બોર્ડ પરીક્ષા એલર્ટ:પરીક્ષા કેન્દ્ર પર એક દિવસ અગાઉ બેઠક વ્યવસ્થા જોઈ શકાશે, બોર્ડ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા ભેગી થવાથી સંચાલકો માટે પડકાર

5 મહિનો પહેલા
  • સામાન્ય રીતે દર વર્ષે બોર્ડ પરીક્ષાના એક દિવસ અગાઉ સવારના સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકે છે
  • બોર્ડ પરીક્ષાના એક દિવસ અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી સવાર સુધી શાળા બિલ્ડિંગ વ્યસ્ત રહેશે
  • 27 માર્ચે વન સંરક્ષણ પરીક્ષા પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થી-વાલીઓ પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા જોઈ શકશે

ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડની પરીક્ષાના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્ર પણ બેઠક વ્યવસ્થા જોવા માટે જતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે 28મી માર્ચથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે, જેના એક દિવસ અગાઉ એટલે કે 27 માર્ચે વન સંરક્ષણ વિભાગની પણ પરીક્ષા યોજાવાની છે. આ પરિસ્થિતિમાં પોતાનો બેઠક વ્યવસ્થા જોવા માંગતા વિદ્યાર્થીઓએ સવારે નહીં, પરંતુ બપોરે 3 વાગ્યા બાદ શાળાએ જઈને જોઈ શકશે. આ વર્ષે બોર્ડની પરીક્ષાની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ શિડ્યૂલ કરાઇ છે, જેથી બોર્ડની પરીક્ષા સિવાય સંચાલકો અને સ્થળ કેન્દ્ર પર કામનું ભારણ વધારે રહેશે.

સ્પર્ધાત્મક અને બોર્ડની પરીક્ષા સંચાલકો માટે પડકાર
આ બાબતે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોવા જાય, ત્યારે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ પણ હશે. જેથી બંને વચ્ચે ક્લેશ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડની પરીક્ષા ભેગી હોવાથી સંચાલકો માટે પણ મોટો પડકાર બની રહેશે.

વાલીઓ અને વિદ્યાર્થી રૂબરૂ જઈને બેઠક વ્યવસ્થા જોવા ઈચ્છતા હોય છે
ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડની પરીક્ષાના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્ર પર રૂબરૂ જઇને બેઠક વ્યવસ્થા જોવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓ આગ્રહ રાખતા હોય છે. જે માટે સવારનો સમય નિયત કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સવારે નહીં પરંતુ બપોરે પરીક્ષા બાદ, એટલે કે 3 વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા રૂબરૂ જઈને જોઈ શકશે. કારણ કે 28 તારીખે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે, જ્યારે તેના એક દિવસ અગાઉ એટલે કે 27 માર્ચે વન સંરક્ષણ વિભાગની પરીક્ષા યોજાઈ રહી છે. જેથી સવારના સમયે ધોરણ-10 અને 12ના પરીક્ષા કેન્દ્રો પર જ આ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. જેથી તેઓ સવારના સમયે બેઠક વ્યવસ્થા જોઈ નહીં શકે.

26મી માર્ચે જ બોર્ડની પરીક્ષાના નંબર લખી દેવાશે
ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન ત્રણ સંચાલકો માટે પણ મોટો પડકાર બની રહેવાની છે. કારણ કે બોર્ડની સાથે સાથે મોટી અને મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે. 27 માર્ચે સંચાલકો માટે મોટી મૂંઝવણ એ રહેવાની છે કે, વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા આ અંગે નંબર ક્યારે લાગે. એક દિવસ અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષા છે, જેના પણ નંબરો જે તે બેન્ચ પર રહેવાના છે. જેથી કેટલાક સ્થાન પર તો 26 માર્ચથી જ બોર્ડ પરીક્ષા નંબર લખી દેવાની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...