ગંભીર બેદરકારી:અમદાવાદમાં 15 વર્ષના બાળકને કોવેક્સિનની જગ્યાએ કોવિશિલ્ડ આપતાં બાળક ચક્કર ખાઈને નીચે પડ્યો, પિતા પોલીસ સ્ટેશન દોડ્યાં

અમદાવાદ11 દિવસ પહેલા
  • વેક્સિન બદલી ગયાની કબૂલાત અંતે કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં કરી

અમદાવાદમાં 15 વર્ષના બાળકને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના વેક્સિન આપવામાં ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવા આવેલા બાળકને વાસણા વિસ્તારમાં આવેલા ન્યુ આંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન આપનાર કર્મચારીએ કોવેક્સિનની જગ્યાએ 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને આપવામાં આવતી કોવિશિલ્ડ વેક્સિન આપી દીધી હતી. વેક્સિન લેતાની સાથે જ બાળકને ચક્કર આવી ગયા હતા અને નીચે પડી ગયો હતો. બાળકના પિતાએ વેક્સિન આપનાર કર્મચારીને જણાવ્યું પણ હતું કે, આ કોવેક્સિન આપવાની હોય છે તો તમે કેમ કોવિશિલ્ડ વેક્સિન આપી? આ મામલે બાળકના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી સામે પોલીસ ફરિયાદ પણ આપી છે.

કર્મચારીના હાથમાં હું કોવિશિલ્ડ વેક્સિન જોઈ ગયો: પિતા
વાસણા વિસ્તારમાં માધવ ફ્લેટમાં રહેતા જયદીપ સિંહ વાઘેલાના 15 વર્ષીય પુત્ર ધ્રુવરાજસિંહ વાઘેલાને આજે તેના પિતા વાસણા ખાતે ન્યુ આંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેક્સિનેશનનો બીજો ડોઝ આપવા માટે લઈ ગયા. કોવેક્સિન આપવાની જગ્યાએ તેને અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ કોવિશિલ્ડવેક્સિન આપી હતી. ધ્રુવરાજસિંહના પિતા જયદીપસિંહ વાઘેલાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે મારા બાળકને બીજા ડોઝ માટેની વેક્સિન આપી ત્યારે તરત જ ચક્કર ખાઈ નીચે પડ્યો હતો. વેક્સિન આપનાર કર્મચારીના હાથમાં હું કોવિશિલ્ડ વેક્સિન જોઈ ગયો હતો અને મેં કર્મચારી ને કહ્યું પણ હતું કે, બાળકને કોવેક્સિન આપેલી છે તો તમે તેને કોવિશિલ્ડ કેમ આપો છો.પરંતુ તેણે કબૂલ્યું ન હતું બાદમાં પોલીસને જાણ કરતા તેણે પોલીસની સામે કબૂલ્યું હતું કે, તેણે કોવિશિલ્ડ વેક્સિન આપી હતી.

SVPનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો: પિતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મામલે મેં વાસણા પોલીસ સ્ટેશનમાં કર્મચારી વિરુદ્ધ ગુનાહિત બેદરકારી બદલ ફરિયાદ આપી છે હાલમાં મારા બાળકને થોડા તાવ સિવાય બાકી તબિયત સ્થિર છે. આ રીતે ગુનાહિત બેદરકારી બનતા SVP હોસ્પિટલનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને મારી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે મને જણાવ્યું હતું. પરંતુ આ રીતે આજે મારા બાળક સાથે બનાવ બન્યો છે કાલે બીજા કોઈ બાળક સાથે બની શકે છે. જેથી આ મામલે મેં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...