જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ ઉપરાંત ગુજરાતમાં પણ સંખ્યાબંધ લોકોને મૂર્ખ બનાવનારા ઠગ કિરણ પટેલ ઉર્ફ બંસીના ઘોડાસર સ્થિત ઘરે ગુજરાત એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસે બે વાર સર્ચ કરી સંખ્યાબંધ પુરાવા એકઠા કર્યા છે. બીજી તરફ ગુજરાત એટીએસ દ્વારા કિરણ પટેલે ગુજરાતમાં આચરેલા કૌભાંડોનો વિગતવાર રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.
કિરણ પટેલના કૌભાંડોનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો
ટૂંક સમયમાં રાજ્યનો ગૃહ વિભાગ કિરણ પટેલના તમામ કારસ્તાનોની તપાસ એટીએસને સોંપશે તેવી શક્યતા છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે મણિનગર સ્થિત એક પ્રિન્ટિંગ પ્રેસના મહિલા સંચાલકની પૂછપરછ પણ કરી હતી.
ગુજરાતમાં તેના કારસ્તાનોની તપાસ તેજ બની
કિરણ પટેલની જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ બાદ હવે ગુજરાતમાં તેના કારસ્તાનોની તપાસ તેજ બની છે. એક તરફ કાશ્મીર પોલીસ ગુજરાતમાં જરૂરી પુરાવા અને સાક્ષીઓને શોધી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાત એટીએસ દ્વારા પણ વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને સરકારના ધ્યાન પર મૂક્યો છે. સૂત્રોનું કહેવું છે કે, ગૃહ વિભાગ આખા કેસની તપાસ ગુજરાત એટીએસને સોંપે તેવી શક્યતા છે.
સરકારના આદેશ બાદ ઠગ કિરણ પટેલની મુશ્કેલીઓ વધશે
એટીએસના સૂત્રોનું કહેવું છે કે, કિરણ પટેલે જે લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અથવા જેમને પી.એમ.ઓ.માં એડી. ડિરેક્ટરની ઓળખ આપી રૂઆબ બતાવ્યો છે તેવા સંખ્યાબંધ લોકોની ઓળખ પણ કરી લેવાઈ છે. સરકારનો આદેશ મળ્યા બાદ આવા લોકોને બોલાવી તેમની સાથે ઠગાઈ થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. ટૂંકમાં સરકારના આદેશ બાદ ઠગ કિરણ પટેલની મુશ્કેલીઓ વધશે. અગાઉ તેની સામે નોંધાયેલા ગુના અને તે જે કેસમાં જામીન પર હોય તે કેસમાં પણ તેના જામીન રદ્દ કરવા સુધીની પોલીસ કાર્યવાહી કરી શકે છે.
વડોદરામાં ગરબાના આયોજન બાદ ડેકોરેટર્સને રૂપિયા નહીં ચૂકવવાની ઠગ કિરણ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ડેકોરેટર્સ પારિતોષભાઈએ કેટલાક ચેક મીડિયાને બતાવ્યાં હતા જે ઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલે આપ્યા હતા.
મહિલા સંચાલકને ધમકાવીને વિઝિટિંંગ કાર્ડ છપાવ્યાં
સૂત્રોનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસે મણિનગર સ્થિત આકાંક્ષા પ્રિન્ટિંગ પ્રેસના મહિલા સંચાલકનું નિવેદન નોંધ્યું છે. જેમા તેમણે જણાવ્યું હતુ કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં કિરણ પટેલ તેમને ત્યાં પ્રધાનમંત્રી ઓફિસના નામે વિઝીટીંગ કાર્ડ છપાવવા આવ્યા હતા. જો કે, તેમણે સત્તાવાર લેટરપેડ વગર કાર્ડ છાપવાની ના પાડતા કિરણ પટેલે મહિલાને ધમકાવી પોતાને મિટિંગમાં જવાનું મોડું થતંુ હોવાનું કહી દસેક કાર્ડ છપાવ્યાં હતા. પોલીસે હાર્ડડિસ્ક અને બીજા કેટલાક ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.