તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીનું સી-પ્લેનનું સપનું ડૂબ્યું?:અમદાવાદ-કેવડિયા સી-પ્લેન સેવા બંધ, 50 વર્ષ જૂનું સી-પ્લેન 28 દિવસમાં બગડી જતા મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ પહોંચ્યું

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
31 ઓક્ટોબરે  PM મોદીએ સી-પ્લેનનું ઉદઘાટન કર્યું હતું. - Divya Bhaskar
31 ઓક્ટોબરે PM મોદીએ સી-પ્લેનનું ઉદઘાટન કર્યું હતું.
  • છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે અલગ-અલગ બહાનાં હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી
  • હવે માલદીવ્સથી ક્યારે પાછું આવશે તે નક્કી નથી
  • ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી અને લોકસભા-અધ્યક્ષ ઓમ બિરલાએ જ સી-પ્લેનમાં મુસાફરી કરી હતી

મોટી મોટી જાહેરાતો બાદ અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી 1 નવેમ્બરથી શરૂ કરાયેલી સી-પ્લેનની સેવા એક જ મહિનામાં મેન્ટેનન્સના નામે અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાઇ છે. શનિવારે સી-પ્લેન અમદાવાદથી કેવડિયા, ગોવા, કોચી થઈ માલદીવ માટે રવાના થયું હતું. જ્યાં 12થી 15 દિવસના મેન્ટેનન્સ બાદ પરત આવશે. એરક્રાફ્ટના પરત અાવ્યા પછી અમદાવાદ(રિવરફ્રન્ટ)-કેવડિયા સર્વિસ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સી-પ્લેનનું સંચાલન કરતી એરલાઈન્સ સ્પાઈસ જેટ દ્વારા હાલ એક એરક્રાફ્ટ ભાડે લેવામાં આવ્યું છે, તે પણ 50 વર્ષ જૂનું હોવાથી તેનું રેગ્યુલર મેન્ટેનન્સ ખૂબ જ જરૂરી છે.

એક્સક્લૂઝિવ:અમદાવાદ-કેવડિયાનું સી-પ્લેન 50 વર્ષ જૂનું! કેનેડાની કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયેલું પ્લેન ઘણીવાર વેચાયું અને લીઝ પર અપાયું

સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન સર્વિસ.
સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન સર્વિસ.

નરેન્દ્ર મોદીનું સપનું માત્ર એક મહિનામાં જ રોળાયું
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન સર્વિસ શરુ કરવાનું વડાપ્રધાન મોદીનું સપનું હતું. 31 ઓક્ટોબરે આ સર્વિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને માત્ર એક જ મહિનાના સમયગાળામાં આ સર્વિસ બંધ કરવામાં આવી છે, જેનું કારણ એવું આપવામાં આવે છે કે મેઈન્ટેનન્સ માટે સી-પ્લેન માલદીવ્સ લઈ જવામાં આવ્યાં છે, પરત ક્યારે આવશે એ નક્કી નથી. આ સી-પ્લેનમાં 31 ઓક્ટોબરે ઉદઘાટન સમયે વડાપ્રધાન મોદી અને 24 નવેમ્બરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એમ બે જ આગેવાનોએ આ પ્લેનની સફર કરી હતી. ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે સી-પ્લેન શરૂ કરવાને બદલે અલગ અલગ બહાનાં હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી.

દેશની પહેલી સી-પ્લેન સેવાનો પ્રારંભ PM મોદીએ કરાવ્યો તે સમયની ફોટો સ્ટોરી નિહાળો

દર સપ્તાહે મેઇન્ટેનન્સ જરૂરીઃ અધિકારી
લોકો માટે 1 નવેમ્બરથી સી પ્લેનનું સત્તાવાર સંચાલન શરૂ કરાયું હતું. જો કે સંચાલન શરૂ થયા બાદ પ્રથમ સપ્તાહમાં જ મેન્ટેનન્સ માટે બે દિવસ માટે ફ્લાઈટ ગ્રાઉન્ડેડ કરી દેવાઇ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ સી-પ્લેન પાણીમાં સતત ઉડાન ભરતું હોવાથી દર સપ્તાહે તેનું પ્રાથમિક મેન્ટેનન્સ જરૂરી છે. જ્યારે મહિનામાં એકવાર સંપૂર્ણ એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. જેના માટે શનિવારે આ એરક્રાફ્ટ માલદીવ મોકલાયું છે.

ઓનલાઇન બુકિંગના ધાંધિયાને કારણે લોકો હેરાનપરેશાન થઈ રહ્યા હતા.
ઓનલાઇન બુકિંગના ધાંધિયાને કારણે લોકો હેરાનપરેશાન થઈ રહ્યા હતા.

વડાપ્રધાને 31મી ઓક્ટોબરે ઉદ્ઘાટન કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પહેલીવાર 2017માં અમદાવાદથી ધરોઈ સુધી સી-પ્લેનનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ દેશમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ઉડાન યોજના હેઠળ ગુજરાતમાં ત્રણ રૂટ સહિત દેશમાં 16 રૂટ પર સી-પ્લેનનું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. જાહેરાતના લગભગ દોઢથી બે વર્ષ બાદ દેશમાં પહેલીવાર અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેનનું સંચાલન 31 ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સી-પ્લેનનું સત્તાવાર શુભારંભ કરાવી પ્રથમ પ્રવાસી તરીકે કેવડિયાથી અમદાવાદ સુધી મુસાફરી કરી આવ્યા હતા.

પહેલી ફ્લાઇટનું ભાડું 1590, બીજી ફ્લાઈટનું ભાડું 2200થી વધુ
સી-પ્લેનમાં સવારે પહેલી ફ્લાઈટનું ભાડું રૂ. 1590 છે, જ્યારે બીજી ફ્લાઈટનું ભાડું રૂ. 2200થી વધુનું છે. જેથી પહેલી ફ્લાઈટમાં બુકિંગ માટે લોકો આવે છે અને તેમાં ઓછું ભાડું હોવાથી પહેલી ફલાઇટ બુક થઇ ગઇ હતી. સી-પ્લેનમાં ફ્લાઈટનાં અનશિડ્યૂલ અને ઓનલાઇન બુકિંગના ધાંધિયાને કારણે લોકો હેરાનપરેશાન થઈ રહ્યા હતા. વડાપ્રધાન મોદી દ્વારા સી-પ્લેન સેવા શરૂ તો કરાવવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં એ સેવા મેળવવામાં લોકો હેરાનગતિ ભોગવે છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રામ.
સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રામ.

​​​​​​​ફ્લાઈટને સરેરાશ 70થી 80 ટકા પેસેન્જર મળે છે
1 નવેમ્બરે સી-પ્લેનની સેવા શરૂ થઈ ત્યારે શરૂઆતમાં તેને ખૂબ જ ઓછા એટલે કે 6થી 8 પેસેન્જરો જ મળતા હતા. જો કે એક સપ્તાહ બાદ રેગ્યુલર સંચાલન શરૂ થતા ફ્લાઈટને 10થી 12 પેસેન્જરો મળતા હતા. ત્યારબાદ દિવાળી દરમિયાન ફ્લાઈટ ફુલ રહ્યા બાદ હવે ફરીથી પેસેન્જરોની સંખ્યા ઘટી ગઈ છે. જો કે મળતી માહિતી મુજબ ફ્લાઈટને હાલ સરેરાશ 70થી 80 ટકા જેટલા પેસેન્જરો મળે છે. વધુમાં એરલાઈન્સ દ્વારા વધુ એક એરક્રાફ્ટ મગાવવાની પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે. જેથી એક એરક્રાફ્ટ મેન્ટેનન્સમાં જાય તો બીજા એરક્રાફ્ટની સેવા ચાલુ રહી શકે.

અમદાવાદમાં મેન્ટેનન્સની સુવિધા શરૂ કરવામાં આવશે
સી-પ્લેનનું સંચાલન કરતી એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું કે, હાલમાં એરક્રાફ્ટના મેન્ટેન્સની સુવિધા અમદાવાદમાં નથી. અમદાવાદમાં સી-પ્લેનના મેન્ટેનન્સ માટેની સુવિધા શરૂ કરવા જરૂરી માળખું તૈયાર કરાઇ રહ્યું છે. એકવાર મેન્ટેનન્સ વર્કશોપ શરૂ કરાયા બાદ સી-પ્લેનનું મેન્ટેનન્સ અહીં જ કરાશે. વધુમાં એરક્રાફ્ટનું મેન્ટેનન્સ દર મહિને કરવું અનિવાર્ય છે, આ મેન્ટેનન્સ અગાઉથી નક્કી હોવાથી 27 નવેમ્બર બાદ સી-પ્લેનનું બુકિંગ કરવામાં આવ્યું નથી. હવે પરત ફર્યા બાદ તેનું બુકિંગ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...