ડેઝીગ્નેટેડ સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદને ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત મળી છે. હાઇકોર્ટે આઈ.એચ. સૈયદની આગોતરા જામીનની અરજી મંજુર કરી છે. કોર્ટે એડવોકેટ સૈયદને પોલીસ તપાસમાં સહકાર આપવા અને 14 જૂનના રોજ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવા જવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ તેમની જામીન અરજી મામલે રાજય સરકારે વાંધો ઉઠાવ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટના ડેઝીગ્નેટેડ સિનિયર એડવોકેટ આઈ.એચ સૈયદના આગોતરા જામીનની અરજી હાઇકોર્ટે મંજુર કરી છે. સિનિયર એડવોકેટ સામે થલતેજના એક વેપારીને વિવાદ ઉકેલવા માટે બોલાવીને એગ્રીમેન્ટ ઉપર સહી કરવા માટે ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. જે બાબતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વિહારમાં થયેલા કથિત મારામારીનાં બનાવમાં ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં શંકરસિંહ વાઘેલાના પીએ ભૌમિક ઠક્કર, હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદ સહિતના લોકો સામે બળજબરી અને મારામારીનો આરોપ લાગ્યો હતો.
સુનાવણી દરમિયાન એડવોકેટ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓ ભૂતકાળમાં કેન્દ્ર સરકારના આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ અને હાલ સિનિયર એડવોકેટ છે, જેથી તેમની છબી ખરડાવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉપરાંત ફરિયાદમાં પણ તેમની કોઈ ભૂમિકા ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આ જામીન અરજી મામલે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને રજૂઆત કરી હતી કે, જો તેમને જામીન આપવામાં આવે તો તપાસ પર તેની અસર પડી શકે છે. જોકે હાઈકોર્ટે તેમને શરતોને આધીન આગોતરા જામીન મંજૂર કર્યા છે. અગાઉ એડવોકેટ સૈયદ દ્વાર તેમની સામે થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે કોર્ટે તેને ફગાવી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.