વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસો આવતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર કર્યો છે, જેમાં સૂચના અપાઈ છે કે, કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ સ્કૂલમાં પ્રવેશ અપાશે. ઉપરાંત સ્કૂલના તમામ સ્ટાફે પણ બંને ડોઝ લીધા હોવાનો રેકોર્ડ સ્કૂલે મેન્ટેન રાખવો પડશે.
રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારે હવે 1 જાન્યુઆરી, 2022થી રાજ્યની તમામ શાળાઓની મુલાકાત માટે કોરોનાની વેક્સિનના બંને ડોઝ ફરજિયાત બનાવ્યા છે. એટલે કે, હવે શાળાઓની મુલાકાતે આવનાર તમામ મુલાકાતીઓ પાસે વેક્સિનના ડબલ ડોઝ લીધાનું પ્રમાણપત્ર સાથે હશે તો જ તેમને તેની ચકાસણી બાદ જ પ્રવેશ આપવામાં આવશે. સાથોસાથ શાળાના શિક્ષકો તેમજ કર્મચારીઓએ બન્ને ડોઝ લીધા હોય તેના પ્રમાણપત્રનો રેકોર્ડ રાખવો પડશે. સ્કૂલની મુલાકાતે આવતી કોઈ પણ વ્યક્તિએ બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર અથવા ડિજિટલ નકલ માન્ય રાખવાનું રહેશે.
કોરોનાના કેસોમાં વધારો થતાં સ્કૂલોમાં હાજરી ઘટી
કેટલીક સ્કૂલોમાં કોરોનાના કેસ આવતાં ઓફલાઇન અભ્યાસમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. સંચાલકો પણ જો સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેશે તો સ્કૂલ બંધ કરી ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખવાનું જણાવી રહ્યાં છે. સંચાલકો સોમવારે વિદ્યાર્થીઓની હાજરી જોયા બાદ નિર્ણય લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.