નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 4 મે, વૈશાખ સુદ-ત્રીજ (વિનાયક ચતુર્થી)
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી 2) આજથી બે 7 મે સુધી વડોદરાના કેટલાક વિસ્તારોમાં વીજકાપ 3) આજે LICનો IPO ખુલશે, વીમાધારકો અને નાના રોકાણકારોને ડિસ્કાઉન્ટ મળશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) AAPના પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયાએ 'આપ'ના શહેર મંત્રી સહિતનાને માર મારનાર ભાજપના જ હોવાનો પુરાવો આપ્યો
સુરતમાં ગતરોજ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં આપના મહામંત્રી અને યુવા પ્રમુખને માર મારવામાં આવ્યો હતો. જેને લઈને આજે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા. આ સાથે જ માર મારનાર ભાજપના જ કાર્યકરો હોવાનો પુરાવો આપ્યો હતો.
2) 2017ની વિધાનસભા ચૂંટણીમાં 77 સીટ મેળવનારી કોંગ્રેસ આજે 63એ પહોંચી, 20% MLA ભાજપમાં ભળી ગયા
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 99 બેઠકની પાતળી બહુમતી સાથે સત્તા પર આવ્યો હતો. જ્યારે 2022ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે છેલ્લાં પાંચ વર્ષમાં કોંગ્રેસના 15 ધારાસભ્યને ભાજપમાં ભરતી કરીને તે આજે વિધાનસભામાં 111 બેઠક સાથે સત્તા પર છે. 2017માં કોંગ્રેસ પાસે 77 બેઠક હતી, એમાંથી 15 ધારાસભ્ય ભાજપમાં ભળી જતાં કોંગ્રેસ આજે 63 બેઠક સુધી પહોંચી ગઈ છે. એ જોતાં એવું કહી શકાય કે કોંગ્રેસના 20 ટકા ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા છે. આગામી દિવસોમાં હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જાય એવી શક્યતાઓ છે.
3) પાટણ-ચાણસ્મામાં ભારે પવન ફુંકાતા માર્કેટયાર્ડમાં દુકાનોના પતરા અને શેડ ઉડ્યા, વાદળા થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા
રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ ગરમીના યલો એલર્ટ જાહેર થઈ રહ્યા છે. તેની વચ્ચે ગઇકાલે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જ્યારે આજે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. પાટણના ચાણસ્મામાં વાવાઝોડું આવતાં માર્કેટયાર્ડમાં દુકાનોના પતરા અને શેડ ઉડ્યા હતા.
4) 72 વર્ષ બાદ રથયાત્રાના ત્રણેય રથ બદલાશે, નવા રથ બનાવવા 10 કારીગરો જગન્નાથ પુરીથી અમદાવાદ આવશે
અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી અલગ અલગ રથમાં સવાર થઈને લોકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. 1950માં બનેલા રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે. આ રથ ખૂબ જ જુના થઈ ગયા હોવાથી આવતા વર્ષે એટલે કે 146મી રથયાત્રામાં ભગવાન નવા રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે. નવા રથ બનાવવાની કામગીરી માટે સ્પેશિયલ પુરી 10થી વધુ કારીગરો આવશે અને સ્થાનિક કારીગરોની મદદ લઈને રથ બનાવશે.
5) 'સ્કૂલમાં કાર્યરત શિક્ષકોના બાળકોની ફી અન્ય બાળકો પર કેવી રીતે નાંખી શકો,પુસ્તક ખરીદવાની બાબત મરજિયાત હોવી જોઈએ': હાઇકોર્ટની ટકોર
વિવિધ પ્રકારના ખર્ચ બાળકો પર નાખવાના સ્કૂલ સંચાલકોના વલણ સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યની વિવિધ સ્કૂલઓ જે-તે ઝોનની સમિતિ સમક્ષ દરખાસ્ત મંજૂર કરાવવા માટે હિસાબ મુકે છે. જેમાં કેટલીક બાબતો ગુજરાત હાઇકોર્ટના ધ્યાને આવતા ટકોર કરી છે. મહત્વની વાત એ છે, કેટલીક સ્કૂલના શિક્ષકોના બાળકો પણ તે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે, પરંતુ તેની ફી નથી વસૂલાતી. જેથી કેટલાક સ્થાન પર સ્કૂલ સંચાલકો શિક્ષકોના બાળકોની ફીને ખર્ચ તરીકે સમિતિ સમક્ષ દર્શાવે છે. જેથી કોર્ટે સવાલ કર્યો કે, 'આ રકમ ખર્ચ કેવી રીતે કરી શકાય. શિક્ષકોના બાળકોની ફીની રકમ અન્ય બાળકો પર કેમ નાંખી શકાય?
6) નેપાળના લોર્ડ ઓફ ડ્રિંક્સમાં રાહુલ ગાંધી,નાઈટ ક્લબનો વીડિયો વાયરલ, કોંગ્રેસે કહ્યું- મિત્રના લગ્નમાં પણ BJPને પૂછીને જવું પડશે?
રાહુલ ગાંધી અત્યારે નેપાળના અંગત પ્રવાસે છે. સોશિયલ મીડિયા પર ત્યાંની એક પબનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક ચીની મહિલા પણ જોવા મળે છે. દાવો કરવામાં આવે છે કે, આ નેપાળની પ્રખ્યાત પબ LOD- લોર્ડ ઓફ ડ્રિંક્સ છે અને મહિલા નેપાળમાં ચીની રાજદૂત હોઉ યાંકી છે.
7) ડેનમાર્કમાં PM મોદી બોલ્યા- યુક્રેનમાં યુદ્ધ તુરંત રોકાય, વાતચીત અને રાજનીતિ દ્વારા સમસ્યાનું સમાધાન લાવે બંને દેશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે આજે ડેનમાર્ક પહોંચ્યા છે. કોપેનહેગન એરપોર્ટ પર PM મેટે ફ્રેડરિકસન સાથે ગ્રીન સ્ટ્રેટજિક પાર્ટનરશિપ અને દ્વીપક્ષીય સંબંધ જેવા મુદ્દા પર ડેલિગેશન લેવલની મીટિંગ કરી છે.
8) ઈદ પર અનેક સ્થળોએ હોબાળો, જોધપુરમાં 12 કલાકમાં 3 વખત હિંસા બાદ 10 વિસ્તારોમાં કર્ફ્યૂ, ધારાસભ્યના ઘરની બહાર પણ આગચંપી
રાજસ્થાનના જોધપુરમાં ઈદ પર હિંસા બાદ તણાવભર્યું વાતાવરણ છે. તંત્રએ બુધવાર સુધી જોધપુરના 10 વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. આ તરફ લોકોએ સુરસાગર વિસ્તારમાં ધારાસભ્યના ઘરની બહાર આગ લગાવી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે રિપોર્ટ માગ્યો છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) સુરતમાં AAPના ઈટાલિયા સહિત 16 અને મારી નાખવાના છે કહી 'આપ'વાળાને માર મારવા બાબતે અજાણ્યા 7 સામે રાયોટિંગનો ગુનો 2) ગુજરાત સરકારે બીજી વખત ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપ્યું, હવે જાહેર કરેલ 25 ટકા ફી માફી આપો: વાલી મંડળની માંગ: 3) રાજકોટ મ્યુનિ.ની એડવાન્સ ટેક્સ વળતર યોજનાનો લાભ લઇ 1 લાખ લોકોએ 45 કરોડ મિલકત વેરો ભર્યો 4) જેતપુરમાં નકલી BPL કાર્ડ ઇસ્યુ કરવા બદલ નગરપાલિકાના કારોબારી ચેરમેનને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી 5) કલોલના હીંગળાજ ફાર્મ હાઉસમાંથી 2.74 લાખની મોંઘીદાટ વિદેશી દારૂની 89 બોટલો સાથે ચોકીદાર ઝડપાયો, એક ફરાર 6) બગસરામાં વાડીએ રમતી બાળકીને સિંહ ઉપાડી ગયો, પિતાએ પાછળ દોટ મૂકી, પણ બચાવી ન શક્યા 7) દેશના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં પોલીસે રોહિંગ્યાની ઘૂસણખોરીનો પર્દાફાશ કર્યો, 24 રોહિંગ્યા પકડાયા 8) 5G ઇન્ટરનેટ માટેની પ્રતિક્ષા પૂરી થઈ,દેશમાં ઓગસ્ટ સુધીમાં 5G સેવા શરૂ થઈ શકે છે
આજનો ઈતિહાસ
વર્ષ 1858માં આજના દિવસે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સાથેના ભીષણ યુદ્ધ બાદ ઝાંસી છોડવું પડ્યું હતું
અને આજનો સુવિચાર
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.