ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાન્યુઆરીથી સ્કૂલ-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની વાત અગાઉ કરી હતી, પણ તાજેતરમાં જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે ફેબ્રુઆરીમાં બોર્ડની ઓફલાઇન પરીક્ષા લેવાની વાત કરતાં ગુજરાત સરકાર માટે મૂંઝવણ ઊભી થઇ છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં જાન્યુઆરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થવાની શક્યતા નથી.
સીબીએસઈ જો બોર્ડની પરીક્ષા યોજવાનું ટાળે તો ગુજરાતમાં નિયમિત શિક્ષણ કાર્ય શરૂ થઇ શકે નહીં. તેમાં પણ કોરોના રસીકરણને લઇને ભારતમાં કોઇ સ્પષ્ટતા નથી ત્યાં બાળકોને સ્કૂલે આવવાની ફરજ પાડી શકાય તેવી સ્થિતિ નથી.
સૂત્રો જણાવે છે કે, જાન્યુઆરી બાદ ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે સરકારી શિક્ષકો તેમની જવાબદારીમાં વ્યસ્ત હશે તેથી તે દરમિયાન શૈક્ષણિક કાર્ય કરવું પણ થોડું મુશ્કેલ બને. બોર્ડની પરીક્ષા લેવાશે, પણ તે સિવાયના બાકીના ધોરણો માટે આખરી નિર્ણય શું લેવો તે બાબતે હજુ કોઇ સ્પષ્ટતા નથી, પરંતુ માસ પ્રમોશનનો વિકલ્પ સાવ અસ્વીકાર્ય નથી.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતાં કહ્યું કે, શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે અગાઉ જાહેરાત થઇ હતી, પરંતુ અમારે નિર્ણય બદલવો પડ્યો હતો. હજુ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબતે સામૂહિક રીતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક બાદ જ નિર્ણય જાહેર થશે, પરંતુ અમે મે મહિનામાં બોર્ડની પરીક્ષા જરૂરથી લઇશું. પરીક્ષા નહીં લેવાનો નિર્ણય ભૂલભરેલો છે, કારણ કે તેનાથી શિક્ષણ અને વિદ્યાર્થીઓની ગુણવત્તા પર માઠી અસર થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.