કોરોના સંક્રમણ:બીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થવા 108ની લાઇનો લાગતી, હવે ત્રીજી લહેરમાં માત્ર 1% દર્દીઓને જ હોસ્પિટલાઇઝ થવાની જરૂર

અમદાવાદ9 દિવસ પહેલા
  • કોરોનાની બીજી લહેર વખતે કલાકો સુધી 108ની રાહ જોવી પડતી હતી
  • ત્રીજી લહેરમાં 6-7 હજાર કેસ પ્રતિદિન હોવા છતાં 40 દર્દી 108ને કોલ કરે છે

કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન અનેક લોકો સંક્રમિત થતા હતા, પોઝિટિવ આવનારા દર્દીઓ દાખલ થવા માટે 108ને કોલ કરતા હતા. ત્યારે 8-10 કલાક જેટલું 108માં વેઈટિંગ હતું. 108માં આવનારા દર્દીઓને પણ હોસ્પિટલ બહાર લાઈનમાં દાખલ થવા રાહ જોવી પડતી હતી, જે સ્થિતિ હવે બદલાઈ છે. કેસ વધુ આવતા હોવા છતાં અત્યારે 1 ટકા દર્દીઓ પણ દાખલ થતા નથી.

ગયા વર્ષે 108 એમ્બ્યુલન્સમાં સેવા માટે કલાકો લાગતા
108 એમ્બ્યુલન્સનો ઉપયોગ ઈમર્જન્સી સર્વિસ માટે લોકો કરે છે, જેનો સૌથી વધુ ઉપયોગ કોરોનાની બીજી લહેર સમયે થયો હતો. લોકોએ અનેક કલાકો સુધી રાહ જોવી પડતી હતી. એ સમયે પોઝિટિવ આવનારા દર્દીઓમાંથી 10 ટકા જેટલા દર્દીઓ 108ની મદદથી દાખલ થતા હતા, ત્યારે હવે ત્રીજી લહેરમાં 6-9 હજાર કેસ પ્રતિદિન આવતા હોવા છતાં રોજના 40 દર્દી અંદાજિત દાખલ થઇ રહ્યા છે.

જશવંત પ્રજાપતિ, COO, 108.
જશવંત પ્રજાપતિ, COO, 108.

ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થનારની સંખ્યા ઓછી
પ્રથમ લહેર અને બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં ટેસ્ટિંગ સામે કેસની સંખ્યા વધુ છે, પરંતુ તેની સામે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે. એવું પણ માનવામાં આવે છે કે હવે કોરોનાને લોકો સામાન્ય બીમારી તરીકે જ જુએ છે, જેને કારણે દાખલ ઓછા થઇ રહ્યા છે અને કેટલાક જાતે હોસ્પિટલમાં જઈને દાખલ થઇ રહ્યા છે.

કોરોના દરમિયાન કલાકોની રાહ જોયા બાદ દર્દીઓને 108નો લાભ મળતો.
કોરોના દરમિયાન કલાકોની રાહ જોયા બાદ દર્દીઓને 108નો લાભ મળતો.

કોરોના સામે 108ની તૈયારીઓ
108ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે અત્યારે દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે છતાં અમે અમારી તૈયારી કરી છે. કોરોના માટે અમારી 50 એમ્બ્યુલન્સ તૈયાર છે. અત્યારે પણ કોલ આવે ત્યારે દર્દીના ઘરે જઈને તપાસવામાં આવે છે અને જરૂર પડે દર્દીઓને દાખલ કરવામાં પણ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...