AMCનો નિર્ણય:હવે સર્વિસ સ્ટેશનોમાં વાહનો ધોવા માટે અલગથી ટાંકી બનાવવી પડશે, ગેરકાયદેસર પાણીના કનેક્શનનું ચેકિંગ થશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસ સેન્ટરો પર આગામી સમયમાં ટાંકી બનાવવા માટે કોર્પોરેશન દ્વારા જાણ કરવામાં આવશે

અમદાવાદ શહેરમાં આવેલા કંપનીઓના સર્વિસ સ્ટેશનોમાં વાહનો ધોવા માટે આવે ત્યારે તેમાં મોટા પ્રમાણમાં માટી અને કાદવ નીકળે છે. જે કોર્પોરેશનની ગટરમાં જતી હોવાથી અમુક જગ્યાઓ પર ગટરલાઈન માટીના કારણે ભરાઇ જાય છે, જેની ફરિયાદ વોટર એન્ડ સૂએજ કમિટીમાં કરવામાં આવી હતી. આ ફરિયાદને દૂર કરવા મામલે વોટર કમિટિ ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, આવા સર્વિસ સ્ટેશનો પર અલગથી ટાંકી બનાવવામાં આવે જેથી કરી ને પાણીમાં જતી માટી ગટરોમાં જાય નહીં અને ગટરો ચોક અપ થવાની કોઈ સમસ્યા ઉદભવે નહીં. કેટલાક સર્વિસ સ્ટેશનમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન પણ સામે આવ્યા છે.

શહેરમાં આવેલા ગેરેજો અને સર્વિસ સેન્ટરમાં પાણીના ગેરકાયદેસર કનેક્શન હોય છે. આવા કનેક્શનોથી કોર્પોરેશનના પાણીનો બગાડ પણ વધુ થાય છે. વાહનોમાં સફાઈ થવાથી મોટા ભાગે માટી નીકળે છે. આ માટી પાણી સાથે ગટરમાં જતી હોય છે જેથી ગટરોમાં માટી ભરાઈ જાય છે અને તેને સાફ કરવા માટે કોંર્પોરેશનને વધુ મહેનત કરવી પડે છે. જેથી વોટર અને સુયરેજ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, આ પ્રકારના સર્વિસ સ્ટેશનોમાં અલગ થી નાની ટાંકી બનાવવામાં આવે અને તેમાં આ પાણી જાય જેથી માટી ગટરમાં જાય નહીં જ્યારે આ ટાંકી કે કૂવામાં માટી નીચે બેસી જાય બાદમાં તે પાણી ગટરમાં જતું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જોકે દરેક સર્વિસ સ્ટેશન પર આટલી જગ્યા હોતી નથી. જે તેઓ અલગથી આવી ટાંકી કે કૂવા બનાવી શકે.

અમદાવાદ શહેરમાં ઉત્તર ઝોનમાં 72, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 57, દક્ષિણ ઝોનમાં 68, પૂર્વ ઝોનમાં 171, મધ્ય ઝોનમાં 100, પશ્ચિમ ઝોનમાં 150 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 150 જેટલા સર્વિસ સેન્ટરો આવેલા છે. આ તમામ સર્વિસ સેન્ટરો પર આગામી સમયમાં ટાંકી બનાવવા માટે કોર્પોરેશન દ્વારા જાણ કરવામાં આવશે. જોકે આ સેન્ટરો પર કેટલા ગેર કાયદેસર પાણીના કનેક્શન છે તે પણ ચેકિંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...