ક્યારે ઊડશે 50 વર્ષ જૂનું સી-પ્લેન?:સી-પ્લેન ‘બંધ’ છે, પરંતુ રિવરફ્રન્ટ અને કેવડિયામાં બર્ડહિટ રોકવા સહિત કરોડોનાં ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • છેલ્લા બે મહિનામાં સી-પ્લેનની સુરક્ષા માટે ફાયર રેસ્ક્યુ બોટ
  • પક્ષીઓથી નુકસાન અને લિફ્ટ-રેમ્પનાં ત્રણ ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ અને કેવડિયા વચ્ચેની દેશની પ્રથમ સી-પ્લેન સેવા છેલ્લા છ મહિનાથી બંધ હોવા છતાં ગુજરાત સરકારનાં અધિકારીઓ સી-પ્લેનનાં નામે કરોડો રૂપિયાનાં ટેન્ડરો બહાર પાડી રહ્યાં છે. સી-પ્લેન ‘ગુમ’ હોવા છતાં સરકારે સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામમાં સી-પ્લેનને પશુ-પક્ષીઓ અને અન્ય અડચણોથી બચાવવા માટે એજન્સી નીમવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે, એટલું જ નહિ છેલ્લા બે મહિનામાં ગુજસેઇલ દ્વારા સી-પ્લેનને લગતાં ત્રણ જેટલા ટેન્ડરો પાડીને કરોડોનો ખર્ચ કરવા જઇ રહેલી ગુજરાત સરકાર આ પ્લેન ક્યારે ઉડશે તે બાબતે કોઈ જવાબ આપી રહ્યું નથી. સર્વિસ ઓપરેટર સ્પાઇસ જેટ પણ આ મુદ્દે મૌન છે. દિવાળીનું વેકેશન આવી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકોનો ધસારો છે તેમજ ટુર ઓપરેટરો પાસે પણ સી-પ્લેનની સંખ્યાબંધ ઇન્કવાયરીઓ આવી રહી છે.

કયા પ્રકારનાં ત્રણ ટેન્ડર બહાર પડાયાં
ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજસેલ દ્વારા કેવડિયા ખાતેનાં વોટર એરોડ્રામ પાસે વ્હિકલ રેમ્પ, લિફ્ટ વગેરે બનાવવા માટે રૂ. 2.50 કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું. ઓક્ટોબરમાં બહાર પડાયેલા બીજા ટેન્ડરમાં સાબરમતી અને કેવડિયામાં આગ અને અન્ય ડિઝાસ્ટર થાય તો રેસ્ક્યુ બોટ દ્વારા મુસાફરોને બચાવવા કન્સલ્ટન્ટ નીમવા માટેનું ટેન્ડર બહાર પડાયું હતું, તેમજ ત્રીજા ટેન્ડરમાં સાબરમતી અને કેવડિયામાં સી-પ્લેનને પક્ષીઓ,પશુઓ તેમજ અન્ય અડચણોથી રક્ષા કરવા માટે કોન્ટ્રાક્ટ આપવા માટેનું ટેન્ડર બહાર પડાયું છે. ઉલ્લેખનીય છે કે સી-પ્લેન સેવા છેલ્લા છ મહિનાથી બંધ છે.

ટુર ઓપરેટરો, મુસાફરો નારાજ
સી-પ્લેનના બુકિંગ બાબતે ટ્રાવેલ એસો. ઓફ ગુજરાતનાં પ્રમુખ અનુજ પાઠકે ભાસ્કરને જણાવ્યું હતું કે, મુસાફરો અમને સી-પ્લેન મુદ્દે ઇન્કવાયરીઓ કરે છે. જોકે તે બંધ છે તેની જાણ થતાં લોકો નારાજ થાય છે. સરકાર પાસે આ વખતે વેકેશન દરમિયાન તક હતી કે, સી-પ્લેનને લોકોમાં પોપ્યુલર કરે. સરકાર અને સ્પાઇસ જેટને તેને ઉડાવવામાં શું સમસ્યા છે તે અંગે ચોક્કસ કારણ સામે આ‌વી રહ્યું નથી.

વર્ષમાં માત્ર 2,500 લોકોએ જ ઉડાન ભરી
પ્રધાનમંત્રીએ 31 ઓક્ટોબર, 2020નાં રોજ સી-પ્લેનમાં સેવાની શરૂઆત કરાવી હતી. 31 ઓક્ટોબરે તેને એક વર્ષ પૂરું થશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ પ્લેનમાં માત્ર 2,500 લોકોએ જ ઉડાન ભરી છે. સરેરાશ જોઇએ તો રોજનાં 6થી 7 લોકોએ જ તેમાં સફર કરી છે. આ આંકડો જોતાં આ સેવા સફળ નથી રહી તેમ કહી શકાય. પ્લેન 50 વર્ષ જૂનું હોવાથી અને વારંવાર મેન્ટેનન્સની જરૂર પડતી હોવાથી તે માલદિવ્સ જતું રહે છે. આ સંજોગોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કેટલે અંશે યોગ્ય તે વાત સચિવાલયમાં ચર્ચાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...