ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ઈન્ટિગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ અને IT વિભાગ દ્વારા જીટીયુ સંલગ્ન તમામ કૉલેજના સેમેસ્ટર-8ના કૉમ્પ્યુટર અને IT વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પેઈડ ઈન્ટર્નશિપનો લાભ મળી રહે તે અર્થે, તાજેતરમાં જ પ્રવેશ પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાંથી 9 વિદ્યાર્થીઓને 3 માસની પેઈડ ઈન્ટર્નશિપ માટે પસંદગી પામ્યાં છે.
વિદ્યાર્થીઓને 3.24 લાખનું સ્ટાઈપેન્ડ મળશે
આ અંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, યુજીસીના નિયમોનુસાર અંતિમ સેમેસ્ટરમાં ઈન્ટર્નશિપ કરવી ફરજીયાત છે. જેનાથી વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ જ્ઞાનમાં વધારો થાય છે. જીટીયુ દ્વારા પસંદગી પામેલા વિદ્યાર્થીઓને 3.24 લાખનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. જીટીયુના કુલસચીવ ડૉ. કે. એન. ખેરે પસંદગી પામેલ તમામ વિદ્યાર્થીઓ અને જીટીયુ ITAPના ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી અને IT હેડ પ્રો. મહેશ પંચાલને સફળ આયોજન માટે શુભકામના પાઠવી હતી.
56 વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા માટે પસંદગી કરાઈ હતી
ડિગ્રી એન્જિનિયરીંગ કરતાં દરેક વિદ્યાર્થીઓ વિવિધ કંપની કે ઓદ્યોગીક એકમો ખાતે પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવવા માટે ઈન્ટર્નશિપ કરતાં હોય છે. કૉમ્પ્યુટર અને IT ક્ષેત્રે ઈન્ટર્નશિપ કરવા માંગતાં વિદ્યાર્થી પાસેથી જીટીયુ દ્વારા અરજી મંગાવવામાં આવેલ હતી. કુલ મળેલ 1496 અરજીમાંથી મેરીટ બેઝ્ડ 56 વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા માટે પસંદગી કરાઈ હતી. જેમાંથી 9 વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરીને પ્રતિ માસ 12 હજાર રૂપિયાના સ્ટાઈપેન્ડ સાથે ઈન્ટર્નશિપ કરશે. જીટીયુ દ્વારા 3 માસની ઈન્ટર્નશિપ માટે કુલ 3.24 લાખ રૂપિયાનું સ્ટાઈપેન્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ વેબસાઈટ ડેવલોપમેન્ટ, સ્ટુડન્ટ પોર્ટલ એપ્લિકેશન, રીઝલ્ટ વેરીફિકેશન સોફ્ટવેર તેમજ ડોટ નેટના વિવિધ પ્લેટફોર્મ પર વિષય તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મેળવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.