ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર બેફામ બની રહ્યો છે ત્યારે આ અંગે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં મુંદ્રા-અદાણી પોર્ટ પરથી અફઘાનિસ્તાથી તાલિબાને મોકલેલું ₹21,000 કરોડની કિમતનું 3000 કિલો ડ્રગ્સ ઝડપાવાથી સમગ્ર દેશમાં ચકચાર છે, પરંતુ ડ્રગ્સ કેસમાં તાલિબાની કનેક્શન છતાં રાજ્યની ભાજપ સરકારના પેટનું પાણી પણ હાલતું નથી.
મુંદ્રા/અદાણી પોર્ટ પરથી રૂ.21,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાનો આ કોઈ પહેલો કેસ નથી. છેલ્લા 5 જ મહિનામાં રાજ્યની અલગ અલગ જગ્યાએથી અંદાજે રૂ.24,800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. 21 એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી રૂ.150 કરોડની કિમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યાર બાદ 17 જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાં રૂ.3,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. તાજેતરમાં 21 સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી રૂ.150 કરોડનું ડ્રગ્સ અને એ જ દિવસે રૂ.21,000 કરોડનું ડ્રગ્સ મુંદ્રા/અદાણી પોર્ટ પરથી ઝડપાયું. આ તમામ ડ્રગ્સ પાછળ તાલિબાની કનેક્શનનો ઘટસ્ફોટ થયો હોવા છતાં ગુજરાતના દરિયાકિનારાની સુરક્ષા આજે પણ ભગવાન ભરોસે છે.
144 નાના-મોટા ટાપુઓ હોવા છતાં સુરક્ષા ભગવાન ભરોસે
અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું હતુ કે ગુજરાતમાં દેશનો સૌથી લાંબા 1,640 કિ.મીનો દરિયાકિનારો અને 144 નાના- મોટા ટાપુઓ હોવા છતાં એની સુરક્ષા ભગવાન ભરોસે છે. 1,640 કિમી લાંબા દરિયાકિનારાની સુરક્ષા માટે માંડ 22 મરીન પોલીસ સ્ટેશન અને 30 ઇન્ટરસેપ્ટર બોટ છે, એટલે એક મરીન પોલીસ સ્ટેશને તોતિંગ 72 કિમી દરિયાકિનારાનો વિસ્તાર સાચવવો પડે છે. ગુજરાત કરતાં ઘણો ઓછો દરિયાકિનારો અને પાકિસ્તાનથી દૂર હોવા છતાં મહારાષ્ટ્ર(44), તામિલનાડુ(42), કર્ણાટક(62)માં વધુ મરીન પોલીસ સ્ટેશન છે, જ્યારે પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશનની સંખ્યા તો ઠીક સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અભાવ છે. પરિણામે, પૂરતી સુરક્ષાના અભાવે ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે.
ગુજરાત 2,41,715 કેસ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે
અર્જુન મોઢવાડિયાએવધુમાં જણાવ્યું હતું કે દરિયાકિનારાને સુરક્ષા પૂરી પાડવામાં નઘરોળ ભાજપ સરકારની બેદરકારીને કારણે ગુજરાતમાં આ જંગી ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે અને ગુજરાતનું યુવાધન નશાની કાળી દુનિયામાં બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં એના અમલના નામે માત્ર ઠાલા હોંકારા પડકારાથી વધુ કંઈ નથી એ આપણે સૌ જાણીએ છીએ. હવે ભાજપ સરકારે ગુજરાતને ડ્રગ્સનું પણ હબ બનાવી દીધું છે. NCRBના આંકડાઓ મુજબ લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ અંતર્ગત દેશમાં નોંધવામાં આવેલા કેસો પૈકી ગુજરાત 2,41,715 કેસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ કઈ દિશા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, ભાજપ સરકાર તો હપતા લઈને દારૂ અને ડ્રગ્સનો કાળો કારોબાર બેરોકટોક થવા દઈ રહી છે, પરંતુ યુવાન મિત્રોને મારી વિનંતી છે કે તમે તો જાગ્રત બનો. દારૂ કે ડ્રગ્સના વ્યસનથી દૂર રહો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.