હાર્દિક પટેલ સહિત 21ને રાહત:સેશન્સ કોર્ટે પાટીદાર આંદોલન સમયે થયેલો કેસ પાછો ખેંચવાની રાજ્ય સરકારની રિવિઝન અરજી મંજૂર કરી

અમદાવાદ12 દિવસ પહેલા
  • વસ્ત્રાલના કોર્પોરેટરે ઘર પર ટોળાએ હુમલો કરતા ફરિયાદ કરી હતી

હાર્દિકના પટેલ સામે રામોલમાં નોંધાયેલ ફરિયાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની રિવિઝન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. અગાઉ 25મી એપ્રિલના રોજ આ કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને મેટ્રો કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હવે હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીઓને અરજી પાછી ખેંચવાથી રાહત મળી છે, હવે હાર્દિક પટેલ સામે માત્ર રાજદ્રોહનો એક કેસ પેન્ડિંગ છે.

અગાઉ મેટ્રો કોર્ટે કેસ પાછો ખેંચવાની અરજી ફગાવી હતી
પાટીદાર અનામત આંદોલન સમયે રામોલ પોલીસ સ્ટેશન તોડફોડ અને રાયોટિંગના ગુના સંદર્ભે હાર્દિક પટેલ અને અન્ય આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. થોડા સમય પહેલા જ સરકારે આ કેસો પરત લેવા માટે અરજી કરી હતી જોકે મેટ્રો કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી જેની સામે રાજ્ય સરકારે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને સેશન્સ કોર્ટે માન્ય રાખી છે. આ બાબતે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, 'સેશન્સ કોર્ટે આપેલા આદેશમાં અવલોકન કર્યું છે કે મેટ્રો કોર્ટ દ્વારા આ અરજીમાં આરોપીઓની અગાઉની વર્તુણૂંક ધ્યાને લીધી હતી. પરંતુ આ કિસ્સામાં કોઈ ખરાબ ઈરાદો નહીં પરંતુ પબ્લિક ઈન્ટરેસ્ટમાં અરજી હોવાનું નોંધ્યું છે અને અરજી મંજૂર કરી છે.

હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમયની તસવીર
હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમયની તસવીર

વસ્ત્રાલના કોર્પોરેટરના ઘર પર હુમલો થતા ફરિયાદ નોંધાવાઈ હતી
20 માર્ચ 2017ના રોજ કોર્પોરેટર પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના તત્કાલીન સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરાયાની ફરિયાદ નોંધાવાઈ હતી. જે ફરિયાદ બાબતે કેસ પરત ખેંચવા સરકારે રિવિઝન અરજી આપી હતી. અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે.

રાજ્ય સરકારે પાટીદારો સામેના 10 કેસ પાછા લેવાનો નિર્ણય કર્યો હતો
નોંધનીય છે કે, મહિના પહેલા જ પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઈ રાજ્ય સરકારે વધુ 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી હતી. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1, જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે, જે પરત ખેંચવામાં આવ્યા છે.

485 પોલીસ ફરિયાદો નોંધાઈ હતી
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે.

પાટીદાર આંદોલનની ફાઈલ તસવીર
પાટીદાર આંદોલનની ફાઈલ તસવીર

2015માં આંદોલન હિંસક બન્યું, 14 પાટીદારોના જીવ ગયા
વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. તેમની પાટીદારોને અનામત આપવાની માગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં. પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતનાં પૂર્વ CM આનંદીબહેન સરકાર પર દબાણ આવ્યું હતું.

પાટીદાર આંદોલનના યુવા ચહેરાઓ હાલ રાજકારણમાં સક્રિય
અનામત આંદોલન અને એ સંબંધિત ચહેરાઓની વાત કરીએ તો એકબીજા સાથે આંદોલનમાં સાથે કામ કરનારા નેતાઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈને મહત્ત્વનાં પદો પર છે. આ ચહેરાઓમાં હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ, નિખિલ સવાણી, અતુલ પટેલ, દિલીપ સાબવા, ધાર્મિક માલવિયાનો સમાવેશ થાય છે, જેમાંથી હાલ હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે.

અનામત આંદોલન સમયે શું થયું હતું?
25 ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન પાટીદાર ક્રાંતિરેલી થઈ હતી, ત્યાર પછી આ ગુનાઓ દાખલ કરાયા હતા. ઑગસ્ટ-2015ના પાટીદાર અનામત આંદોલન વખતે બાપુનગર પોલીસની કસ્ટડીમાં શ્વેતાંગનું મૃત્યુ થયું હતું. પ્રવીણ પટેલનો દીકરો નિશિત 2015માં મહેસાણામાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો. બનાસકાંઠાના મહેશનું પણ પોલીસ ફાયરિંગમાં મૃત્યુ થયું હતું. બીજા 13 લોકો મૃત્યુ પામ્યા હતા. શહીદ થયેલા પાટીદારનાં પરિવાજનોને સહકારી સંસ્થાઓમાં નોકરી આપવાની વાત પણ સરકારે કરી હતી. તેમને નોકરી આપવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી હતી. પોલીસ તપાસ કરીને સજા કરવામાં આવે. પોલીસ દમનની તપાસ માટે પંચની રચના કરીને પીડિતોની ફરિયાદો લેવાની હતી એ આપને યાદ અપાવું છું, એવું તેણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...