વાલીઓમાં કોરોનાનો ડર:સોમવારથી સ્કૂલો શરૂ થશે પણ શિક્ષણમાં પાયો કાચા ના રહે તેવી મજબૂરીથી વાલીઓ બાળકોને સ્કૂલે મોકલશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ઓડ ઈવન પદ્ધતિથી જ વિદ્યાર્થીઓને સ્કૂલોમાં ભણાવવામાં આવશે.

ધોરણ 12ના વર્ગ બાદ હવે ધોરણ 9 થી 11 ના વર્ગ શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે. ધોરણ 9 થી 11 ના વર્ગ શરૂ કરવાની જાહેરાત થતા જ સ્કૂલો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. લાંબા સમય બાદ સ્કૂલ શરૂ થતી હોવાથી સ્કૂલમાં સાફ સફાઈ અને સનિટાઈઝેશન કરવાની શરૂઆત થઈ ગઈ છે. બીજી બાજુ કોરોનાના ડર વચ્ચે ચિંતિત વાલીઓ પોતાના બાળકો શિક્ષણમાં નબળા ના રહે તે માટે મજબૂરીમાં સ્કૂલે મોકલવા તૈયાર થયાં છે.

બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સ્કૂલમાં મોકલશે
9 થી 11 ની સ્કૂલો હવે શરૂ થવાની છે જેને લઇને હવે સંચાલક, વાલીઓ અને વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરી છે. સ્કૂલો શરૂ કર્યા અગાઉ સ્કૂલમાં સાફ સફાઈ અને અન્ય કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્કૂલ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરાવવામાં આવશે તે માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે. બીજી તરફ વાલીઓ દ્વારા પણ બાળકને સ્કૂલે મોકલવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ નિયમોનું પાલન કરે અને સંક્રમિત ના થાય તે માટે વાલીઓ બાળકને સમજાવી રહ્યા છે. વાલીઓના મનમાં પણ કોરોનાનો ડર છે પરંતુ સારું શિક્ષણ મળે તે માટે બાળકોને ઓફલાઇન સ્કૂલમાં મોકલશે.

ડાબેથી ગણેશ વિદ્યાલયના સંચાલક અલ્કેશ પટેલ તથા જમણે વાલી અમિત પંચાલ
ડાબેથી ગણેશ વિદ્યાલયના સંચાલક અલ્કેશ પટેલ તથા જમણે વાલી અમિત પંચાલ

કોરોના તો છે પરંતુ સ્કૂલ જવું પણ જરૂરી છે
અમિત પંચાલ નામના વાલીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાનો ડર તો છે પરંતુ બાળકોને ભણવું જરૂરી છે. અત્યારે ઓનલાઇન શિક્ષણ ચાલે છે તેના કરતાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે તો બાળકો વધુ સારી રીતે સમજી શકશે. બાળકો સ્કૂલમાં જાય ત્યારે સ્કૂલ દ્વારા પણ નિયમોનું પાલન કરાવવા આવશે. પરંતુ બેઠક વ્યવસ્થા અને અન્ય સાવચેતી રાખવામાં આવે તો બાળકોના હિતમાં રહેશે. જલ્પાબેન નામના વાલીએ જણાવ્યું હતું કે કોરોના તો છે પરંતુ સ્કૂલ જવું પણ જરૂરી છે. મારી દીકરી 9મા ધોરણમાં ભણે છે. હવે આવતા વર્ષે 10મા ધોરણમાં આવશે. 9માં ધોરણમાં યોગ્ય અભ્યાસ કરશે તો 10મા ધોરણ માટે પાયો પાક્કો થશે માટે સ્કૂલે જશે તો શિક્ષણ સારું મળશે. કોરોના વચ્ચે બાળકોએ અને સ્કૂલોએ નિયમોનું પાલન કરવું પડશે.

વાલી જલ્પાબેન
વાલી જલ્પાબેન

50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવશે
ગણેશ વિદ્યાલય સ્કૂલના સંચાલક અલ્કેશ પટેલે જણાવ્યું હતું કે સ્કૂલો શરૂ થઈ રહે છે તેને લઈને અમે તમામ તૈયારી કરી રહ્યા છે. વાલી પાસેથી ફરજીયાત સંમતિ પત્ર મેળવવામાં આવશે. સંમતિ પત્ર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. સંમતિ પત્ર વિનાના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવશે. કોઈ પણ બાળકના શિક્ષણ પર અસર ના થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવશે. વિજયનગર સ્કૂલના આચાર્ય ધવલ પાઠકે જણાવ્યું હતું કે સ્કૂલ શરૂ કરવામાં આવશે પરંતુ બાળકોને 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવશે જેમાં ઓડ ઈવન પદ્ધતિથી જ બાળકોને શિક્ષણ આપવામાં આવશે.