કાર્યવાહી:કર્મચારીનું અપહરણ કરીને શેઠે બે લાખની સોનાની રણી પડાવી, રામોલ પોલીસ સ્ટેશનમાં સોની સહિત 3 સામે ગુનો નોંધાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૈસા લેવાના બહાને કારમાં બેસાડીને નિકોલ લઈ ગયા અને માર માર્યો, પત્ની પાસેથી રણી મગાવીને આપ્યા બાદ છોડ્યો

રામોલમાં રહેતા જ્વેલરીની દુકાનમાં કામ કરતા કર્મચારીનું અપહરણ કરીને તેના શેઠે 50 ગ્રામ સોનાની રણી પડાવી લીધી હતી. આ મામલે કર્મચારીએ રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સામે અપહરણ સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના સીટીએમ વિસ્તારમાં રાજન ચંદ્રકાંતભાઇ આદેશરા પરિવાર સાથે રહે છે અને નવરંગપુરા શ્રી હરિ જ્વેલર્સમાં નોકરી કરી છે, જેના માલિક વિજય અંબાલાલ પંચાલ છે. નોકરી ઉપરાંત રાજન કમિશન પર દાગીના બનાવવાનું કામ પણ કરે છે. ગત 31 ઓક્ટોબરના રોજ સાંજે સાત વાગ્યે વિજય પંચાલની સાથે કામ કરતા મીતાબહેન કોઇ શક્તિ નામના માણસ સાથે રાજનના ઘરે આવ્યા હતા અને પૈસાની વાત કરવી છે બહાર આવો તેમ કહ્યું હતું, જેથી રાજન બહાર આવ્યો હતો ત્યારે એક ઇનોવા કારમાં તેના શેઠ વિજય પંચાલ તથા તેમના મિત્ર સીતારામ ઉર્ફે કલ્પેશ ઉર્ફે કિશન અશોકભાઇ લુવાણા હતા. ત્યાર બાદ વાત કરવા બહાર જઈએ તેમ કહી રાજનને કારમાં બેસાડી નિકોલ લઇ ગયા હતા.

સીતારામે કહ્યું હતું કે, મારે વિજય પાસેથી પૈસાનો હિસાબ નીકળે છે તે તું આપી દે. જો કે, વિજય સોની સાથે રાજનની પૈસાની કોઇ લેતી દેતી ન હોવાથી તેણે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી સીતારામે રાજનને ફટકારતા તે ડરી ગયો હતો અને ઘરેથી 50 ગ્રામ સોનાની રણી આપી દઇશ તેમ જણાવ્યું હતું. પછી રાજને તેની પત્નીને ફોન કરી સીટીએમ ચાર રસ્તા ખાતે રણી લઇ બોલાવી હતી. જ્યાં પત્ની રણી લઇને આવી હતી. તે રણી તેણે વિજય અને સીતારામને આપતા તેમણે રાજનને છોડી દીધો હતો અને તેઓ ઇનોવા કાર લઇ પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ રાજને સમગ્ર મામલે પરિવારને જાણ કરતા તેઓ રામોલ પોલીસ મથક પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...