• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Saying There Is A Long Wait For The Government's Free Cochlear Implant, The Government Doctor Admitted 17 Children Out Of 65 Thousand To The Surgery Trust Hospital.

ભાસ્કર એક્સક્લૂઝિવ:સરકારના ફ્રી કોક્લિયર ઈમ્પ્લાન્ટ માટે લાંબું વેઈટિંગ છે કહી, સરકારી ડોક્ટરે 65 હજારમાં 17 બાળકની સર્જરી ટ્રસ્ટની હોસ્પિટલમાં કરાવડાવી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: સમીર રાજપૂત
  • કૉપી લિંક
  • ઈમ્પ્લાન્ટ મુકાવનારાને પોલિયો ફાઉન્ડેશનની 65 હજારની રસીદ પણ આપવામાં આવી હતી
  • સરકારી હોસ્પિટલમાં દવા-વિવિધ ટેસ્ટ સાથે 6.50 લાખનું ઈમ્પ્લાન્ટ વિનામૂલ્યે થતું હોય છે

સરકારી હોસ્પિટલોમાં બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરીને રૂ. 6.50 લાખનું ઇમ્પલાન્ટ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે, જેમાં દવા અને વિવિધ ટેસ્ટ પણ આવરી લેવાયા છે, પણ ગાંધીનગર સિવિલના ઇએનટી વિભાગનાં ડોક્ટર નીરજ સૂરીએ કોક્લિયર ઇમ્પ્લાન્ટમાં લાંબું વેઇટિંગ અને સરકાર તરફથી અપાતાં ઇમ્પ્લાન્ટ કરતાં વધુ સારાં ઇમ્પ્લાન્ટ નાખી આપવાનું કહી રૂ.65 હજાર લઈને અમદાવાદના પોલિયો ફાઉન્ડેશનની હોસ્પિટલમાં સર્જરી કરાવડાવી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

વાલીઓના જણાવ્યા અનુસાર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના એસોસિએટ પ્રોફેસર અને કોક્લિયર ઇમ્પલાન્ટ કમિટી મેમ્બર ડો. સૂરીએ અમદાવાદ અને ગાંધીનગર સિવિલમાં કોક્લિયર ઇમ્પલાન્ટ માટે આવેલાં બાળકોનાં વાલીઓને એવું કહ્યું કે, હાલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીમાં લાંબું વેઇટિંગ હોવાથી એક વર્ષ રાહ જોવી પડશે. રાહ ન જોવી હોય તો સરકારી હોસ્પિટલ સિવાય સર્જરી કરાવવાની વ્યવસ્થા કરી શકું છે, પણ તે માટે રૂ. 65 હજારનો ખર્ચ થશે. તે માટે એક કાગળ પર સહી પણ કરાવાઈ હતી. આમ એક વર્ષની રાહ જોવાને બદલે અંદાજે 30 વાલી બાળકોની સર્જરી સરકારી હોસ્પિટલ સિવાય કરાવવા તૈયાર થઈ ગયા હતા, જેમાંથી 17 બાળ દર્દીની પોલિયો ફાઉન્ડેશનમાં સર્જરી કરાઈ હતી, અને વાલીઓને 65 હજારની રિસિટ પણ અપાઈ હતી.

આ સર્જરી માટે ડો. મીનીષ જુવેકરને મુંબઈથી બોલાવાયા હતા. સર્જરી બાદ વાલીને રૂ.65 હજારમાંથી રૂ. 15 હજાર પરત કરાયા હતા. ડો.નીરજ સૂરીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, હવે હું આ કમિટીમાં નથી, તમે મને સવાલ ન પૂછો. કોક્લિયર ઈમ્પ્લાન્ટની સર્જરી માટે બાળકોને પોલિયો ફાઉન્ડેશનમાં મોકલ્યાની વાત ખોટી છે, તમે પોલિયો ફાઉન્ડેશનમાં પૂછો.

પોલિયો ફાઉન્ડેશનમાં 22 બાળકની ઈમ્પ્લાન્ટ સર્જરી
સંસ્થામાં અત્યાર સુધી 22 બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી થઈ છે. મુંબઈના ડો. જુવેકર કોક્લિયર ઇમ્પ્લાન્ટ સંસ્થાને નિ:શુલ્ક આપે છે, જેથી સર્જરી માટે દર્દીના વાલી પાસેથી 25થી 30 હજાર લઈએ છીએ. સર્જરી બાદ બાળકને 1 વર્ષ સુધી સ્પીચ થેરાપી લેવી પડે, તેનો ચાર્જ સ્પીચ થેરપિસ્ટ લે છે. અમદાવાદ-ગાંધીનગર સિવિલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી દર્દી અમારી પાસે સર્જરી માટે આવ્યા હોય કે ગાંધીનગરથી ડો.નીરજ સૂરીએ મોકલ્યા હોય, દર્દીને લાભ મળે જ છે. - ડો. ભરત ભગત, ચેરમેન, પોલિયો ફાઉન્ડેશન

ડો. સૂરી સામે ફરિયાદો થતાં 6 શહેરમાં કમિટી બનાવાઈ
આરોગ્ય વિભાગના અધિકારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું કે, રાજ્યમાં માત્ર ગાંધીનગરમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટેની કમિટી હોવાથી રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાંથી આ કમિટીને અરજી મોકલવાની રહેતી હતી. કમિટીમાં ડો. સૂરી ઉપરાંત અન્ય બે ડોક્ટર હતા. ડો.સૂરી સર્જરી માટે નામ નોંધાવનારાં બાળકની સરકારી હોસ્પિટલને બદલે પ્રાઇવેટ કે ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સર્જરી કરાવવા માટે અરજી કર્યા બાદ એક-બે વર્ષનું વેઇટિંગ બતાવાતા હતા. આ અંગે રાષ્ટ્રીય બાળ કલ્યાણ સમિતિમાં ડો. સૂરી સામે ફરિયાદો થતાં આ કમિટી વિખેરી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, જામનગર અને સુરતમાં અલગ અલગ કમિટી બનાવાઈ છે, જેથી હવે ઇમ્પલાન્ટ આ શહેરમાંથી મળી શકેે.

સિલેક્શન કમિટીની મંજૂરી પછી જ ઈમ્પ્લાન્ટ મળે
એપ્રિલ-2022 પહેલાં બાળકને સરકારી હોસ્પિટલમાં લઈ જવાય ત્યારે ઇએનટી વિભાગના ડોક્ટર દ્વારા તપાસ કરી ઇમ્પ્લાન્ટ જરૂર હોય તો રાજ્યની તમામ હોસ્પિટલમાંથી ઇમ્પ્લાન્ટની પરમિશન માટે ગાંધીનગરની કોક્લિયર ઇમ્પ્લાન્ટ સિલેક્શન કમિટીને મોકલવું પડતું હતું. આ કમિટી પરમિશન આપે ત્યાર બાદ જે તે સરકારી હોસ્પિટલને ઇમ્પ્લાન્ટ મોકલી અાપતા હતા.

આ 17 બાળકની સર્જરી પોલિયો ફાઉન્ડેશનમાં થઈ હતી
પોલિયો ફાઉન્ડેશનમાં સર્જરી કરાવનારા બાળકોમાં મંથન ઓડ, આર્યન વઘાસિયા, દિવ્યાંશીદેવી ઉપાધ્યાય, હદિયા નૈમાન, વૃતાંશ દેસાઈ, શિવમ ઠાકોર, મોહમ્મદ આતિફ, જેન્સી સુથાર, ધનુષ ચાવડા, ઇશિતા ભાડૈયા, રાજવીબા જાડેજા, પરી વાડિયા, મોહમ્મદ હમજા, સીદ્દિકી નીમારા, સીદ્દિકી માહિરા, અબ્દુલ કાદિર મલેક, રિદ્ધિકુમારી રાજપૂતનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...