વૃદ્ધ દંપતી હત્યા કેસ:મધ્યપ્રદેશની ગેંગ તરફ શંકાની સોય, CCTV ન હોવાથી હત્યારાઓને પકડવાનો પોલીસ માટે પડકાર

અમદાવાદ25 દિવસ પહેલા
દયાનંદભાઈનો બેડ પર જ્યારે તેમના પત્નીનો ખુરશી પર લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો
  • લૂંટના ઈરાદે હત્યા ન થઈ હોવાનું પોલીસનું તારણ
  • ઘરમાં પહેલા કોણ પ્રવેશ્યું અને પૌત્રી બહાર ક્યાં ગઈ હતી તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં મંગળવારની સમી સાંજે ભરચક્ક વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળના 11 નંબરના ફ્લેટમાં જઈને સિનિયર સિટીઝન દંપતીની હત્યા કરવામાં આવી હતી. જો કે પારસમણી સોસાયટીમાં સીસીટીવી ન હોવાથી આ કેસ ઉકેલવો અમદાવાદ પોલીસ માટે પણ પડકારૂપ છે. વૃદ્ધ દંપતી એવા દયાનંદ શાનભાગ(ઉ.વ.90) અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મી (ઉ.વ.80)ના આ મર્ડરને લઈ હાલ રહસ્ય ઘેરાયું છે. પોલીસને લૂંટના ઈરાદે હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ હત્યા પાછળ કોઈ જાણભેદુ અથવા તો પ્રોફેશનલ મર્ડરર હોવાની શક્યતા છે. હત્યારાઓએ ફૂડ ડિલિવરી બોય બનીને રેકી કરી હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.

પોલીસ પણ પહેલા આ કેસમાં લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનું માની રહી હતી. પરંતુ ખરેખર ઘરમાંથી એક રૂપિયાની પણ ચોરી થઇ નથી. ઘરમાં 15 હજાર રોકડા પડ્યા છે, તેની સાથે વૃદ્ધ મહિલાના કાનમાં સોનાની બુટી પણ છે. જેથી હવે લૂંટના ઈરાદે હત્યા થઇ હોવાનું પોલીસ માની રહી નથી. હત્યાની સાંજે પહેલા ઘરમાં કોણ આવ્યું હતું તેમજ તેમજ પૌત્રી ક્યાં ગઈ હતી તેની પોલીસ પૂછપરછ કરી રહી છે. સોસાયટી રિડેવલપમેન્ટ માટે પ્રયત્ન કરી રહી હતી તે માટે ક્યાંય સીસીટીવી કેમેરા લાગ્યા નથી. જેથી હત્યારાની ઓળખ થવી પોલીસ માટે મુશ્કેલ છે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ ટીમ બનાવીને તપાસ કરી રહી છે.

તિજોરી ખુલ્લી પણ વૃદ્ધાના શરીર પરના દાગીના હેમખેમ
મંગળવાર(2 નવેમ્બર) સાંજના 6 વાગ્યાની આસપાસ આ દંપતીની પૌત્રી રિતુ દિવાળી ખરીદી કરવા ગઈ હતી હતી. બરાબર આ જ સમયે હત્યારાઓ ત્રાટક્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે, હત્યારાઓને દંપતી ઘરમાં એકલું જ હોવાની કેવી રીતે જાણ થઈ? હત્યારાઓ ઘરમાં પ્રવેશ્યા તે સમયે દયાનંદભાઈને બેડ પર જ ચપ્પુના ઘા મારી પતાવી દીધા હતા. જ્યારે તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબેનથી ચલાતુ ન હોવાથી તેઓ ખુરશી પર બેઠા હતા ત્યાં તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરની તિજોરી ખુલ્લી હતી. જો લૂંટના ઈરાદે હત્યા થઈ હોય તો મૃતક વિજ્યાબેનના શરીર પર રહેલા દાગીના કેમ ન લઈ ગયા?

ઘરનો સામાન વેર વિખેર હતો
ઘરનો સામાન વેર વિખેર હતો

મેડિકલ સ્ટોરનો કર્મચારી આવ્યો પણ જવાબ ન મળ્યો
પ્રભાત ચોકથી એક મેડિકલ સ્ટોરનો કર્મચારી 6 વાગ્યાની આસપાસ વૃદ્ધ દંપતીને દવા આપવા માટે ગયો હતો, ત્યારે તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો. મેડિકલ સ્ટોરના કર્મચારીએ બૂમ પાડી પણ કોઈ જવાબ ન મળતા તેણે મૃતક દંપતીના પુત્ર કિરણને ફોન કર્યો. જેથી કિરણ ઘરના લેન્ડલાઈન પર ફોન કરતા કોઈ જવાબ મળ્યો નહતો. ત્યાર બાદ કિરણે પાડોશીને ચેક કરવા કહ્યું જેના પગલે પાડોશીએ દરવાજેથી બૂમ પાડી હતી, છતાં કોઈ જવાબ ન મળતા તેઓ અંદર પ્રવેશ્યા અને જોયું તો દયાનંદભાઈનો બેડ પર જ્યારે તેમના પત્નીનો ખુરશી પર લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. રૂમમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.

મેડિકલ સ્ટોરના કર્મચારી પહેલા સોસાયટીનો સભ્યો આવ્યો હતો
મેડિકલ સ્ટોરના કર્મચારી પહેલા જ્યાં હત્યા થઈ તે મકાનમાં સોસાયટીનો સભ્ય રિડેવલપમેન્ટનું ફોર્મ ભરાવવા માટે આવ્યો હતો. તેણે દરવાજો ખખડાવ્યો છતાં કોઈ જવાબ ન મળતાં તે ફોર્મ દરવાજા પર મુકીને જતો રહ્યો હતો. ત્યાર બાદ મેડિકલ સ્ટોરનો કર્મચારી દવા આપવા માટે આવ્યો હતો.

મધ્યપ્રદેશની ગેંગનો હાથ હોવાની શક્યતા
શહેરમાં ગત માર્ચમાં હેબતપુરમાં પણ વૃદ્ધ દંપતીની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. જેમાં મધ્યપ્રદેશની ગેંગનો હાથ હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે આ કેસમાં મધ્યપ્રદેશની ગેંગો પર નજર દોડાવી છે.

ઓર્ડર આપ્યો નહોતો છતાં બેવાર ફૂડ ડિલિવરી બોય આવ્યા
થોડા દિવસ પહેલા એપાર્ટમેન્ટમાં ફૂડ ડિલિવરી કપંનીનો માણસ K-8 ફ્લેટમાં રહીશ પાસે આવ્યો ત્યારે તેઓએ કોઈ ઓર્ડર આપ્યો ન હોવાનું કહ્યું હતું. બાદમાં આ વ્યક્તિ ફ્લેટમાં ઉપરના માળે ગયા બાદ 10 મિનિટમાં નીકળ્યો હતો. તેની 20 મિનિટ બાદ અન્ય એક વ્યક્તિ ફૂડ ડિલિવરી કપંનીમાંથી આવ્યાનું કહી પાર્સલ આપવા આવ્યો પણ K-8ના રહીશે ઓર્ડર ના આપ્યાનું કહેતા તે જતો રહ્યો હતો. પોલીસે બ્લોકના 11 નંબરમાં રહેતા શાનભાગ દંપતીની હત્યામાં ફૂડ ડિલિવરી બોય બની આરોપીએ રેકી કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...