વાલીઓનો આક્રોશ:શાળા સંચાલકો ફી બાબતે બેફામ ભ્રષ્ટાચાર કરે છે, DEO સામે પણ તપાસ કરો, ફીમાં 50 ટકા રાહત આપો, વાલી મંડળની માંગ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગુજરાત વાલી એકતા મંડળે ફીમાં 50 ટકા રાહત આપવા શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજુઆત કરી.

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. જેનું પાલન નવા સત્રમાં નહીં થતાં ગુજરાત વાલી એકતા મંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે. આ પત્રમાં જિલ્લા શિક્ષણ અધિકારીની ભૂમિકાની શંકામાં હોવાનું પણ જણાવ્યું છે.

FRC સ્કૂલો સામે પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થઈ
ગુજરાત વાલી એકતા મંડળે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને અનેક સ્કૂલો દ્વારા FRC દ્વારા નક્કી કરવામાં આવેલ ફી કરતાં પણ વધુ ફી વસૂલ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ કરવા છતાં FRC દ્વારા સંતોષકારક ઉકેલ આપવામાં આવ્યો નથી. આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓની કામગીરી પણ શંકાસ્પદ સાબિત થઈ છે. FRC પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થઈ છે.

25 ટકા ફી માફીની રાહત આપવામાં આવી હતી
આ ઉપરાંત સ્કૂલ બંધ હોવા છતાં 50 ટકા ફી માફીની માંગણી કરી હતી. જેની સામે 25 ટકા ફી માફીની રાહત આપવામાં આવી હતી. છતાં મોટા ભાગની સ્કૂલોએ સરકારના નિર્ણયનું ઉલ્લંઘન કરીને પૂરેપૂરી ફી વસુલવનું શરૂ કર્યું છે. જેની સામે જિલ્લા શિક્ષણાધિકારી પણ આંખ આડા કાન કરી રહ્યા છે.ત્યારે આ તમામ બાબતે કોઈ ઉકેલ લાવવામાં આવે, સ્કૂલો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને 50 ટકા ફી માં રાહત આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલ
ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલ

શિક્ષણની આડમાં ખાનગી સ્કૂલો ભ્રષ્ટાચાર કરી રહી છે
ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણની આડમાં ખાનગી સ્કૂલો ભ્રષ્ટાચાર કરી રહી છે. સ્કૂલોની ગેરરીતિ સામે શિક્ષણ અધિકારીઓ પણ કાર્યવાહી કરતા નથી. FRCએ પણ વાલીઓના હિતમાં નિષ્ફળ કાર્યવાહી જ કરી છે. શાળાઓ પણ વાસ્તવિક રૂપે શરૂ ના થાય ત્યાં સુધી 50 ટકા ફી માફી કરવા પણ માંગણી કરી છે.