શિક્ષણ:પશ્ચિમ અમદાવાદની સ્કૂલો ફીમાં રાહત આપવા માટે તૈયાર નથી

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
  • 25 ટકા ફી માફી જાહેર કરનારી પૂર્વની સ્કૂલો સાથે અસંમત
  • પૂર્વની સ્કૂલોએ ઉતાવળે નિર્ણય લઈ પબ્લિસિટી મેળવ્યાનો આક્ષેપ

પૂર્વ અમદાવાદની સ્કૂલોએ પહેલા ક્વાર્ટરની 25 ટકા ફી માફી મુદ્દે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના સંચાલકો વચ્ચે ભાગલા પડી ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ અમદાવાદના સ્કૂલ સંચાલકો, પૂર્વ અમદાવાદના સ્કૂલ સંચાલકોને કોઇ નિર્ણય કે સરકાર સાથેની મીટિંગો અંગે કોઇ માહિતી આપતા ન હતા. સરકાર સાથેની મીટિંગમાં ક્યા મુદ્દે ચર્ચા થઇ તેની પણ પૂરતી માહિતી પૂર્વ અમદાવાદના સ્કૂલ સંચાલકોને આપતા ન હતા. આ તમામ મુદ્દાઓ બાદ પૂર્વના સ્કૂલ સંચાલકોએ એકાએક પહેલા ક્વાર્ટરની ફીમાં 25 ટકા માફ કરતા પશ્ચિમ અમદાવાદના સ્કૂલ સંચાલકો પર પણ ફી માફી મુદ્દે દબાણ આવ્યું હતું.

પશ્ચિમ અમદાવાદના જાણીતી સ્કૂલ સંચાલકોનો દાવો છે કે, સરકાર સાથે આખા વર્ષની ફી માફ કરવાની વાત ચાલી રહી છે. જો માત્ર ત્રણ મહિનાની ફીમાં અમુક ટકા ફી માફ કરવાની વાત હોય તો અમે પણ તે માટે તૈયાર છીએ. પૂર્વના સ્કૂલ સંચાલકોએ ઉતાવળે નિર્ણય લઇને ફી માફીની જાહેરાત કરી દીધી હતી અને પબ્લિસિટી મેળવી લીધી. જો વાલી આખા વર્ષની ફીમાં ગણતરી કરવામાં આવે તો 6 ટકા જેટલી થાય. જો વાર્ષિક આટલી ફી માફ કરવાની હોય તો અમે તો તૈયાર છીએ. સાથે જ એક બાબત એ પણ છે કે પૂર્વના ઘણા સ્કૂલ સંચાલકો અમારા સંગઠનમાં નથી. તો પછી તેમને જાણ કરવાનો પ્રશ્ન આવતો નથી.

ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલ, નિકોલ, નરોડાની 38 ખાનગી સ્કૂલોએ જૂન, જુલાઈ, ઓગસ્ટની ત્રિમાસિક ફીમાં 25 ટકા માફીની જાહેરાત કરી છે. આ નિર્ણયથી 60 વિદ્યાર્થીઓના વાલીઓને રાહત મળશે. જે વાલીઓએ ફી ભરી દીધી હશે તેમને આગામી ત્રિમાસિક ફીમાં રાહત મળશે.

સંગઠન નહીં વાલીઓનું મહત્ત્વ છે, સ્કૂલ બંધ રહે ત્યાં સુધી 25 ટકા રાહત આપીશું
પૂર્વ અમદાવાદના સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી અમને સંગઠન તરફથી કોઇ જ જાણ કરવામાં આવતી ન હતી.મીડિયા દ્વારા ખબર પડતી હતી કે મીટિંગોમાં શું થયું. આ સ્થિતિમાં અમે અમારા વાલીઓની ચિંતા કરીને નિર્ણય લીધો છે. અમારા નિર્ણયથી હવે જાણીતી સ્કૂલોના સંચાલકો પર પણ ફી માફ કરવાનું દબાણ સરકાર તરફથી પણ આવ્યું હશે. જ્યાં સુધી સ્કૂલો બંધ રહેશે તેટલા સમયની ફીમાં 25 ટકા રાહત આપવાની અમારી તૈયારી છે. અમે સંગઠનને નહીં પરંતુ અમારા વાલીને મહત્વ આપીશું.

અન્ય સમાચારો પણ છે...