકવવામાં આવે છે.

વર્ષ 2018 બાદ ભરતી થયેલ કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે
વર્ષ 2018 બાદ ભરતી થયેલ કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે

આ માંગણીઓ નિગમના કર્મચારીઓએ દર્શાવી છે
એસ.ટી.ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જે મોટી અસમાનતા છે. આ સિવાય નિગમના નિવૃત્ત થતા કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર, એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 100 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે તેવી નિગમ માંગ કરવામાં આવી રહી છે. આ સિવાય લેબર વિભાગ સાથે થયેલ કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવે. એસ.ટી નિગમના સંગઠનોની માંગ છે કે વર્ષ 2018 બાદ ભરતી થયેલ કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે.

ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો
ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો

મહિલા કર્મચારીઓ માટે રેસ્ટરૂમ બનાવવાની માંગ
હાલ આ ગ્રેડ પે 16,650 અને ડ્રાઈવરને 1800 આપવામાં આવી રહ્યો છે. સાતમા પગાર પંચ મુજબ ડ્રાઈવરને અને કંડકટર 1900 ગ્રેડ પે મળવાની જોગવાઈ છે. સાથે સાથે 900 થી વધારે જેટલા વારસદારો, કે જેઓ 2011 પહેલા અવસાન પામેલ છે, તેમને નોકરી આપવામાં આવે અને 2011 બાદ અવસાન પામેલ કર્મચારીઓને રોકડ સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.યુનિયનની માંગ છે કે તમામ મહિલા કર્મચારીઓ માટે બસ સ્ટેશન પર રેસ્ટ રૂમ તૈયાર કરવામાં આવે.