ઉનાળાની ગરમી વધી રહી છે તેમ હવે પાણીની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ પાણીની બૂમો ઊઠી રહી છે. તેવામાં સરદારનગર વિસ્તારમાં ખોડીયારનગરમાં પાણીના કનેક્શન બાબતે સરદારનગર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર મિત્તલ મકવાણાના પતિ નિલેશ મકવાણા અને ભાજપ મહિલા મોરચાના વોર્ડ મહામંત્રી નિરુબેન વચ્ચે બોલાચાલી થઇ હોવાનો વીડિયો સામે આવ્યો છે.
પાણીની બોલાચાલીનો મુદ્દો ઉગ્ર બનતાં પોલીસ બોલાવાઈ
ખુદ ભાજપના જ મહિલા નેતા દ્વારા પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને તેમણે આક્ષેપ કર્યો હતો કે, આગળ લાઈનમાં બુચ મારી દેવામાં આવ્યું છે. જેના પગલે મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા આગળના દરેક લોકોને પાણી આવે છે, માત્ર તમારે કેમ પાણી નથી આવતું કહી બોલાચાલી થઈ હતી. આ મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સરદારનગર પોલીસ સ્ટેશનમાં બંનેને લઇ જવામાં આવ્યા હતા.
ભાજપના વોર્ડ મહામંત્રી અને નિલેશ મકવાણા વચ્ચે બોલાચાલી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા કાઉન્સિલર મિત્તલ મકવાણા અને તેમના પતિ નિલેશ મકવાણા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. પાણીના મામલે આજે ખોડિયારનગર વિસ્તારમાં નિરુબેન નામના ભાજપના જ વોર્ડ મહામંત્રી અને નિલેશ મકવાણા વચ્ચે બોલાચાલીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં નિરુબેન મોબાઈલમાં વીડિયો ઉતારતા કહે છે કે, બોલ હવે તું ધમકી આપ. તું ઘરે કેમ આવ્યો? પાણી નથી આવતું કહી. આગળ બુચ મરાવી દેવામાં આવ્યું છે અને અધિકારીને બોલાય એમ કહેતા નિલેશ મકવાણા બોલતા બંધ થઈ ગયા હતા. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. નિલેશ મકવાણા કહે છે કે, આગળના પાંચ ઘરમાં પાણી આવે છે અને તમારે એકલાને જ પાણી નથી આવતું.
ખોડિયારનગરમાં ચાર ઘરમાં જ પાણીનો પ્રશ્ન
સમગ્ર ઘટના બાબતે મહિલા કોર્પોરેટર મિત્તલ મકવાણા સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે મને ખ્યાલ નથી. તમારા દ્વારા જે વીડિયો મળ્યા તે હમણાં મેં જોયા છે. ખોડિયારનગરમાં ચાર ઘરમાં પાણીનો પ્રશ્ન છે. હું મારા વિસ્તારમાં કામ કરાવું છું, પરંતુ કેટલાક લોકો મને પાડવા માટે આ રીતે વીડિયો વાયરલ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક સવાલ ઉદભવ્યા
સરદારનગર વિસ્તારના સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, પાણી કનેક્શન અને પાણી મુદ્દે છેલ્લા કેટલાય સમયથી મહિલા કોર્પોરેટર અને સ્થાનિકો વચ્ચે વિવાદ ચાલે છે. પાણીના કનેક્શન મુદ્દે અગાઉ પણ વિવાદ થયો હતો અને આજે ફરીથી આ વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થાય છે. વોર્ડમાં કામગીરી માટે ચૂંટાયેલા પ્રતિનિધિ જે મહિલા હોય અથવા પુરુષ તેઓએ સ્થાનિક લોકોના પ્રશ્નો અને દૂર કરવા માટે જાતે રાઉન્ડમાં નીકળવાનું હોય છે. જોકે કેટલીક જગ્યાએ મહિલા કોર્પોરેટરના પતિ જ કોર્પોરેટર હોય તેમ દમ મારતા હોય છે. ભૂતકાળમાં પણ આવા કિસ્સા બની ચૂક્યા છે ત્યારે ફરી એકવાર મહિલા કોર્પોરેટર અને તેમના પતિનો વિવાદ સામે આવતા હવે શું કાર્યવાહી થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.