ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે, જેના પર નિયંત્રણ લેવા અત્યારથી જ પગલાં લેવાઈ રહ્યાં છે, જેના ભાગરૂપે AMTS, BRTS, જિમ, બાગ-બગીચા સહિત અનેક વસ્તુઓ બંધ કરવામાં આવી છે, પરંતુ શાળા-કોલેજને હજુ સુધી બંધ કરવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સ્કૂલોમાં હજુ પણ પરીક્ષા ચાલુ છે, જેમાં કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓને ફરજિયાત આવવા ફરજ પડાઈ છે તો આ વિદ્યાર્થીઓને કોરોના નહિ થાય? એવો સવાલ વાલીઓ કરી રહ્યા છે
સ્કૂલોની આવક ચાલુ રાખવા બાળકોને બોલાવવામાં આવ્યાં
ગિરીશ સોની નામના વાલીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે કેસ વધી રહ્યા છે તો આવા સંજોગોમાં બાળકોને શા માટે સ્કૂલે મોકલવા ફરજિયાત કરવામાં આવે છે. મોટા ભાગની સરકારી સ્કૂલોમાં બાળકોને મોકલવા ફરજિયાત નથી, પરંતુ કેટલીક ખાનગી સ્કૂલો બાળકોને ફરજિયાત પરીક્ષા લેવા માટે બોલાવે છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા પણ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી એટલે સ્કૂલના સંચાલકોની આવક બંધ ના થાય એ માટે બાળકોને સ્કૂલે બોલાવવામાં આવે છે.
જિલ્લા શિક્ષણ અધિકારી આર.સી.પટેલે શું કહ્યું?
જિલ્લા શિક્ષણ અધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે સરકાર તરફથી શાળા બંધ કરવા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેથી સ્કૂલો ચાલુ જ છે. હાલ પરીક્ષા ચાલી રહી છે, જેમાં 1થી 5ના વિદ્યાર્થીઓએ ઘરેથી જ ઓનલાઇન પરીક્ષા આપવાની છે, 6થી 8 ના વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફ્લાઈન બંને વિકલ્પ આપવામાં આવ્યા છે, જેથી તેઓ ઘરેથી પણ પરીક્ષા આપી શકે છે. આવતીકાલથી 9થી 12ની પરીક્ષા શરૂ થવાની છે જે ફરજિયાત સ્કૂલે આવીને ઓફ્લાઈન જ આપવાની રહેશે. જે વિદ્યાર્થી કન્ટેન્મેન્ટ વિસ્તારમાં રહેતો હશે તેની પરીક્ષા પછીથી લેવામાં આવશે. આ પરીક્ષા અંગે સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવે તો તેનું પાલન કરાવવામાં આવશે.
ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોકસીએ શું કહ્યું?
ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોકસીએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં 1થી 8ના ક્લાસ હાલ બંધ છે. આવતીકાલથી પણ પરીક્ષા શરૂ થઈ રહી છે તો એ માટે અમે વ્યવસ્થા કરી છે.વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપવા ઈચ્છતા હોય તે આપી શકે છે અને ઓફ્લાઇન પરીક્ષા પણ સ્કૂલે આવીને આપી શકે છે. 50 ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપવાનું પણ નક્કી કર્યું છે, જેથી તે લોકોએ નક્કી કરેલા નિયમોનું પાલન કરવાનું રહેશે.
સ્કૂલ બંધ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએથી જ લેવાશે
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. વાલીમંડળે માગ કરી છે કે આગામી 20 દિવસ સુધી સ્કૂલ, કોલેજો અને ટ્યૂશન ક્લાસીસ બંધ રાખવામાં આવ્યાં છે. વાલીમંડળે એવો દાવો પણ કર્યો છે કે અમદાવાદમાં 150થી વધુ વિદ્યાર્થીઓ હાલ કોરોનાની ઝપેટમાં છે અને ક્વોરન્ટીનમાં છે. બીજી બાજુ, શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું હતું કે હાલમાં સ્કૂલો બંધ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સ્કૂલ બંધ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએથી જ લેવાશે. ટ્યૂશન ક્લાસ શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા નથી, તેથી એ અંગે હું કંઈ કહી શકું નહીં.
ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખો: વાલીમંડળ
વાલીમંડળનું કહેવું છે કે જ્યાં સુધી સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી ફરી વર્ચ્યુઅલ મોડમાં શિક્ષણ ચાલુ રાખી શકાય, જેથી વિદ્યાર્થીઓને જાહેરમાં આવવાની જરૂર રહે નહીં. ઓફલાઈન મોડમાં ચાલી રહેલી સ્કૂલોમાં બાળકોની સુરક્ષા મોટો પ્રશ્ન બની રહ્યો છે, કારણ કે ઘરથી સ્કૂલ સુધીના અંતરમાં અને સ્કૂલમાં જ એસઓપીનું પાલન ન કરવાની સ્થિતિમાં બાળકને કોરોનાનું સંક્રમણ લાગી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.