તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MD ડ્રગ્સ કેસ:સહેજાદ, ઇમરાન પેરોલ પર છૂટી જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવવા મુંબઈ ગયા હતા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • MD ડ્રગ્સ કેસમાં આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ, 1 વર્ષ પહેલાં પણ બંને પકડાયા હતા

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે 1 કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપેલા 5 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી સહેજાદહુસેન તેજાબવાલા અને ઈમરાન અજમેરી અગાઉના 2019ના એમડી ડ્રગ્સના કેસમાં પેરોલ પર બહાર આવ્યા હતા. ત્યારે બંનેએ એવી યોજના બનાવી હતી કે, તેઓ પાછા જેલમાં જાય તો ત્યાંથી બેઠાબેઠા ડ્રગ્સ સપ્લાય કરવાનુ નેટવર્ક ચાલતું રહે.

જેલમાં બેઠાબેઠા ડ્રગ્સ સપ્લાયનો ધંધો ચાલતો રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી
શહેર ક્રાઈમ બ્રાંચના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મુંબઈથી અમદાવાદમાં સપ્લાય કરવા માટે લવાઈ રહેલા 1 કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા પાંચ આરોપીઓ પૈકી બે આરોપીઓને અગાઉ ક્રાઈમ બ્રાંચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. સહેજાદહુસેન મઝહરહુસેન તેજાબવાલા અને ઈમરાન અહેમદ અજમેરી બંને પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા હતા. ત્યારબાદ શહેજાદ હૈદરાબાદ ગયો હતો, ત્યાંથી મુંબઈમાં તેણે એમડી ડ્રગ્સનો ગેરકાયદે ધંધો કરતા લોકો સાથે સંપર્ક સાધ્યો હતો અને તેઓ જેલમાં રહીને એમડી ડ્રગ્સનું નેટવર્ક ચલાવી શકે તેવી વ્યવ્સ્થા ગોઠવી હતી. ત્યારબાદ તેણે ઈમરાન અજમેરીને પણ મુંબઈ બોલાવી લીધો હતો. આ બંનેએ એવું નેટવર્ક ગોઠવ્યું હતું કે, પેરોલ પૂરા થઈ જાય ત્યારબાદ તેમને પાછા જેલમાં જવું પડે ત્યારે પણ એમડી ડ્રગ્સનો તેમનો ગેરકાયદે ધંધો ચાલતો રહે. જોકે ક્રાઈમ બ્રાંચે તેમની મુંબઈથી ધરપકડ કરી તેમની યોજના ઉંધી વાળી દીધી હતી.

ક્રાઈમ બ્રાંચે કારમાં દાણીલીમડાના એએસઆઈ ફીરોઝખાન નાગોરી, મહમંદ આરીફ ઉર્ફે મુન્ના કાજી ઈમરાન ઈબ્રાહીમ પઢીયારને એક કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ તેમની પૂછપરછમાં આ જથ્થો મુંબઈથી લાવ્યા હોવાનું ખુલતા તરત જ એક ટીમને મુંબઈ મોકલી હોટલમાં રહેલા સહેજાદહુસેન તેજાબવાલા અને ઈમરાન અજમેરીને પણ પકડી લીધા હતા.

સ્થાનિક નેટવર્ક શોધવા પોલીસે ટીમ બનાવી
એક વર્ષ પહેલા એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયા બાદ પેરોલ પર છૂટીને આવ્યા બાદ પછી 1 કરોડના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા સહેજાદહુસેન અને ઈમરાન અજમેરી આટલી મોટી સંખ્યામાં એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ મોકલ્યો તેના આધારે શહેરમાં એમડી ડ્રગ્સ વેચનારા લોકોનું મોટુ નેટવર્ક કામ કરી રહ્યું હોવાની આશંકા છે. આ મામલે ક્રાઈમ બ્રાંચે અલગ અલગ ટીમો બનાવી સ્થાનિક નેટવર્કની તપાસ આદરી હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

પોલીસ કર્મચારીની સાઠગાંઠની તપાસ
આ કેસમાં દાણીલીમડાના એએસઆઈ ફિરોઝ નાગોરીની ધરપકડ કરાતા ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા લોકોની સાથે પોલીસની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ખાનગી બાતમીદારો અને અન્ય રીતે એમડી ડ્રગ્સ જેવા નશાકારક ડ્રગ્સ વેચનારા સાથે પોલીસ કર્મચારીઓની સાંઠગાંઠની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે અન્ય કેટલા સંડોવાયેલા છે તેની પણ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...