વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા અને ઈન્દ્રનિલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીને પાર્ટીમાં જોડાયાં હતાં. હવે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવીએ પણ અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી છે અને તેઓ આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. તેમણે ટ્વિટર પર કેજરીવાલ સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે.
પાર્ટીમાં થાક બહુ લાગ્યો છે..ચાલો કંઈક નવું કરીએ.
કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવીએ અગાઉ એક ટ્વિટ કર્યુ હતું કે, હવે પાર્ટીમાં થાક બહુ લાગ્યો છે..ચાલો કંઈક નવું કરીએ.સમગ્ર ટ્વિટ પર નજર કરીએ તો તેમણે લખ્યુ છે કે, સત્તા મેળવવા કે સરકાર બનાવવાના કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું છે..તેનાથી સૌથી વધુ નુકસાન જમીન સાથે જોડાયેલા તે કાર્યકર્તાઓ થાય છે..જે દિવસ રાત મહેનત કરે છે..હવે થાક બહુ લાગ્યો છે..ચાલો કંઈક નવું કરીએ.
કૈલાશ ગઢવી અગાઉ કોંગ્રેસમાં પ્રવકતા હતા
ચાર્ટડ એકાઉન્ટન્ટ કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, મને કોંગ્રેસમાં નવસર્જન કે નવો દોરી સંચાર જેવું કંઇ જોવા મળી રહ્યું નથી. તેથી હવે 300 જેટલા કાર્યકતા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઉ છું.
પ્રાપ્ત માહિતી અનુસાર કૈલાશ ગઢવીએ આ અગાઉ દિલ્હીના મુખ્યપ્રધાન અને આપ પાર્ટીના સર્વે સર્વાને મળ્યા હતી. અને તે વખતે કોંગેસના સિનીયર નેતાએ આપમાં જવાનું નક્કી કરી લીધું હતુ. કૈલાશ ગઢવી અગાઉ કોંગ્રેસમાં પ્રવકતા પણ રહી ચુકયા હતા. તેઓ ગુજરાત કોંગ્રેસના સીએ સેલના પ્રમુખ, એલ ઇન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસ કે જેના હેડ શશી થરુર હતી તેમની સાથે ગુજરાતમાં પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ જેવા હોદ્દા પર પણ રહી ચુકયા છે.
એક વર્ષ પહેલાં પણ તેમણે રાજીનામું આપ્યું હતું
ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ કૈલાશ ગઢવીએ એક વર્ષ પહેલાં રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસમાં વફાદારી અને ઈમાનદારીથી કામ કરનારની અવગણના થતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. પાર્ટીના ઉમેદવારના વિરોધમાં છેલ્લી બે ચૂંટણીમાં કામ કરનારી વ્યક્તિને ટિકિટ અપાય છે અને ઇમાનદારીથી પાર્ટી માટે કામ કરનાર અને તન-મન-ધનથી પાર્ટીની સેવા કરવાની અવગણના થાય છે, તે ખૂબ જ દુઃખદ છે. હું પાર્ટીની તમામ જવાદારીઓમાંથી રાજીનામું આપું છું. કૈલાસદાન ગઢવીના જય હિંદ. તેમને મનાવવામાં આવ્યા અને સાઉથ કોલકત્તાના નિરીક્ષક બનાવવામાં આવ્યાં હતાં.
ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા પણ આપમાં જોડાયા
ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠિયા એક સપ્તાહ પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયા હતાં. તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની વાત વહેતી થઈ હતી અને કોંગ્રેસ દ્વારા બન્ને નેતાનો સંપર્ક કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.