તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લુઝિવ:દર વર્ષે 10% ફી વધારી કોરોનામાં આપેલી 25% રાહત સરભર કરવા સ્કૂલોની માગ

અમદાવાદ7 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સ્કૂલ સંચાલકો ફી કમિટી સમક્ષ નવા વર્ષની ફી માટેની ફોર્મ્યુલા રજૂ કરશે
  • ફીમાં એકસાથે 25 ટકાનો વધારો કરવામાં આવે તો વાલીઓ પર આર્થિક બોજ પડવાની દલીલ

સ્કૂલ સંચાલકો આવનારા સમયમાં એફઆરસીમાં ફી વધારા અંગે પોતાની ફોર્મુલા રજૂ કરશે. સંચાલકોની માંગ રહેશે કે કોરોના દરમિયાન સરકારે માફ કરેલી 25 ટકા ફીની ખોટ પુરવા માટે નિયમ પ્રમાણે પાંચ ટકા ઉપરાંત વધારાના પાંચ ટકાની ફી વધારો કરવાની મંજૂરી અપાય. સ્કૂલો જો એક સાથે 25 ટકા ખોટની રકમ દર્શાવીને ફી વધારો લેશે તો વાલીઓ પર આર્થિક બોજ વધશે. તેથી સંચાલકોના મતે દર વર્ષે 10 ટકા જેટલી ફી વધારો કરવાની મંજૂરી આપવી જોઇએ.

વર્ષ 2020-21 દરમિયાન સ્કૂલોની ફીમાં 25 ટકાની માફી અપાઇ હતી. પરંતુ સંચાલકો આ 25 ટકા ફી માફીને આ વર્ષની સ્કૂલે કરેલી ખોટ તરીકે ગણી રહ્યાં છે. વર્ષ 2021-22 માટે એફઆરસીમાં પોતાની દરખાસ્ત રજૂ કરતા પહેલા સંચાલકો માફ કરેલી ફીને સ્કૂલની ખોટ દર્શાવી રહ્યાં છે. એફઆરસી સ્કૂલોની ફી સ્કૂલોના હિસાબો પરથી નક્કી કરે છે. શિક્ષણ વિભાગની સ્પષ્ટતાના અભાવે સ્કૂલો ફી માફીને પોતાની ખોટ દર્શાવી રહી છે. આ સ્થિતિમાં એક જ વર્ષે 25 ટકા કરતા પણ ફીમાં વધારો થઇ શકે છે. જેની સામે સંચાલકોએ માંગ કરી છે કે અમને એક સાથે નહીં પરંતુ દર વર્ષે 5 ટકા એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધુ ઉઘરાવવાની મંજૂરી અપાય.

ફી વધારા માટે આ ફોર્મ્યુલા રજૂ કરી
દરખાસ્ત કરનારી સ્કૂલોને એફઆરસી દ્વારા દર વર્ષે 5 ટકા ફી વધારો કરવાની છુટ ભુતકાળમાં આપેલી છે. સંચાલકોએ માફ કરેલી 25 ટકા ફીને સરભર કરવા માટે દર વર્ષે વધારાના 5 ટકા ફી વધારો માંગે છે. એટલે કે પાંચ વર્ષ દરમિયાન દર વર્ષે કુલ 10 ટકા ફી વધારો કરવાની માંગ કરશે. પાંચ વર્ષે 25 ટકા માફ કરેલી ફી સંચાલકો વસુલ કરશે.

દર વર્ષે 7 ટકા વધારો માંગીશું
એઓપીએસના પ્રેસિડન્ટ મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, સ્કૂલોએ માફ કરેલી ફી સ્કૂલોની ખોટ છે. તેથી જો એફઆરસી પાસેથી એક સાથે જ 25 ટકા જેટલો ફી વધારો માંગીએ તો વાલી પર આર્થિક ભારણ થશે. તેથી અમે દર વર્ષે 5 ટકા નિયમ પ્રમાણે, ઉપરાંત 3થી 5 ટકા વધારાની ફીની માંગ કરવાની રજૂઆત કરીશું.

અન્ય સમાચારો પણ છે...