અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન શરૂ થયું છે. એકસાથે 35થી 40 જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા પડતાં ખાનગી પેઢીઓમાં ફફડાટ શરૂ થયો છે.
વહેલી સવારથી જ સર્ચ-ઓપરેશન શરૂ કરાયું
અમદાવાદમાં ઈસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. એ ઉપરાંત હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યાં છે. સિમંધર ફાઈનાન્સ નામની ખાનગી પેઢી અમદાવાદ અને હિંમતનગરમાં ઓફિસો ધરાવે છે. એ ઉપરાંત ખાસ કરીને એશિયન સિરામિક ગ્રુપમાં મોટે પાયે તપાસ હાથ ધરાઈ છે. એશિયન ગ્રુપના ડિરેક્ટોર્સનાં નિવાસસ્થાનો પર વહેલી સવારથી જ સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
રેડના સમાચારથી કંપનીનો શેર 7% જેવો તૂટયો
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર ઇન્કમ ટેક્સની રેડ પડી હોવાના સમાચાર આવતાની સાથે જ આજે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ પર ગુરુવારે તેના સ્ટોકનો ભાવ 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચીને રૂ. 47.90ના લેવલે આવી ગયો હતો. આ લખાય છે ત્યારે બપોરે 12:20 કલાકે એશિયન ગ્રેનીટોનો શેર રૂ. 48.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીએ તાજેતરમાં જ રાઈટ્સ ઈશ્યૂ મારફત રૂ. 440 કરોડથી વધારેની રકમ એકઠી કરી છે. આને ભારતની સિરામિક કંપની દ્વારા સૌથી મોટો રાઈટ્સ ઈશ્યૂ માનવામાં આવે છે.
એશિયન ગ્રેનિટો મોરબીમાં ત્રણ પ્લાન્ટ બનાવી રહી છે
દેશના સિરામિક હબ ગણાતા મોરબીમાં એશિયન ગ્રેનિટો ત્રણ પ્લાન્ટ બનાવી રહી છે. કંપનીએ અગાઉ કરેલી જાહેરાત મુજબ કંપનીએ નવી સમાવિષ્ટ સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ હેઠળ, ગુજરાતના મોરબીમાં નવી અત્યાધુનિક ઉત્પાદન એકમો સ્થાપીને મૂલ્યવર્ધિત લક્ઝરી સરફેસ અને બાથવેર સેગમેન્ટ જેમ કે જીવીટી ટાઇલ્સ, સેનિટરીવેર અને એસપીસી ફ્લોરિંગ સેગમેન્ટમાં મેગા વિસ્તરણ યોજના તૈયાર કરી છે.
સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓમાં ફફડાટ
એશિયન ગ્રુપની શાખાઓ અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાંક સ્થળો પર આવેલી છે. ત્યારે અમદાવાદમાં આવેલી મુખ્ય ઓફિસો પર પણ ઈન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસના પગલે સિરામિક અને ફાઈનાન્સ પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. બીજી તરફ, મોરબીમાં પણ એક જોઈન્ટ વેન્ચર પર તપાસ થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.