અમદાવાદમાં કડાકાભડાકા સાથે વરસાદ:બોપલ, મણિનગરમાં 3 કલાકમાં 2 ઇંચ વરસાદ; ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં, અખબારનગર અંડરબ્રિજ બંધ કરાયો

22 દિવસ પહેલા

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદ શહેરમાં આજે સાંજે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. ત્યારે 3 કલાકમાં વાસણા, પાલડીમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરના સેટેલાઈટ, જીવરાજ પાર્ક, પાલડી, ઇસનપુર, મણીનગર, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. જોરદાર વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ શહેરમાં પડી રહ્યો છે. રાણીપ, નવા વાડજ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અખબાર નગર અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, જગતપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હત. પરંતુ ક્યાંય પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે રોડ પર જણાયા હતા. ગોતા બ્રિજની નીચે તેમજ વંદે માતરમ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા.

અમદાવાદ શહેરમાં 3 કલાકમાં સરેરાશ 1 ઈંચ વરસાદ
અમદાવાદમાં સાંજે ચાર વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્રણ કલાકમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદને પગલે અખબાર નગર અંડર પાસને બંધ કરવામાં આવ્યો છે. સૌથી વધુ વરસાદ પશ્ચિમ વિસ્તારમાં બોપલ, ઘુમા, થલતેજ, સરખેજ, એસજી હાઇવે, જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, પાલડી, આશ્રમ રોડ, વાસણા વેજલપુર, શ્યામલ, નારણપુરા, ઘાટલોડિયા, સાયન્સ સિટી, સોલા,ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં એકમાત્ર મણિનગર વિસ્તારમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

13 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી
બંગાળમાં લો પ્રેશરને લીધે દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ મુજબ આજે 11 સપ્ટેમ્બરને રવિવારના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દમણ, દાદરા અને નગર-હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બરને સોમવારના રોજ નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

શનિવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો
શનિવારે બપોર બાદ સાડા ચાર વાગ્યા બાદ વરસાદી માહોલ છવાયો હતો. જોતજોતાંમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. બપોર બાદ શરૂ થયેલા વરસાદમાં માત્ર એક કલાકમાં જ સાયન્સ સિટી અને બોડકદેવ વિસ્તારમાં પોણા 3 થી 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ બે વિસ્તારમાં દિવસભરમાં સાડા ત્રણ થી ચાર ઈંચ વરસાદ થઈ ગયો હતો. કાળાં ડિબાંગ વાદળ શહેરભરમાં છવાઈ જતાં અંધકાર છવાયો હતો અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. તો હાઈવે પર પસાર થતા વાહનચાલકોને વિઝિબિલિટી ઘટતાં હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.

લોકો ગરમીથી ત્રાહિ મામ્ પોકારી ગયા
છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારો અને ગરમીથી લોકો ત્રાહિ મામ્ પોકારી ગયા હતા. ત્યારે ગુજરાતમાં મેઘરાજા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. એ મુજબ હાલ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં સામાન્યથી માધ્યમ વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરીવાર ધમરોળશે.

અન્ય સમાચારો પણ છે...