આજથી શ્રાદ્ધ પર્વનો પ્રારંભ:તર્પણ માટે તલ મિશ્રિત જળ પિતૃઓને અર્પણ કરી શકાય, પિતૃઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવાનું મહત્ત્વ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પૂનમ અને એકમનું શ્રાદ્ધ શનિવારે મનાવાશે, 17મીએ પડતર દિવસ, 25 સુધી પૂર્ણાહુતિ થશે

પિતૃઓ માટે શ્રદ્ધા સાથે કરવામાં આવેલા મુક્તિ કર્મને શ્રાદ્ધ કહેવામાં આવે છે. જ્યારે દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓને તૃપ્ત કરવા માટે તલ મિશ્રિત જળ અર્પણ કરવાની ક્રિયાને તર્પણ કહેવામાં આવે છે. શ્રાદ્ધ પર્વ એટલે પિતૃઋણમાંથી મુક્ત થવાનો અવસર, જો આપણે પિતૃઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિરર્થક મનાય છે.

પિતૃઓના પવિત્ર શ્રાદ્ધપક્ષ 10 સપ્ટેમ્બર, શનિવારથી શરૂ થશે અને તેની પૂર્ણાહુતિ 25 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસના દિવસે થશે. અમાસના દિવસે જેમની મૃત્યુ તિથિ ખ્યાલ ન હોય, અકાળે મૃત્યુ પામ્યા હોય તેમના શ્રાદ્ધ અને તર્પણ કરી શકાય છે. આ વખતે શનિવારે પૂનમ તિથિના શ્રાદ્ધ સાથે એકમ પણ હોવાથી પૂનમ અને એકમનું શ્રાદ્ધ આ જ દિવસે કરવાનું રહેશે. છતાં કેટલાક જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, એકમ રવિવારે સવારે પણ હોવાથી અને બીજ પણ આ જ દિવસે હોવાથી કેટલાક લોકો એકમ અને બીજનું શ્રાદ્ધ રવિવારે કરી શકે છે.

શ્રાદ્ધ પક્ષની તિથિઓ

 • 10 સપ્ટેમ્બર શનિવારે પૂર્ણિમા શ્રાદ્ધ - એકમનું શ્રાદ્ધ
 • 11 સપ્ટેમ્બર, બીજનું શ્રાદ્ધ
 • 12 સપ્ટેમ્બર, ત્રીજનું શ્રાદ્ધ
 • 13 સપ્ટેમ્બર, ચોથનું શ્રાદ્ધ
 • 14 સપ્ટેમ્બર પાંચમનું ભરણી શ્રાદ્ધ
 • 15 સપ્ટેમ્બર છઠનું શ્રાદ્ધ
 • 16 સપ્ટેમ્બર સાતમનું શ્રાદ્ધ
 • 17 સપ્ટેમ્બર પડતર દિવસ
 • 18 સપ્ટેમ્બર આઠમનું શ્રાદ્ધ
 • 19 સપ્ટેમ્બર નોમનું સૌભાગ્યવતી શ્રાદ્ધ
 • 20 સપ્ટેમ્બર દશમનું શ્રાદ્ધ
 • 21 સપ્ટેમ્બર અગિયારસનું શ્રાદ્ધ
 • 22 સપ્ટેમ્બર બારસનું શ્રાદ્ધ
 • 23 સપ્ટેમ્બર તેરસનું મઘા શ્રાદ્ધ
 • 24 સપ્ટેમ્બર ચૌદશનું, અકસ્માતે મૃત્યુ થયું હોય તેનું શ્રાદ્ધ
 • 25 સપ્ટેમ્બર સર્વ પિતૃ અમાસ, જેની તિથિ ખ્યાલ ન હોય, અકાળે મૃત્યુ પામ્યા હોય તેમનું શ્રાદ્ધ, તર્પણ માટે સર્વપિતૃ મોક્ષ માટે શ્રેષ્ઠ દિવસ.

નદી સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ
પિતૃઓ સંતુષ્ટ થાય તે માટે શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે તીર્થ સ્નાન કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. તેની સાથે જ પૂર્વજો માટે શ્રાદ્ધકર્મ પછી દીપદાનનું પણ ખાસ મહત્ત્વ છે. સર્વપિતૃ અમાસના દિવસે પંચબલિ કર્મ (બ્રાહ્મણ, ગાય, કૂતરા, કાગડા અને કીડીને ભોજન)ની સાથે પીપળાનું પૂજન અને જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. વધુમાં શ્રાદ્ધ પર્વના 16 દિવસ દરમિયાન શ્રીમદ્દ ભગવદગીતાનો 15મો અધ્યાય, ગરુડ પુરાણ વાંચન, ગજેન્દ્ર મોક્ષનો પાઠ તેમ જ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. ધર્મ શાસ્ત્ર અનુસાર શ્રાદ્ધ પક્ષમાં પિતૃલોકથી પિતૃઓ કોઈ પણ સ્વરૂપે તૃપ્ત થવાના આશયથી શ્રાદ્ધભોજ ગ્રહણ કરવામાં આવે છે.

દેવ અર્યમા, યમદેવને તર્પણ કરવાની માન્યતા
પિતૃઓનું શ્રાદ્ધ દીકરો-દીકરી પતિ-પત્ની, ભાઈ-બહેન સગા-સ્નેહી, સબંધી, દોસ્ત, પાડોશી, પરિચિત કે ગામજન કોઈ પણ દિવ્ય આત્માનું નામ લઈને કરી શકે છે. આ સિવાય પિતાના પરિવાર ઉપરાંત જો માતાના પરિવારના સદગત આત્મા માટે તેમનું શ્રાદ્ધ પણ કરી શકાય છે, અને તેઓ પણ પ્રસન્ન થવાની સાથે તૃપ્ત થઈ આશીર્વાદ આપે છે. તેની સાથે જ એવી માન્યતા પણ છે કે, પૂર્વજોના દેવ અર્યમા અને પિતૃલોકના સ્વામી યમદેવ માટે પણ તર્પણ પૂજન કરવું જોઈએ, જેથી તેમની કૃપા આપણી અને આપણાં પિતૃઓ પર બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...