ઉતરાયણ આવતા પતંગના રસિયાઓમાં ચાઇનીઝ દોરીની વધુ ડિમાંડને પગલે વેપારીઓ માનવભક્ષી દોરી પર પ્રતિબંધ હોવા છતાં નું વેચાણ બંધ કરી રહ્યા નથી. જેથી રાજ્યભરમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ધોંસ વધતા ભેજાબોજોએ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી ચાઇનીઝ દોરીનું વેચાણ શરુ કરી દીધું. જેમાં વડોદરા પોલીસે આવા વેપારીઓને શોધી કાઢવાનો દાવો કર્યો છે.
વડોદરામાં 4 દિવસમાં ઘાતક દોરીથી બે લોકોએ જીવ ગુમાવતા સરકારી સંત્ર સજાગ્ર બન્યું છે. પોલીસે 15 આરોપીને પકડ્યા છે. આખા નેટવર્કને તોડી પાડવાની તૈયારી કરી છે. જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારા સામે ગુનો નોંધવામાં આવશે. વડોદરા ક્રાઇમ વિભાગમા એસીપી એચ. આર રાઠોડે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારાનું એકાઉન્ટ ફેક છે અને તેમણે આપેલું સરનામું પણ બોગસ છે.
આ લોકો ગ્રામ્ય વિસ્તાર અને શહેરની આસપાસના જ હોવાનું જણાયું છે. ટુંકમાં જ તેમને ઝડપી પાડવાામાં આવશે. દરમિયાન ચાઇનીઝ દોરીના પ્રતિબંધ છતા આવી દોરીનો બિન્દાસ પણે વેપાર કરતા એક શખ્સને મુદ્દામાલ સાથે ભાવનગર એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. આંબાચોક વિસ્તારમાં વેચાણ કરતા આમન ઉમરભાઇ જુસાણીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ -ખેડામાં 12284 ફિરકી કબજે લેવાઇ
આણંદ અને ખેડા જિલ્લામાં કુલ 10 સ્થળેથી પોલીસે 12284 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા અને રીલ કબજે લીધા હતા. જેમાં બાલાસિનોરમાં ગોડાઉન જ પોલીસે ઝડપ્યું હતું. જેમાંથી 12 હજાર ફિરકા કબજે લીધા હતા. એ સિવાય, ખેડામાં ચકલાસી, ડાકોર, વસો, મહેમદાવાદ, ઠાસરા અને લિંબાસી તથા આણંદ પાસેના કરમસદ અને બોરસદના કસુંબાડમાંથી પોલીસે ચાઈનીઝ દોરી ઝડપી પાડી હતી.
પાટણમાં 93 ફિરકી સાથે 3 શખ્સો પકડાયા
ઉતરાયણ નજીક આવતાની સાથે પાટણ શહેરમાં ચાઈનીઝ દોરીનો ધીકતો ધંધો શરૂ થઈ ગયો છે. ત્યારે પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં શખ્સો સામે તવાઈ શરૂ કરી છે. પાટણ અને કાકોશીમાંથી એલસીબી પોલીસની ટીમે ચાઈનીઝ દોરી ની રૂ 21150 ની 93 ફીરકી સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.